યહ પબ્લિક હૈ, સબ જાનતી હૈ

19 February, 2021 11:16 AM IST  |  Mumbai | Rohit Parikh

યહ પબ્લિક હૈ, સબ જાનતી હૈ

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના ચીફ નાના પટોલેએ ગઈ કાલે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારને આડે હાથ લીધા હતા. ભંડારામાં તેમણે કહ્યું હતું કે ‘આજે અમુક ઈંધણોના ભાવ ૧૦૦ રૂપિયાનો આંકડો પાર કરી ગયા હોવા છતાં આ બન્ને અભિનેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે. મનમોહન સિંહની સરકાર વખતે તેઓ એકદમ ઍક્ટિવ હતા. એટલું જ નહીં, ખેડૂતોના આંદોલનના મુદ્દા પર પણ આ અભિનેતાઓ કંઈ બોલી નથી રહ્યા. જો હવે તેઓ ખેડૂતોની પડખે નહીં ઉભા રહે તો અમે આખા રાજ્યમાં તેમની ફિલ્મનું સ્ક્રીનિંગ કે શૂટિંગ નહીં થવા દઈએ. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની સામાન્ય જનતા પર બહુ મોટી અસર થાય છે. આજે મુંબઈમાં પેટ્રોલના ભાવ ૯૬.૩૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ ૮૭.૩૨ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયા છે. આમ છતાં આ બન્ને અભિનેતાઓ એક હરફ પણ ઉચ્ચારતા નથી. તેઓ હવે કેમ શાંત છે એ બાબતની તેમણે સ્પષ્ટતા કરવી આવશ્યક છે.’

નાના પટોળેની બે અભિનેતાઓનાં શૂટિંગ બંધ કરવાની ધમકીને મોટા ભાગના લોકોએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં એક રાજકીટ સ્ટન્ટ તરીકે ઓળખાવી છે. તેઓ મહારાષ્ટ્રમાં પહેલાં પેટ્રોલ અને ડીઝલ પરના રાજ્યના ટૅક્સને ઘટાડીને ઈંધણના ભાવો ઘટાડી શકે એમ છે. બાકી કોઈ સરકાર કે રાજકીય પાર્ટીને કોઈની વાણીસ્વતંત્રતા પર અંકુશ લાદવાનો કોઈ અધિકાર નથી.

સૌકોઈ મૌન ધારણ કરીને બેઠા છે

કૉન્ગ્રેસના ચીફ નાના પટોલેનો આક્રોશ એકદમ વાજબી છે. કૉન્ગ્રેસ સરકારના સમયે રોજ મોંઘવારીના વિરોધમાં વિરોધ પક્ષો રોડ પર ઊતરી આવતા હતા તેમ જ ફિલ્મસ્ટારો પણ ટ્વિટર પર કે સોશ્યલ મીડિયાના માધ્યમથી કૉન્ગ્રેસ સરકારની ટીકા કરવાનું ચૂકતા નહોતા. હવે મોંઘવારી માઝા મૂકી ગઈ છે, પણ બધા મૌન ધારણ કરીને બેઠા છે. બીજા કોઈ દેશમાં આટલી હદે મોંઘવારી વધી જાય તો પબ્લિક રોડ પર આવી જાય છે. જોકે અહીં તો કિસાનો સિવાય કોઈ આંદોલન કરવા આગળ આવતું નથી. સામાન્ય જનતા પીસાઈ રહી છે, પણ કોઈ એક શબ્દ બોલતું નથી. સામાન્ય જનતાની કોઈને ચિંતા જ નથી. એક તો કોરોનાને હિસાબે ધંધાપાણી નથી અને લોકોની નોકરીઓ પણ છૂટી ગઈ છે. એમાં ભાવવધારો કમરતોડ હોવા છતાં કોઈ કંઈ જ બોલતું નથી. નાના પાટોળેની વાત એકદમ સાચી છે. નથી કોઈને કિસાનોની પડી કે નથી કોઈને મોંઘવારીની.

