ADR Report: મહારાષ્ટ્રના ૨૦માંથી આ ૧૩ મંત્રીઓ વિરુદ્ધ નોંધાયેલા છે ગંભીર ગુના, જાણો વિગત

12 August, 2022 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

15 મંત્રીઓએ જાહેર કર્યું છે કે તેમની સામે ફોજદારી કેસ છે

ફાઇલ તસવીર

એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ પહેલાં શપથ ગ્રહણ કરેલા મંત્રીઓ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ મુજબ મહારાષ્ટ્રમાં 75 ટકા મંત્રીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે. મંત્રીએ પોતે પોતાના ચૂંટણી એફિડેવિટમાં આ વાત જાહેર કરી છે.

મહાવિકાસ આઘાડી સરકારના પતન બાદ રાજ્યમાં નવી સરકારની રચના કરવામાં આવી હતી. 30 જૂનના રોજ એકનાથ શિંદેએ મુખ્યપ્રધાન અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા, પરંતુ સરકાર બન્યાના એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં મંત્રીમંડળનું વિસ્તરણ અટકી ગયું હતું.

આખરે 40 દિવસ પછી 9 ઑગસ્ટે શિંદે-ફડણવીસ સરકારનું કેબિનેટ વિસ્તરણ (મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ) થયું. આ સમયે, શિંદે જૂથના 9 અને ભાજપના 9 સહિત કુલ 18 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. કેબિનેટમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત 20 સભ્યો હશે.

મહારાષ્ટ્રમાં કેબિનેટના આ વિસ્તરણ પછી, એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને મહારાષ્ટ્ર ઇલેક્શન વોચે 2019ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સબમિટ કરેલા તમામ મંત્રીઓના એફિડેવિટ્સનું વિશ્લેષણ કર્યું. આ વિશ્લેષણ મુજબ, 15 (75 ટકા) મંત્રીઓએ જાહેર કર્યું છે કે તેમની સામે ફોજદારી કેસ છે. જ્યારે 13 (65 ટકા) મંત્રીઓએ એફિડેવિટમાં માહિતી આપી છે કે તેમની સામે ગંભીર ગુના નોંધાયા છે. તમામ મંત્રીઓ 47.45 કરોડની સરેરાશ સંપત્તિ સાથે કરોડપતિ છે.

ADRએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે મુંબઈના મલબાર હિલ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા સૌથી શ્રીમંત મંત્રી છે. તેમની જાહેર કરાયેલી કુલ સંપત્તિ 441.65 કરોડ રૂપિયા છે. પૈઠાણના શિવસેનાના ધારાસભ્ય સંદીપન ભુમરે પાસે સૌથી ઓછી સંપત્તિ છે. તેમની જાહેર કરાયેલી કુલ સંપત્તિ 2.92 કરોડ રૂપિયા છે.

mumbai mumbai news maharashtra