કચરો સાફ થઈ ગયો, હવે સારું જ થશે : આદિત્ય

26 June, 2022 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે યુવા સેના પ્રમુખ અને રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ બિરલા માતુશ્રી ઑડિટોરિયમમાં શિવસૈનિકોને સંબોધતાં કહ્યું

આદિત્ય ઠાકરે ગઈ કાલે પક્ષના કાર્યકરોની બેઠકમાં (તસવીર : રાણે આશિષ)

શિવસેનામાં ઊભી તિરાડ પડતાં બન્ને જૂથ દ્વારા સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે યુવા સેના પ્રમુખ અને રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ બિરલા માતુશ્રી ઑડિટોરિયમમાં શિવસૈનિકોને સંબોધતાં કહ્યું કે ‘છેલ્લા બે-ચાર દિવસથી શિવસૈનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે કચરો હતો એ સાફ થઈ ગયો છે, હવે જેકાંઈ થશે એ સારું જ થશે.’  

આદિત્ય ઠાકરેએ બળવાખોરોને સંબોધતાં કહ્યું હતું કે ‘જો તમારામાં હિંમત હોય તો રાજીનામાં આપી દો અને ચૂંટણીમાં ઝુકાવો. અમારી પાસે દરેક મતદાર વિસ્તાર માટે ઉમેદવારો તૈયાર છે. હવે પછી વધુ ને વધુ મહિલા વિધાનસભ્યો શિવસેના તરફથી વિધાનસભામાં જશે. આ મુંબઈ શિવસેનાની છે અને શિવસેનાની જ રહેશે. મને એ દિવસ યાદ આવી ગયો જ્યારે મેં મારી ઉમેદવારી નોંધાવી હતી. મારો અવાજ કદાચ આ હૉલ સુધી જ પહોંચતો હશે, પણ તમારો અવાજ હવે ગૌહાટી સુધી પહોંચી ગયો છે. મારા સાથી ભાસ્કરરાવ જાધવે હાલમાં કહ્યું હતું કે મુંબઈ અને મુંબઈ મહાનગરપાલિકા પર બીજેપીની નજર છે એ સાચી વાત છે. મુંબઈમાં આપણે વર્ષો સુધી શિવસેના સાથે રહ્યા છીએ, જો કોઈની નજર મુંબઈ પર હશે તો પણ આપણે મુંબઈને નજર લાગવા નહીં દઈએ.’

આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું કે ‘અમારી સાથે ભાસ્કરરાવ જાધવ છે, સચિન આહિર છે, મેયર છે, સંસદસભ્યો છે. છેલ્લા ચાર દિવસથી બધે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કચરો સાફ થઈ ગયો છે. હવે જે થશે એ સારું જ થશે. રાજકારણ છે એટલે લોકો કઈ રીતે બદલાઈ શકે એ આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ. અમને અચરજ એ વાતનું છે કે અમે તેમને ઓછું શું આપ્યું? ગઈ કાલે પણ કેટલાક કાર્યકરો ડોમ્બિવલી-કલ્યાણથી માતોશ્રી આવવા નીકળ્યા હતા, પણ તેમને માતોશ્રી સુધી પહોંચવા જ ન દેવાયા. તેમને ફોન આવતા હતા કે તમે ત્યાં શા માટે જઈ રહ્યા છો. જોકે અમે આ બાબતને ગણકારી નથી, અમે એને અવગણી છે.’  

mumbai mumbai news maharashtra shiv sena aaditya thackeray