- વિરલ ગાંધી, બિઝનેસમૅન, ચેમ્બુર

આ તે કેવી નકારાત્મક વિચારધારા

નાના પટોલેની આવી નકારાત્મક વિચારધારા મહારાષ્ટ્ર માટે કે મહારાષ્ટ્રની જનતા માટે સારી નથી. આવી સંકુચિત માનસિકતા અને વિરોધ કરવા કરતાં ૬૦ વર્ષથી વધુ સમયના કૉન્ગ્રેસના રાજમાં ખેડૂતો અને આમ જનતાની કથળેલી હાલત પર કૉન્ગ્રેસના નેતાઓએ મનોમંથન કરવાની જરૂર છે. તેમણે પોતાના ભવિષ્યની વાત કરવી જોઈએ. તેમણે પહેલાં આજ સુધી ખેડૂતો અને મોંઘવારી માટે શું કર્યું એ વિચારવાની જરૂર છે, તમારા પડખે કેમ કોઈ નથી એનું વિશ્લેષણ કરવાની જરૂર છે, તેઓ સામાન્ય જનતા અને કિસાનો માટે શું કરશે એ જાહેર કરવાની જરૂર છે, કોણ ક્યારે શું બોલ્યું, કેમ બોલ્યું એ વિષય પર મંથન કરવાની જરૂર છે અને તેમના પડખે કેમ કોઈ નથી એ સમજવાની જરૂર છે. આમ ફિલ્મ-ઍક્ટરો અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે નકારાત્મક વલણ રહેશે તો મુંબઈ તથા મહારાષ્ટ્રમાંથી ઇન્ડસ્ટ્રી બહાર નીકળી જશે.

- જગદીશ કાણકિયા, બિઝનેસમૅન, તિલકનગર

કિસાનો માટેનો પ્રેમ આશ્ચર્યચકિત કરે છે

કૉન્ગ્રેસ સરકારનો કિસાનો માટેનો પ્રેમ આશ્ચર્યચકિત કરી દે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની અનેક વાર સ્પષ્ટતા પછી પણ એક મુદ્દાનો કાર્યક્રમ લઈને આંદોલન ચાલુ રાખવું અને પછી હવે ફિલ્મ-અભિનેતાઓને સકંજામાં લેવા એ નીતિ સામે એટલું જ કહીં શકાય કે યહ પબ્લિક હૈ, સબ જાનતી હૈ. ખેડૂતો માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટ યોગ્ય પગલાં લઈ રહી છે. પેટ્રોલનો ભાવવધારો કૉન્ગ્રેસના કાર્યકાળ દરમિયાન યોગ્ય ભવિષ્યની યોજનાઓના અભાવ અને ઇન્ટરનૅશનલ પરિસ્થિતિને લીધે છે. આ મુદ્દા લઈને મોદી સરકારને ભીંસમાં લેવામાં અસફળ કૉન્ગ્રેસ હવે ઉદ્ધવ ઠાકરે સરકારના ખભા પર બંદૂક રાખીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરવાની વ્યર્થ કોશિશ કરી રહી છે. આનાથી મુંબઈ અને મહારાષ્ટ્રને નુકસાન થશે એમાં શંકાને સ્થાન નથી.

- હિંમત ચાંદ્રા, બિઝનેસમૅન, ઘાટકોપર

કોણ ખેડૂત છે અને કોણ આંદોલનજીવી છે

નાના પટોલે સાહેબ, આમજનતાને પણ ખબર છે કે કોણ ખેડૂત છે અને કોણ આંદોલન જીવી છે. તેમણે મૂર્ખતાનાં ચશ્માં નથી ચડાવ્યાં. તેઓ હકીકત જાણે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત માટે તે લોકો જાણે છે કે ક્રૂડ ઑઇલની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થાય છે. ખાલી ભારત નહીં, આખી દુનિયામાં આ પ્રૉબ્લેમ છે. આમાં કેન્દ્ર સરકારે થોડો ટૅક્સ ઓછો કરવો જોઈએ અને બાકીનો ટૅકસ રાજ્ય સરકારે ઓછો કરવો જોઈએ. મારી જાણકારી પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ પર ૩૯ ટકા સ્ટેટ-ટૅક્સ લાગે છે. ઘણી રાજ્ય સરકારોએ આ ટૅક્સ ઓછો કર્યો છે અને પબ્લિકને ફાયદો આપ્યો છે. રાજ્ય સરકાર દુખે છે પેટ અને કૂટે છે માથું. મહારાષ્ટ્ર સરકારે પણ એમ કરવું જોઈએ એ તો બાજુ પર રહ્યું, ઉપરથી સ્વતંત્રતા પર તરાપ મારી રહી છે. કૉન્ગ્રેસ સરકારને મહારાષ્ટ્રની સત્તા મળી એમાં થોડો પાવર આવી ગયો છે. નહીંતર આવા શબ્દો તેમના ચીફ ઉચ્ચારે નહીં.

- જતીન શાહ, બિઝનેસમૅન, ઘાટકોપર

કુછ કરકે દિખાઓ

કૉન્ગ્રેસના નેતાને લાગે છે કે તેમના આ વિધાનથી ખળભળાટ મચી જશે, ફિલ્મ-ઇન્ડસ્ટ્રી તેમના પગ દબાવવા લાગશે અને આજથી અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર કૉન્ગ્રેસની ભાષા બોલવા લાગશે તો કદાચ તેમની આ ભૂલ છે. સરકાર કોઈનો બિઝનેસ બંધ ન કરાવી શકે. કૉન્ગ્રેસ અત્યારે શિવસેનાના સાથી પક્ષ તરીકે સત્તા પર છે ત્યારે સરકાર કોઈ અભિનેતાનો બહિષ્કાર પણ ન કરી શકે અને એ ઇન્ડસ્ટ્રી પર તાળાં પણ ન લગાવી શકે. આના કરતાં કૉન્ગ્રેસે રાજ્યની આમ જનતા પરના કરવેરાના બોજને ઓછા કરીને એક મિસાલ આપવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોના ભલા માટેનાં કાર્યો કરો અને ખેડૂતોના દિલમાં તમારું સ્થાન બનાવો. અન્યો કોની ટીકા કરે છે અને ક્યારે મૌન ધારણ કરે છે એની પરવા કરવા કરતાં એ તમારાં વખાણ કરવા લાગે એવાં કાર્યો રાજ્ય માટે કરીને બતાવો.

