ટિકિટ પૅસેન્જર ટ્રેનની, ચાર્જ સુપરફાસ્ટ ટ્રેનના

05 June, 2022 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોવિડ બાદ બધી પૅસેન્જર ટ્રેનોનાં ભાડાં મેલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોના રેટ પ્રમાણે લેવામાં આવી રહ્યાં છે

ટિકિટ પૅસેન્જર ટ્રેનની, ચાર્જ સુપરફાસ્ટ ટ્રેનના

વિશ્વમાં સૌથી વધુ રોજગાર પૂરો પાડતા ઑર્ગેનાઇઝેશનમાં અવ્વલ નંબરે આવતા ભારતીય રેલવેની અનેક સિદ્ધિઓ ચર્ચાતી હોય છે. જોકે એ સામે એના અનેક ગોટાળા પણ બહાર આવતા હોય છે. વલસાડથી શરૂ થઈને બાંદરા આવતી પૅસેન્જર ટ્રેનની વલસાડથી બોરીવલીની ટિકિટ કોવિડ પહેલાં ૩૫ રૂપિયા હતી. જોકે હવે કોવિડ પછી ટ્રેન એ જ છે, સ્ટેશનો પણ એટલાં જ છે અને સમય ઑલમોસ્ટ સરખો છે છતાં ટ્રેનની ટિકિટ ઇશ્યુ કરતી વખતે સુપરફાસ્ટની આપવામાં આવે છે અને એનો ચાર્જ ડબલ એટલે કે ૭૦ રૂપિયા વસૂલવામાં આવે છે. એવું જ અન્ય પૅસેન્જર ટ્રેન માટે પણ થયું છે. ભરૂચ-વિરાર મેમુ ટ્રેનના પણ આ જ રીતે વલસાડથી બોરીવલી માટેના ૭૦ રૂપિયા ચૂકવવા પડે છે.

આ બાબતે વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા (બરોડા ડિવિઝન) પ્રદીપ શર્માનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડ બાદ આ જ નહીં, પણ આખા દેશની મેમુ પૅસેન્જર ટ્રેનોનાં ભાડાં મેલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટના રેટ પ્રમાણે જ લેવામાં આવી રહ્યાં છે. આ ભાડાં લેવાનું રેલવે મંત્રાલય નક્કી કરતી હોય છે. આમાં લોકલ લેવલે અમે કશું જ ન કરી શકીએ. મંત્રાલય જો ભાડાં ઓછાં કરવાનું કહેશે તો જ ભાડાં ઓછાં થશે.’  

mumbai mumbai news indian railways