એકલા રહેતા સિનિયર સિટિઝનો પોલીસ-સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવે - ઍડિશનલ પોલીસ-કમિશનર

04 November, 2011 09:10 PM IST  | 

એકલા રહેતા સિનિયર સિટિઝનો પોલીસ-સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવે - ઍડિશનલ પોલીસ-કમિશનર



મુંબઈમાં છેલ્લા થોડા સમયથી સિનિયર સિટિઝનો એકલા હોય છે ત્યારે લૂંટ તથા મર્ડરની ઘટનાઓ બની રહી છે, જેમાં મહિલાઓને લાલચ આપીને છેતરવાનું કામ ચાલી રહ્યું છે. લૂંટારાઓ મોટા ભાગે સિનિયર સિટિઝન મહિલાઓને જ ટાર્ગેટ બનાવે છે ત્યારે ઘરમાં એકલા રહેતા વૃદ્ધોએ સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ, જેથી થોડા-થોડા સમયે સ્થાનિક પોલીસો ઘરની વિઝિટ કરતા રહે અને આવી ઘટના બનતી અટકી શકે. અત્યાર સુધીમાં દહિસરથી ગોરેગામના સ્ટ્રેચમાં ૭૫૦૦ જેટલા સિનિયર સિટિઝનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જ્યારે આ વિશે નૉર્થ રીજનના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ રામરાવ પવારે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘ઘરમાં એકલા રહેતા વૃદ્ધોએ સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવવું જ જોઈએ. અત્યાર સુધીમાં કુલ ૭૫૦૦ જેટલા સિનિયર સિટિઝનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી છેલ્લા દોઢેક મહિનામાં ૧૫૦૦ જેટલા વૃદ્ધજનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે હજી સુધી મોટા ભાગના લોકો આ પ્રોસીજર માટે આગળ નથી આવ્યા. એકલા રહેતા એવા વૃદ્ધોએ આગળ આવવું જોઈએ, જેઓ સિંગલ રહેતા હોય, પરિવાર સાથે રહેતા હોય અથવા તો હસબન્ડ-વાઇફ હોય. સિનિયર સિટિઝનો સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવે ત્યાર પછી વેરિફિકેશન કરવામાં આવે છે. આ ઉપરાંત તેમના ઘરમાં અવરજવર કરતા લોકોની પણ માહિતી રાખવામાં આવે છે.’

સિનિયર સિટિઝનો રજિસ્ટ્રેશન કરાવી લે અને પોલીસ દ્વારા ઘરે આવીને વેરિફિકેશન થઈ જાય એ પછી અધિકારીઓ દ્વારા શું ધ્યાનમાં રાખવામાં આવે છે એ વિશે રામરાવ પવારે જણાવ્યું હતું કે ‘સ્થાનિક પોલીસ-સ્ટેશનના અધિકારીઓ નિયત સમયે સિનિયર સિટિઝનોના ઘરે વિઝિટ કરે છે, ફોન પર તેમના સંપર્કમાં રહે છે. એ પ્રમાણે તેમનું ધ્યાન રાખતા હોય છે. પોલીસ તો પોતાનું કામ કરે છે, પણ અમારી લોકોને પણ એક સલાહ છે કે પોતાના ઘરમાં રહેલા નોકરોની ફોટો સહિતની તમામ વિગતો પોતાની પાસે રાખે. સાથે જ તેમણે એ વિગતો પોલીસ-સ્ટેશનમાં પણ જમા કરાવવી જોઈએ. જો કોઈ ઘટના બને ત્યારે તેઓ ગાયબ હોય તો તરત જ ટ્રેસ કરી શકાય. આ ઉપરાંત સોસાયટીમાં કોઈની સાથે ઝઘડા થયા નથીને એ બાબતે પણ માહિતી રાખવામાં આવે છે.’

નોકરોનું રજિસ્ટ્રેશન, વૉચમૅનનું રજિસ્ટ્રેશન અને એકલા રહેતા સિનિયર સિટિઝનોએ સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બની ગયું છે. આ માટે પોલીસ-સ્ટેશનના અધિકારીઓ દ્વારા સોસાયટી અને ચાલમાં જઈને મીટિંગ રાખવામાં આવે છે અને મુંબઈગરાઓમાં જાગરૂકતા લાવવામાં આવે છે તથા સિનિયર સિટિઝનોને ખાસ સમજાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ અને એમાંય ખાસ કરીને ઉંમરલાયક લોકો જ્યારે મંદિર અથવા દેરાસરમાં દર્શન માટે ઘરની બહાર નીકળે છે ત્યારે એકલા હોય ત્યારે મોટા ભાગે અજાણી વ્યક્તિ એનો ફાયદો ઉઠાવતી હોય છે. રસ્તા પર પગપાળા જતી મહિલાઓ પાસે આ ટોળકીના લોકો પોલીસ બનીને જાય છે અને આગળ દંગલ થઈ ગયું છે કે મારામારી થઈ છે, તમે જે કંઈ દાગીના પર્હેયા છે એ કાઢીને અંદર મૂકી દો; નહીં તો કોઈ છીનવી જશે એમ કહીને તેમના ગળામાંની ચેઇન, હાથમાં રહેલી બંગડી વગેરે કઢાવી લઈને રૂમાલમાં વીંટાળવા કહે છે અને ત્યાર બાદ તેમની નજર ચૂકવીને હાથચાલાકી કરીને દાગીના સેરવી લે છે. આ વિશે રામરાવ પવારે કહ્યું હતું કે ‘મહિલાઓએ કોઈની પણ વાતમાં આવવું ન જોઈએ. જો કોઈની વાતમાં આવીને ફસાઈ જાય તો તેમનાં ઘરેણાં કોઈ તફડાવી શકે છે. જો કોઈ ઘરેણાં પહેરીને બહાર નીકળે તો તેમણે સાડી અથવા તો ડ્રેસનો દુપટ્ટો ઢાંકીને રાખવો જોઈએ, જેથી ચોરોને તફડાવવાનો કોઈ મોકો જ ન મળે.’