સોસાયટી રજિસ્ટર કરાવતી વખતે જ કન્વેયન્સના ડૉક્યુમેન્ટ્સ એમાં ઉમેરી દો

21 May, 2022 07:59 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

જેથી સોસાયટીએ ત્યાર બાદ એ ડૉક્યુમેન્ટ્સ મેળવવા ભાગદોડ ન કરવી પડે અને હેરાન ન થવું પડે

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : મુંબઈમાં ખાસ કરીને જ્યાં જગ્યાની કમી છે ત્યાં પ્રૉપર્ટીના ભાવ કૂદકે ને ભૂસકે વધતા જ રહે છે. જૂનાં મકાનો રીડેવલપમેન્ટ હેઠળ જાય છે અને નવાં બનતાં રહે છે. જોકે મુખ્ય તકલીફ રીડેવલપમેન્ટ વખતે કન્વેયન્સની આવે છે. મોટા ભાગના કેસમાં ઓરિજિનલ બિલ્ડર દ્વારા કન્વેયન્સ ડીડ (જમીનની માલિકીના હક્ક) સોસાયટીને આપવામાં આવ્યા ન હોવાથી મામલો બગડી જાય છે અને લાંબા સમય સુધી સરકારી ખાતાંઓમાંથી દસ્તાવેજો કઢાવવા અને એ સબમિટ કરવામાં વર્ષો નીકળી જાય છે. જોકે રાજ્યના સહકાર ખાતાએ આ બાબતે હવે આધુનિક અભિગમ અપનાવ્યો છે અને રાજ્યની દરેક રજિસ્ટ્રાર ઑફિસને નિર્દેશ આપતાં કહ્યું છે કે નવી સોસાયટી રજિસ્ટર થતી હોય ત્યારે જ બિલ્ડર કે ડેવલપર પાસેથી કન્વેયન્સ ડીડ અને એ માટેના આઠ ડૉક્યુમેન્ટ્સ લેવા જણાવો જેથી સોસાયટીને ત્યાર બાદ એ ડૉક્યુમેન્ટ્સ મેળવવા ભાગદોડ ન કરવી પડે અને હેરાન ન થવું પડે. જોકે સોસાયટી કન્વેયન્સ સોસાયટીના નામે કરવા એ માટેનો પ્રસ્તાવ કમિટીમાં પાસ કરી ચાર મહિના બાદ અરજી કરી શકે છે. આ કરવાથી સોસાયટીને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી રાહત મળશે અને એ પ્રોસેસ ઝડપી બનશે.   
એક વાર બિલ્ડર કે ડેવલપરના બધા જ ફ્લૅટ વેચાઈ જાય અને એનું રજિસ્ટ્રેશન થઈ જાય ત્યાર બાદ તેણે ૬ મહિનામાં એ પ્રોજેક્ટ સોસાયટીને હૅન્ડઓવર કરી દેવાનો હોય છે. સોસાયટી દ્વારા એ પછી ચાર મહિનામાં બિલ્ડર પાસેથી કન્વેયન્સ ડીડ કરાવી સોસાયટીના નામે જમીન કરવા અરજી થઈ શકે છે. જોકે બને છે એવું કે નવી બનેલી સોસાયટીના પદાધિકારીઓ આ બાબતથી અજાણ હોય છે અને ઘણી વાર બિલ્ડર કે ડેવલપર દ્વારા પણ એ બાબતનો ખુલાસો કરાતો નથી. એને કારણે પાછળથી બહુ જ સમસ્યાઓ સર્જાતી હોય છે. રીડેવલપમેન્ટ માટે સોસાયટીના નામે કન્વેયન્સ ડીડ હોવું બહુ જરૂરી છે. 
કો-ઑપરેટિવ કમિશનર, પુણેની ઑફિસમાં અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જ્યોતિ જાધવે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળમાં આ નિર્ણય ૨૦૧૮ની ૨૨ જૂને જ લેવાઈ ગયો હતો અને રજિસ્ટ્રારને એની જાણ કરાઈ હતી. જોકે એનો અમલ બરોબર નહોતો થઈ રહ્યો એટલે કમિશનર દ્વારા આ બાબતે ખાસ પત્ર લખીને રજિસ્ટ્રારને જાણ કરાઈ છે કે સોસાયટી રજિસ્ટર કરતી વખતે જ કન્વેયન્સને લગતા દસ્તાવેજો બિલ્ડર દ્વારા સબમિટ કરવા ઇન્સિસ્ટ કરવામાં આવે જેથી સોસાયટી કન્વેયન્સને લગતી પ્રોસેસ પણ ઝડપથી પૂરી કરી શકે.’   

mumbai news