સીઝનના સૌથી ઠંડા દિવસનો અનુભવ કર્યા બાદ હવે તાપમાન ધીરે-ધીરે વધશે

30 January, 2021 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીઝનના સૌથી ઠંડા દિવસનો અનુભવ કર્યા બાદ હવે તાપમાન ધીરે-ધીરે વધશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈગરાઓ છેલ્લા અમુક દિવસોથી ઠંડા વાતાવરણની મજા માણી રહ્યા છે. એમાં ગઈ કાલની સવાર મુંબઈગરાઓએ સીઝનની ૧૪.૮ ડિગ્રી સેલ્સિયસ એટલે કે સૌથી ઠંડા વાતાવરણની મજા માણી હતી. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યું હતું કે શહેરમાં ઉત્તર-પશ્ચિમ પવનોથી ઠંડા પવન ફૂંકાતાં મુંબઈમાં શુક્રવારે મોસમનું સૌથી નીચું તાપમાન ૧૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આઇએમડીના સાંતાક્રુઝ સ્ટેશનમાં ગુરુવારે ૧૫.૨ ડિગ્રી સેલ્સિયસથી નીચેનું લઘુતમ તાપમાન ૧૪.૮ નોંધાયું હતું. આ સામાન્ય કરતાં ૨.૭ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું અને ૨૯મી ડિસેમ્બરે નોંધાયેલા ૧૫ ડિગ્રી સેલ્સિયસ અગાઉના લઘુતમ કરતાં આ સીઝનમાં સૌથી ઓછો પારો નીચે ગયો છે.

કોલાબામાં લઘુતમ તાપમાન ૧૭.૫ ડિગ્રી સેલ્સિયસ સામાન્ય કરતાં ૦.૨ ડિગ્રી સેલ્સિયસ અને ગુરુવારના લઘુતમ તાપમાન ૦.૧ ડિગ્રી સેલ્સિયસથી નીચે હતું.

આઇએમડી વેસ્ટર્ન રીજનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે. એસ. હોસલીકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સાંતાક્રુઝમાં ગઈ કાલે સવારે આ સીઝનનું ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. આ મોસમમાં પ્રથમ વખત, સાંતાક્રુઝ ૧૫ ડિગ્રી સેલ્સિયસથી નીચેનું તાપમાન નોંધાયું છે. આગામી ૨૪ કલાકમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. પરંતુ ત્યાર બાદ ધીરે-ધીરે તાપમાનમાં વધારો થવાનો છે. ઍર ક્વૉલિટી ઇન્ડિયા (એક્યુઆઇ) એટલે કે હવાની ગુણવત્તા સારી નહોતી, પરંતુ આ મોસમમાં હવા હૅઝી જ હોય છે.’

mumbai mumbai news mumbai weather