- પારસ શાહ, હૅન્ડરાઇટિંગ અને સિગ્નેચર ઍનલિસ્ટ, ડોમ્બિવલી

પાયાવિહોણું રાજકીય વિધાન

કૉન્ગ્રેસ રઘવાઈ થઈ છે. ભાજપ-સેનાની યુતિ સમયે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ લગભગ સાફ થઈ ગઈ હતી જે હવે ઉદ્ધવ સરકારની મહેરબાનીથી ફરી પગ જમાવવા મથી રહી છે. રહી વાત નાના પટોલેના વિધાનની તો એકમાત્ર મીડિયામાં ચમકતા રહેવા માટેનું આ પાયાવિહોણું રાજકીય વિધાન છે. જોકે કૉન્ગ્રેસની વાત ન માનનાર અભિનેતાને હેરાન કરવાની આદત બહુ જૂની છે. એક સમયે આ પાર્ટીએ કિશોરકુમારને ખૂબ સતાવ્યા હતા.

- યોગેશ ગણાત્રા, બિઝનેસમૅન, મસ્જિદ બંદર

અત્યંત આઘાતજનક ફરમાન

છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં આ પ્રકારનું ફરમાન અત્યંત આઘાતજનક છે. કોણે ક્યારે શું બોલવું, કેટલું બોલવું એ વ્યક્તિસ્વતંત્રતાનો એક ભાગ છે. એના પર સરકારનો કે કોઈ રાજકીય પાર્ટીનો હક કેવી રીતે હોઈ શકે? પહેલાં ભારતરત્ન સચિન તેન્ડુલકર અને લતાદીદીની ટ્વીટ પર ઇન્ક્વાયરી કમિશનની માગણી અને હવે અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર જેવા દેશભક્ત કલાકારો પર આ પ્રકારની નાળ ઠોકવાની કોશિશ અત્યંત ખેદજનક છે. આ પ્રકારનું તાલિબાની વક્તવ્ય મહારાષ્ટ્રની છબિ ખરાબ કરવાનું કામ કરે છે. શૂટિંગ બંધ કરવાની ધમકી મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં મોટા પાયે ઍક્ટિવ બૉલીવુડ માટે ઘાતક સિદ્ધ થઈ શકે એમ છે.

- દેવેન દાણી‍, બિઝનેસમૅન, ગ્રાન્ટ રોડ

પૉલિટિકલ ઍનલિસ્ટ શું કહે છે?

કોઈ પણ વ્યક્તિના ડબલ પૉલિટિકલ સ્ટાન્ડર્ડની ટીકા કરવાનો સૌને હક છે, પરંતુ તેને ધમકી આપવાનો કોઈને અધિકાર નથી એમ જણાવતાં પૉલિટિકલ ઍનલિસ્ટ અભય દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાના પટોલેને લાગતું હોય કે અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર કોઈ એક રાજકીય પક્ષની ફેવર કરી રહ્યા છે અને બીજાની ટીકા કરી રહ્યા છે તો તેમને હક છે કે તેઓ આ બન્ને અભિનેતાઓની ટીકા કરે, પરંતુ આ બન્ને અભિનેતા હવે કોઈ રાજકીય પક્ષના કે સરકારના કે ભાવવધારાના વિરોધમાં બોલશે નહીં તો મહારાષ્ટ્રમાં તેમનાં શૂટિંગ બંધ કરાવી દેવામાં આવશે એવી ધમકીની ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી. બની શકે કે આ બન્ને અભિનેતાઓ અત્યારની સરકારની ચાહનામાં કે તેમના દબાવને કારણે કોઈ મંતવ્યો ન આપતા હોય. એવું તો ઘણી વાર બનતું હોય છે. ઘણી વાર એવું જોવા મળ્યું છે કે અમુક સેલિબ્રિટીઝ સરકારને વહાલા થવા માટે એની ફેવર કરતા હોય છે કે કોઈની ટીકા કરતા હોય છે. એનો મતલબ એ નથી કે એ તેમના પોતાના વિચારો છે. આવા સમયે તેમની ટીકા કરી શકાય, પણ તેમને ધમકી ન આપી શકાય.’

mumbai mumbai news