રાઇટ ટુ રીકૉલની અણ્ણા હઝારેની માગણી સાથે અડવાણી અસહમત

06 November, 2011 10:08 PM IST  | 

રાઇટ ટુ રીકૉલની અણ્ણા હઝારેની માગણી સાથે અડવાણી અસહમત

 

વિપક્ષ તરીકે બ્લૅક મની અને મોંઘવારી બીજેપીના બે મુખ્ય મુદ્દા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જનચેતના યાત્રાના ભાગરૂપે શુક્રવારે મુંબઈ આવી પહોંચ્યા બાદ ગઈ કાલે અહીંથી સિલ્વાસા જવા રવાના થતાં પહેલાં કોરા કેન્દ્ર નજીક આદિત્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ  સ્ટડીઝ એન્ડ રીસર્ચ ખાતે પત્રકારોને સંબંધોતાં અડવાણીએ કહ્યું હતું કે સંસદના આગામી શિયાળુ સત્રમાં બીજેપી બ્લૅક મની અને મોંઘવારીને મુખ્ય મુદ્દા બનાવશે. બીજેપી તથા કૉન્ગ્રેસ લોકપાલ બિલ પર સહમત થયાં હોવાથી એ પસાર નહીં થાય એવું શક્ય નહીં બને. ફ્રાન્સ સરકાર દ્વારા સ્વિસ બૅન્કમાં ભારતીય ખાતેદારોનાં ભારત સરકારને જે નામ આપવામાં આવ્યાં છે એ જાહેર થવાં જોઈએ એવી પણ તેમણે માગણી કરી હતી. બ્લૅક મની પર અમે શ્વેતપત્ર ઇચ્છીએ છીએ એમ પણ તેમણે જણાવ્યું હતું.

દેશમાં રાઇટ ટુ રીકૉલ લાવવામાં આવશે તો અંધાધૂંધી ફેલાઈ જશે અને ભારત જેવા વિશાળ દેશમાં આ પ્રકારનો કાયદો વ્યવહારુ ન બની શકે એમ જણાવીને અડવાણીએ ચૂંટણીમાં રાઇટ ટુ રીકૉલની જોગવાઈ રાખવાની ટીમ અણ્ણાની માગણી સાથે પોતાની અસહમતી દર્શાવી હતી. મુંબઈની પોતાની યાત્રા પૂરી કરીને ગઈ કાલે સવારે અડવાણી દહિસરથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે માર્ગે સિલ્વાસા જવા રવાના થયા હતા.

કાશીમીરાથી વિરાર સુધી રથયાત્રા ચીલઝડપે નીકળી જતાં કાર્યકર્તાઓ નારાજ

અઢી-ત્રણ કલાકથી તડકામાં જન ચેતના યાત્રાની કાશીમીરામાં રાહ જોઈ રહેલા બે-અઢી હજાર લોકો બીજેપીના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી બસમાંથી બહાર આવ્યા વિના માત્ર ત્રણ મિનિટ ભાષણ આપીને રવાના થઈ જતાં નિરાશ થઈ ગયા હતા. જન ચેતનાની મહારાષ્ટ્ર યાત્રાના આજના અંતિમ ચરણમાં લાલકૃષ્ણ અડવાણીએ કાશીમીરા, વસઈ ફાટા, સોપારા ફાટા પાસે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જોકે માત્ર કાશીમીરા અને સોપારા ફાટા ખાતે જ તેમણે સંબોધન કર્યું હતું.

અડવાણીની આજની જન ચેતના યાત્રા દરમ્યાન સુરક્ષાને ધ્યાનમાં રાખી હાઇવે પરની તમામ દુકાનો યાત્રા પસાર થાય ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાઇવેની એક બાજુ અન્ય વાહનો માટે બંધ રાખવામાં આવી હતી. સુરક્ષાવ્યવસ્થા એટલી સઘન હતી કે પુષ્પવર્ષા પણ અડવાણીને બદલે રથ પર કરવામાં આવી હતી.