14 December, 2024 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બસ ડ્રાઈવર વિડિયો કૉલ પર વાત કરતા તસવીર.
BESTએ એક સ્ક્વૉડ બનાવી છે જે બેફામ ડ્રાઇવિંગ કરનારા પર પણ ધ્યાન રાખશે. હવેથી ડ્રાઇવરોએ રોજ બ્રેથ-ઍનૅલાઇઝર ટેસ્ટ આપવાની રહેશે
કુર્લામાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની બસના ડ્રાઇવરે કરેલા ગોઝારા અકસ્માત બાદ ચારે તરફથી પ્રેશર આવતાં આખરે BEST પ્રશાસન જાગ્યું છે અને એણે ડ્રાઇવરો માટે અમુક નિયમાવલિ બનાવવાની જાહેરાત કરી છે.
BESTએ ડ્રાઇવરોની રોજ બ્રેથ-ઍનૅલાઇઝર ટેસ્ટ કરવાની સાથે હવે ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે ડ્રાઇવરોને સિમ્યુલેટર પર ટ્રેઇનિંગ આપવાનો નિર્ણય લીધો છે એટલું જ નહીં, તેમના પર નજર રાખવા માટે એક સ્ક્વૉડ પણ બનાવી છે. આ સ્ક્વૉડ બસ ચલાવતી વખતે ડ્રાઇવરો બેફામ ડ્રાઇવિંગ અથવા મોબાઇલ પર કોઈ વિડિયો કે ફોન પર વાત નથી કરી રહ્યાને એનું ધ્યાન રાખશે.
આ જ કારણસર છેલ્લા ત્રણેક દિવસથી મોટા ભાગના બસ-ડ્રાઇવરો નાના-નાના સિગ્નલ પર પણ બસ ઊભી રાખવા લાગ્યા છે તેમ જ રસ્તો ખાલી હોય તો પણ સ્પીડ-લિમિટ ક્રૉસ નથી કરી રહ્યા.
બસ ઊભી રાખીને દારૂ ખરીદતા ડ્રાઇવરોના વિડિયો વાઇરલ
છેલ્લા બે દિવસથી બે બસ-ડ્રાઇવરોના વિડિયો વાઇરલ થયા છે જેમાંથી એક ડ્રાઇવર બસ ઊભી રાખીને દારૂ લેવા જાય છે અને બીજામાં ડ્રાઇવરે પોતાની સીટની પાછળ દારૂની બૉટલ રાખી હતી જે અડધી ખાલી હતી. આ ડ્રાઇવરને એક સિક્યૉરિટી ઑફિસર પકડે છે અને તે દારૂ પીને બસ ચલાવી રહ્યો હોવાનું કબૂલ પણ કરે છે, પણ એ બૉટલ તેની હોવાનો ઇનકાર કરી દે છે. BESTએ હવે આ બન્ને પ્રકરણની પણ તપાસ શરૂ કરી દીધી છે.
કુર્લાથી બસ-સર્વિસ થઈ શરૂ
સોમવાર રાતથી કુર્લાથી બંધ કરી દેવામાં આવેલી બસની સર્વિસ ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યાથી ફરી શરૂ કરવામાં આવી હતી. બસ-નંબર ૩૭, ૩૧૦, ૩૧૯, ૩૨૦, ૩૨૫, ૩૩૦, ૩૩૨, ૩૬૫ સહિતની બસો ફરી શરૂ કરી દેવામાં આવતાં હેરાન થઈ ગયેલા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તસવીર : સૈયદ સમીર અબેદી
ડ્રાઇવરને ત્રણ દિવસ નહીં, માત્ર પાંચ મિનિટ જ આપવામાં આવી હતી ટ્રેઇનિંગ
અત્યારે પોલીસ-કસ્ટડીમાં રહેલા ‘કિલર’ ડ્રાઇવર સંજય મોરેએ પોલીસને તપાસ દરમ્યાન કહ્યું હતું કે પહેલી ડિસેમ્બરે તેને ઇલેક્ટ્રિક બસ ચલાવવાનું કહેવામાં આવ્યું એ પહેલાં મલાડના દિંડોશી ડેપોમાં માત્ર પાંચ મિનિટની જ આ બસ ચલાવવાની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. જોકે બસ મૅન્યુફૅક્ચરર ઓલેક્ટ્રા ગ્રીનટેકનું કહેવું છે કે સંજય મોરેને ત્રણ દિવસની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. આ સિવાય સંજય મોરેએ અકસ્માતના કારણ વિશે પોલીસને કહ્યું હતું કે તેને જૂની બસ ચલાવવાની આદત હોવાથી ઇલેક્ટ્રિક બસને કન્ટ્રોલ નહોતો કરી શક્યો અને પૅનિકમાં ઍક્સેલરેટર પર પગ મૂકી દીધો હતો.