સાઇક્લોન બાદ મુંબઈની હવા બની સૌથી શુદ્ધ

05 June, 2020 08:04 AM IST  |  Mumbai | Agencies

સાઇક્લોન બાદ મુંબઈની હવા બની સૌથી શુદ્ધ

મુંબઈના આકાશમાં છવાયેલાં કાળાડિબાંગ વાદળ. તસવીર : નિમેશ દવે

‘નિસર્ગ’ સાઇક્લોન હેમખેમ રીતે મુંબઈ નજીકથી પસાર થઈ ગયું છે, પરંતુ એનાથી દેશના આર્થિક પાટનગરની હવામાં જબરદસ્ત સુધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શહેરના ઍર ક્વૉલિટી ઇન્ડેક્સમાં ૧૭ પૉઇન્ટનો વધારો થયો હોવાનો દાવો કરાયો છે, જે આ વર્ષનો સૌથી નીચો છે.

સિસ્ટમ ઑફ ઍર ક્વૉલિટી ઍન્ડ વેધર ફોરકાસ્ટિંગ ઍન્ડ રિસર્ચ (સફર)ની અધિકૃત વેબસાઇટમાં જણાવ્યા મુજબ મુંબઈમાં અત્યારે નોંધાયેલી ઍર ક્વૉલિટી સારી કૅટેગરીની હોવાથી હેલ્થનું રિસ્ક ખૂબ જ ઘટી ગયું છે.

સફરના ડિરેક્ટર ડૉ. ગુરફાન બેગે કહ્યું હતું કે ‘જોરદાર હવાની સાથે મુંબઈમાં પડેલા વરસાદને લીધે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સમાં ઘણો સુધારો થયો છે, જે આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી નીચો છે. આવતી કાલે પણ આ ઇન્ડેક્સ ૧૫ રહેવાની શક્યતા છે.

૦થી ૫૦ સુધીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ સારો, ૫૧થી ૧૦૦ સંતોષજનક અને ૧૦૧થી ૨૦૦ મધ્યમ ગણાય. ૨૦૧થી ૩૦૦ ખરાબ, ૩૦૧થી ૪૦૦ ખૂબ ખરાબ અને ૪૦૧થી ૫૦૦ અત્યંત ખરાબ તેમ જ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૫૦૦થી વધારે નોંધાય તો એ ગંભીર કૅટેગરીમાં આવે છે.

નિસર્ગ સાઇક્લોન મુંબઈના માથેથી કોઈ ગંભીર અસર વિના પસાર થવાની સાથે આ સાઇક્લોનનો ફાયદો શહેરની ઍર ક્વૉલિટીમાં સુધારો કરવામાં થયો હોવાથી મુંબઈગરાઓ માટે સાઇક્લોન આફતને બદલે આશીર્વાદરૂપ નીવડ્યું હોવાનું કહી શકાય.

cyclone nisarga mumbai mumbai news air pollution coronavirus