આત્મહત્યાના ૬ મહિના પછી સુસાઇડ-નોટ મળતાં ખબર પડી કે...કલ્યાણના યુવકે બૉસના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી

01 July, 2026 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આત્મહત્યાના ૬ મહિના પછી સુસાઇડ-નોટ મળતાં ખબર પડી કે...કલ્યાણના યુવકે બૉસના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી

આત્મહત્યા કરનાર પંકજ બડગુજર.

કલ્યાણ-મુરબાડ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષના પંકજ બડગુજરે ૨૦૨૫ની ૧૨ ડિસેમ્બરે કરેલી આત્મહત્યાના કેસમાં કલ્યાણની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ગઈ કાલે વાગળે એસ્ટેટની એક કંપનીના માલિક સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો નોંધ્યો હતો. પંકજના મૃત્યુના ૬ મહિના બાદ તાજેતરમાં જ તેના પિતાને તેણે લખેલી એક સુસાઇડ-નોટ મળી આવી હતી, જેમાં કામના સ્થળે થતા ગંભીર માનસિક ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પંકજે કંપનીમાંથી નોકરી છોડતી વખતે આપેલા રાજીનામામાં પણ કંપનીના માલિક દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને સતામણીની વિગતો લખી હોવાનું સામે આવ્યું છે. એના આધારે રેલવે પોલીસે તમામ પુરાવાઓની યોગ્ય તપાસ કર્યા બાદ આ ફરિયાદ નોંધી છે અને હાલમાં પોલીસ આ કેસમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે વધુ પુરાવાઓ ભેગા કરવાના પ્રયાસો કરી રહી છે.

શું હતી ઘટના?
કલ્યાણ GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલ્યાણ-મુરબાડ રોડ પર સેન્ચુરી વિસ્તારમાં રહેતો પંકજ ૨૦૨૫ની ૧૨ ડિસેમ્બરે રાતે બહાર આંટો મારીને આવું છું એમ કહીને ઘરેથી નીકળ્યા બાદ બીજા દિવસે સવારે શહાડ સ્ટેશન નજીક ટ્રૅક પરથી તેની ડેડબૉડી અમને મળી હતી. વધુ તપાસ કરતાં તેણે ટ્રેનની સામે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી હતી. આ કેસમાં અમે શરૂઆતમાં આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.’

ચોંકાવનારી વિગતો સામે આવી
કલ્યાણ GRPના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘પંકજે ૨૦૨૫ની ૧૯ સપ્ટેમ્બરે વાગળે એસ્ટેટની એક ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું, પરંતુ થોડા જ દિવસોમાં કંપનીના માલિક દ્વારા તેને માનસિક ટૉર્ચર કરવામાં આવતો હતો. આ ત્રાસ અસહ્ય બનતાં ૨૦૨૫ની ૭ નવેમ્બરે પંકજે અચાનક નોકરી છોડી દીધી હતી, પરંતુ એનું ચોક્કસ કારણ કોઈને જણાવ્યું નહોતું. ત્યાર બાદ ૧૨ ડિસેમ્બરે તે કંપનીનું આઇડેન્ટિટી કાર્ડ જમા કરાવવા ફરી કંપનીમાં ગયો હતો અને ત્યાંથી પાછા ફર્યા બાદ ભારે માનસિક તનાવમાં દેખાતો હતો. એ જ રાત્રે તે બહાર આંટો મારીને આવું છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને પાછો નહોતો ફર્યો.’

mumbai news mumbai suicide kalyan mumbai police Crime News mumbai crime news