ઉદ્ધવજી રિમોટ કન્ટ્રોલથી, હું અંદરથી સરકાર ચલાવીશઃ આદિત્ય ઠાકરે

14 October, 2019 01:14 PM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

ઉદ્ધવજી રિમોટ કન્ટ્રોલથી, હું અંદરથી સરકાર ચલાવીશઃ આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરે

યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીતમાં શિવસેના, મુંબઈ અને મહારાષ્ટ્રના ભવિષ્ય તેમ જ પક્ષમાં ગુજરાતીઓને તક આપવા વિશે તેઓ માંડીને વાત કરે છે. પ્રસ્તુત છે મુલાકાતના કેટલાક અંશ...
ચૂંટણી લડવાનો વિચાર ક્યારે આવેલો?
હું તો ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી લડવા માગતો હતો, પરંતુ ઉંમરની મર્યાદા નડેલી. સદ્ગત બાળાસાહેબ ‍રિમોટ કન્ટ્રોલ સરકાર ચલાવવામાં માનતા, જ્યારે મને લાગે છે કે વિધાનસભાની અંદર જઈને કામ કરવું જોઈએ. છેલ્લાં નવેક વર્ષથી સક્રિય રાજકારણમાં પ્રવેશવાનો વિચાર હતો. આ જ સાચો સમય હોવાનું લાગ્યું એટલે બે વર્ષથી રાજ્યભરમાં પ્રવાસ શરૂ કરી દીધેલો.
ઉદ્ધવજી કેમ નહીં, તમે શા માટે?
બાળાસાહેબની જેમ કોઈકે તો રિમોટ કન્ટ્રોલ ચલાવવું જોઈએને? ઉદ્ધવજી સરકારની બહાર રહીને બાળાસાહેબ કરતા હતા એ કામ કરશે અને હું અંદર જઈને રાજ્યની વિવિધ સમસ્યા ઉકેલવા માટેનાં કામ કરીશ.
બીજેપી કરતાં વધુ બેઠક મળશે તો સીએમ બનશો?
મારી પૂરી તૈયારી છે, પણ અત્યારે આ બાબતે કહેવાનો કોઈ અર્થ નથી. પરિણામ આવ્યા બાદ પક્ષ દ્વારા મને જે જવાબદારી સોંપાશે એ સ્વીકારીને રાજ્ય માટે જરૂરી એવાં કામ એક પછી એક હાથમાં લઈશ.
૨૦૧૪માં યુતિ તૂટી અને આ વખતે સાથે?
એ સમયે વાત જુદી હતી. કેન્દ્ર અને રાજ્યની સરકારોએ અયોધ્યામાં રામમંદિર બાંધવાથી માંડીને ખેડૂતોને કર્જમુક્તિ બાબતના અમે ઉઠાવેલા મુદ્દાઓ પર પૉઝિટિવ વલણ અપનાવવાની સાથે આ વખતે યુતિની વાટાઘાટોમાં બીજેપીએ સ્મૂધ વલણ અપનાવતાં અમે યુતિ કરી.
સત્તા આવશે તો આરે કૉલોનીનું શું કરશો?
આરે માત્ર ઝાડ કાપવાનો મુદ્દો નથી. અહીં અસંખ્ય અલભ્ય પ્રજાતિનાં પશુ-પંખીઓ વસે છે તેમ જ મુંબઈને શુદ્ધ હવા મળે છે એ મુદ્દો છે. સત્તામાં બેસીએ કે ન બેસીએ, શિવસેના આરેમાં મેટ્રો કારશેડનો વિરોધ ચાલુ જ રાખશે. સરકારને વિકલ્પો પર વિચાર કરવાનું દબાણ કરીશું. મને લાગે છે કે અધિકારીઓએ મુખ્ય પ્રધાનને ગેરમાર્ગે દોરતાં તેમણે રાતના સમયે વૃક્ષ કાપવાનો નિર્ણય લીધો છે.
વરલી બેઠક જ શા માટે?
વરલીમાં મહારાષ્ટ્રનું પ્રતિબિંબ પડે છે. અહીં લોકો ઊંચી ઇમારતો, બીડીડી ચાલ અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. અહીં વિકાસ કરવાની તક છે. સેનાના વિધાનસભય સુનીલ શિંદેજીએ અહીં સારું કામ કર્યું છે. અહીં મરાઠી ઉપરાંત કૉસ્મોપૉલિટન મતદારો છે, જે મને વિશ્વાસ છે કે અમને સપોર્ટ કરશે.
મુંબઈ ૨૪/૭ પ્રસ્તાવનું શું થયું?
શહેરમાં ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખવા બાબતનો પ્રસ્તાવ અંતિમ પડાવમાં છે. પોલીસ અને મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે લીલી ઝંડી આપી દીધી છે. માત્ર મુખ્ય પ્રધાનની સહી જ બાકી છે. શૉપ ઍન્ડ એસ્ટૅબ્લિશમેટ કાયદામાં બદલાવ અપેક્ષિત છે. આ નીતિથી પાંચ લાખ લોકોને રોજગાર મળશે, જેનાથી સરકારને વધારાની રેવન્યુ પણ મળશે.
શિવસેનામાં ગુજરાતીઓને તક અપાશે?
શિવસેનાએ ક્યારેય ધર્મ-જાતિનું રાજકારણ કર્યું નથી. તમે પક્ષના કાર્યક્ષમ કાર્યકર હો અને લોકોને માટે સારું કામ કરતા હો તો ગુજરાતી હોય કે બીજા કોઈ પણ સમાજ કે જ્ઞાતિ આવકાર્ય છે. લોકો શાખામાં સમસ્યા કે મુશ્કેલી લઈને જાય છે ત્યારે તેનો સમાજ કે જ્ઞાતિ નથી પુછાતાં. આ જ કારણસર આજે અનેક ગુજરાતીઓ શાખાથી માંડીને સેનાના વિવિધ વેપારી મંડળ સાથે સક્રિય રીતે જોડાયેલા છે.

aaditya thackeray uddhav thackeray