કામચલાઉ રિપેરિંગ બાદ હવે ડામરીકરણ થતાં હાઇવેનો રસ્તો થઈ ગયો એકદમ ઓકે

08 July, 2022 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બોરીવલી તરફ જતી વખતે વિલે પાર્લેમાં ઍરપોર્ટનો જે ફ્લાયઓવર આવે છે એના પહેલાં રસ્તાની વચ્ચોવચ મોટા ખાડા પડી ગયા હતા

એમએમઆરડીએએ હાઇવે પર પડેલા જીવલેણ ખાડા પર અંતે ડામરીકરણ કરી નાખ્યું હતું.

મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે રસ્તા પર ખાડામાં પડી બે જણનાં મૃત્યુ થયા બાદ ખાડાઓથી લોકોને ભારે ડર લાગવા લાગ્યો છે. એવામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બોરીવલી તરફ જતી વખતે વિલે પાર્લેમાં ઍરપોર્ટનો જે ફ્લાયઓવર આવે છે એના પહેલાં રસ્તાની વચ્ચોવચ મોટા ખાડા પડી ગયા હતા. હાઇવે પર સ્પીડમાં જતાં વાહનો માટે આ વચ્ચોવચ પડેલા ખાડા જીવલેણ સાબિત થઈ શકે એમ હતા. એમાં પણ ખાસ કરીને બાઇકરો આવા ખાડામાં બૅલૅન્સ ગુમાવી બેસતા હોવાથી મોટી દુર્ઘટના બની શકે એમ હતી. જોકે ‘મિડ-ડે’ દ્વારા તાત્કાલિક ધોરણે એમએમઆરડીએ તંત્રને વિ​ડિયો મોકલાતાં પગલાં લેવામાં આવ્યાં હતાં. એમએમઆરડીએના કમિશનર એસવીઆર શ્રીનિવાસે ‘મિડ-ડે’ દ્વારા મળેલા વિડિયો બાદ તરત જ સંબંધિતોને જાણ કરીને ખાડા કામચલાઉ ધોરણે પુરાવી દીધા હતા જેથી કોઈ અણબનાવ ન બને. ત્યાર બાદ ગઈ કાલે વરસાદે થોડો વિરામ લેતાંની સાથે જ ત્યાં ડામરીકરણ પણ કરી લેવાયું છે તેમ જ હાઇવે પર અન્ય કોઈ સ્પૉટ પર આવા ખાડા નથીને એની પણ તપાસ કરવામાં આવી હતી.

‘મિડ-ડે’એ દુર્ઘટના થવા પહેલાં લોકોને મોટી રાહત અપાવી છે એમ જણાવીને મીરા રોડથી બાઇક પર જતા રાજેશ પટેલે કહ્યું હતું કે ‘હાઇવેના મુખ્ય રસ્તા પર વચ્ચોવચ આ ખાડા કોઈનો જીવ લઈ શકે એવી રીતે પડ્યા હતા. ભારે વરસાદમાં આવા ખાડા દેખાવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે અને ખાડામાં પાણી ભરાઈ જતાં એનો અંદાજ પણ આવતો નથી. આ બાબતે ‘મિડ-ડે’એ લીધેલી ઝડપી ઍક્શનથી લોકોને રાહત મળવાની સાથે તેમના જીવને જોખમમાં મુકાતાં બચાવ્યા છે. એણે ખરા અર્થમાં લોકોના માટેનું ન્યુઝપેપર હોવાનું સાબિત કરી દેખાડ્યું છે.’

mumbai mumbai news mumbai monsoon mumbai rains western express highway