અડવાણીની મુંબઈયાત્રા કેવી રહી?

05 November, 2011 07:50 PM IST  | 

અડવાણીની મુંબઈયાત્રા કેવી રહી?



જો કાળું નાણું ભારતમાં પાછું આવે તો ૬ લાખ ગામડાંઓનો વિકાસ શક્ય બને : અડવાણી


મુંડે અને ઉદ્ધવની શુભેચ્છા

કોરા કેન્દ્રમાં સાંજથી જ લોકોની આવવાની શરૂઆત થઈ ગઈ હતી. અંદાજે રાતે ૮ વાગ્યે સભાનો સમય હતો ત્યાર સુધીમાં ૧૫થી ૧૬ હજાર લોકો ભેગા થઈ ગયા હતા. પહેલાં બીજેપીના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડે અને સાથીપક્ષ શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સભાને સંબોધી હતી અને લોકોને અડવાણીને ટેકો આપવા અનુરોધ કર્યો હતો તથા ત્યાર બાદ લાલકૃષ્ણ અડવાણીને તેમની યાત્રા બદલ શુભેચ્છા આપી હતી.

અડવાણી શું બોલ્યા?

લાલકૃષ્ણ અડવાણી રાત્રે ૯.૩૫ વાગ્યે જ્યારે લોકોને સંબોધવા ઊભા થયા ત્યારે તેમના સમર્થકોએ ફટાકડા ફોડી સૂત્રોચ્ચાર કરીને તેમને વધાવી લીધા હતા. તેમણે પબ્લિકને સંબોધતાં કહ્યું હતું કે ‘શિવસેનાના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે જેવી વ્યક્તિ મેં રાજનીતિમાં જોઈ નથી. બાળાસાહેબ કાંઈ પણ કહેવામાં કોઈનાથી ડરતા નથી. મેં ૧૯૫૧થી અટલ બિહારી વાજપેયી સાથે રાજનીતિની શરૂઆત કરી હતી. આજે વાજપેયી મારી સાથે નથી એનો મને વસવસો છે. યાત્રા શરૂ કરવાના એક દિવસ પહેલાં હું તેમને મળ્યો હતો. દેશમાં ૧૯૫૧ની જે પરિસ્થિતિ હતી અને આજની જે પરિસ્થિતિ છે એ કલ્પના બહારની છે. મેં અત્યાર સુધી જવાહરલાલ નેહરુથી માંડીને મનમોહન સિંહ સુધીના શાસકો જોયા છે, પણ ભ્રષ્ટાચારને કારણે કોઈ પ્રધોનોને પડતા મુકાયા હોય અને પછી જેલમાં મોકલાયા હોય એવું વડા પ્રધાન મનમોહન સિંહના શાસનમાં જ જોવા મળ્યું છે. મનમોહન સિંહ જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે મને તેમને માટે ઘણું માન હતું. તેમણે કમ્યુનિસ્ટોની નીતિ ત્યાગીને દેશના દરવાજા ખુલ્લા મૂક્યા હતા. એને કારણે દેશની સ્થિતિ બદલાવા માંડી હતી. વડા પ્રધાન બન્યા પછી લોકતંત્રમાં તેમનો શબ્દ અંતિમ હોવો જોઈએ, પણ તેમણે શરૂઆતથી જ એવી પ્રતિભા ઊભી કરી છે કે કોઈ તેમને ગણકારતું જ નથી અને એમાં છેલ્લો અવાજ સોનિયા ગાંધીનો જ હોય છે. આવી સ્થિતિ સારી ન કહેવાય. આ દેશ માટે હાનિકારક છે.  પીએમ હૅઝ નૉટ લાસ્ટ વર્ડ.’

દેશ સામે ગંભીર સમસ્યાઓ

લાલકૃષ્ણ અડવાણીએ દેશની ગંભીર સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન દોરતાં કહ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષમાં ત્રણ વસ્તુએ દેશને હેરાનપરેશાન કરી મૂકી છે. એમાંની એક છે મોંઘવારી. આમાં વડા પ્રધાનનો કોઈ અવાજ રહ્યો નથી. એક સારા ઇકૉનૉમિસ્ટ તરીકે તેઓ ફુગાવાને અંકુશમાં રાખી શક્યા હોત. જો તેમનો વર્ડ અંતિમ હોત તો ફુગાવો અને ભ્રષ્ટાચાર થયા ન હોત. આદર્શ કૌભાંડ, કૉમનવેલ્થ ગેમ્સ કૌભાંડ અને ૨ઞ્ સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આવ્યાં છે. દુનિયામાં કૉમનવેલ્થ ગેમ્સના આયોજનને કારણે પૉઝિટિવ મેસેજ જવો જોઈતો હતો, પણ એમાં થયેલા કૌભાંડને કારણે વિદેશમાં આપણી છાપ બગડી છે. જોકે હું કહેવા માંગું છું કે ભારત માત્ર થોડા ઘણા લોકોને કારણે જ બદનામ છે. ભારતમાં અનેક સંભાવનાઓ છે. વિદેશ (સ્વિસ બૅન્ક)માં ૨૫ લાખ કરોડ રૂપિયા પડ્યા છે. આ નાણાં ભારતમાં લાવીને એને ભારતનાં ૬ લાખ ગામડાંઓના વિકાસમાં લગાવવાં જોઈએ. જો ગામડાંઓ સમૃદ્ધ બનશે તો દેશ વિશ્વમાં પ્રથમ પંક્તિમાં મુકાશે.’

 

 

‘અબ બસ’ની સી.ડી.નું લોકાર્પણ

ડિરેક્ટર મણિશંકરના સહયોગથી લાલકૃષ્ણ અડવાણીનાં દીકરી પ્રતિભા અડવાણીએ ‘અબ બસ’ નામની ગીતોની એક સી.ડી.બનાવી છે. આ સી.ડી.માં યુવાનોને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત માટે સંદેશ આપવામાં આવ્યો છે. એમાં લાલકૃષ્ણ અડવાણીએ પણ પોતાના અવાજમાં સંદેશ આપ્યો છે.