આદિત્ય ચોપડા ડેન્ગી વિશે જાગૃતિ ફેલાવવા ફિલ્મ બનાવવા માગે છે

07 February, 2015 10:34 PM IST  | 

આદિત્ય ચોપડા ડેન્ગી વિશે જાગૃતિ ફેલાવવા ફિલ્મ બનાવવા માગે છે




પોતાના પિતા યશ ચોપડાનું ડેન્ગીથી અવસાન થતાં આદિત્ય ચોપડા ડેન્ગી વિશે જનજાગૃતિ ફેલાવવા એક વિડિયોનું નિર્માણ કરવા ઇચ્છુક છે. ૨૦૧૨માં યશ ચોપડાનું ડેન્ગીથી અવસાન થયું હતું.

સુધરાઈના કમિશનર સીતારામ કુંટેએ જણાવ્યું હતું કે ‘આદિત્ય ચોપડાએ મારો સંપર્ક કર્યો હતો. જ્યારે અમારી મીટિંગ થઈ ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ૩૦-૪૦ સેકન્ડની એક ફિલ્મ બનાવવા ઇચ્છે છે. તેમણે ડેન્ગી વિશેની ટેક્નિકલ માહિતી માટે અમારી મદદ માગી છે. અમે તેમને જરૂરી તમામ માહિતી પૂરી પાડીશું. જોકે આ ફિલ્મ બનાવવાનો પૂરો ખર્ચ તેઓ ઉપાડશે. આ વિશે હજી અમે  ચર્ચા કરી રહ્યા છીએ.’

સુધરાઈના આંકડાઓ મુજબ ગયા વર્ષે લગભગ ૫૧ ટકા મચ્છરોનાં ઉત્પત્તિ સ્થળો  હાઇરાઇઝ બિલ્ડિંગોમાં જોવા મળ્યાં હતાં. એથી અનુમાન લગાવી શકાય છે કે લોકોની આદતોને લીધે મચ્છરોની ઉત્પત્તિ થાય છે. સુધરાઈએ જણાવ્યું હતું કે ફેંગશુઈ પ્લાન્ટ, કૂંડામાં મૂકેલા પ્લાન્ટ  અને તૂટેલા ટાયરમાં ભેગું થતું પાણી એ ડેન્ગીના મચ્છરો માટે શ્રેષ્ઠ ઉત્પત્તિ સ્થળ છે.

 સુધરાઈના અધિકારીઓના જણાવ્યા મુજબ ૨૦૧૪ના ઑક્ટોબરમાં મુંબઈમાં ડેન્ગીના ૪૦૦૦ કેસ થયા હતા. સુધરાઈએ જણાવ્યું હતું કે ૨૦૧૪માં ડેન્ગીના ૭૦૦ પૉઝિટિવ કેસોે હતા જેમાં ૧૨નાં મૃત્યુ થયાં હતાં. ૨૦૧૩માં ડેન્ગીથી ૧૨ મૃત્યુ થયાં હતાં. 

જ્યારે ‘મિડ-ડે’એ આદિત્ય ચોપડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કયોર્ ત્યારે તેમના તરફથી કોઈ ટિપ્પણી નહોતી મળી શકી.