ઑક્ટ્રૉયના મુદ્દે બનશે વેપારીઓ અને સરકારી અધિકારીઓની જૉઇન્ટ કમિટી

07 October, 2012 05:44 AM IST  | 

ઑક્ટ્રૉયના મુદ્દે બનશે વેપારીઓ અને સરકારી અધિકારીઓની જૉઇન્ટ કમિટી



દક્ષિણ મુંબઈના પલટન રોડ પરના સાડી અને કાપડના વેપારીઓને ઑગસ્ટના છેલ્લા અઠવાડિયાથી સુધરાઈના ડેપ્યુટી અસેસર ઍન્ડ કલેક્ટર (વિજિલન્સ) દ્વારા નોટિસ મોકલવામાં આવી રહી હતી એ સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ગઈ કાલે એ માટે ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન (એફઆરટીડબ્લ્યુએ)ના પ્રેસિડન્ટ વીરેન શાહ અને વાઇસ પ્રેસિડન્ટ દામજી સાવલા સહિતના વેપારીઓના એક પ્રતિનિધિમંડળે સુધરાઈના ઍડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) રાજીવ જલોટા અને ઉચ્ચ અધિકારીઓને મળીને રજૂઆત કરી હતી. એમાં આ બાબતે નિવેડો લાવવા સરકારી અધિકારીઓ અને વેપારીઓની એક કમિટી બનાવીને સૉલ્યુશન લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી સુધરાઈનો કોઈ ઑફિસર સાડી અને કાપડના વેપારીઓની દુકાને આ બાબતે તપાસ કરવા નહીં જાય. 

સુધરાઈ દ્વારા એપ્રિલ ૨૦૧૧થી ઑગસ્ટ ૨૦૧૨ સુધીના સમયગાળા દરમ્યાન વેપારીઓએ બહારગામથી ખરીદેલા માલ પર ઑક્ટ્રૉય ભરી છે કે નહીં એ જણાવવા અને એનો રેકૉર્ડ માત્ર સાત દિવસમાં આપવા જણાવવામાં આવ્યું હતું. એફઆરટીડબ્લ્યુએએ આ બાબતે  વિરોધ નોંધાવ્યો હતો. વીરેન શાહે આ બાબતે રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘એક વાર માલ ઑક્ટ્રૉય ભરીને ઑક્ટ્રૉય-નાકા પરથી મુંબઈની હદમાં પ્રવેશી જાય ત્યાર બાદ ઑક્ટ્રૉય સંબંધે વેપારીઓની કોઈ જવાબદારી રહેતી નથી અને માલ બીજા માલ સાથે ગોઠવાઈ જાય ત્યાર બાદ એને છૂટો પાડવો મુશ્કેલ હોય છે. બીજું, ઑક્ટ્રૉય-નાકા પર જ બધા માલનું ચેકિંગ કરવામાં આવે છે તો પછી એને દુકાનમાં ચેક કરવાની જરૂર શું? એ જવાબદારી તો ઑક્ટ્રૉય-નાકા પરના અધિકારીઓની છે.’

જોકે એ સામે રાજીવ જલોટાએ કહ્યું હતું કે દર કલાકે મુંબઈમાં ૨૦૦ જેટલી ટ્રક આવતી હોવાથી દરેક ટ્રકનો બધો જ માલ ચેક કરવો ચેકનાકાના સ્ટાફ માટે શક્ય નથી હોતું. ત્યારે વેપારીઓએ સામે દલીલ કરી હતી કે જો તેઓ એ ટ્રકને ચેક નથી કરી શકતા તો લાખો દુકાનોનાં લાખો બિલો કઈ રીતે ચેક કરશે? છેવટે રાજીવ જલોટા અને સુધરાઈના ઉચ્ચ અધિકારીઓ તથા વેપારીઓની એક કમિટી બનાવવામાં આવે અને એ આ સમસ્યાનો નિવેડો લાવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં જ એ કમિટીનું ગઠન કરવામાં આવશે. આ મીટિંગમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો વેપારીઓ ઑક્ટ્રૉય વસૂલવા સંબંધે યોગ્ય સૂચનો આપશે તો સુધરાઈ તેમના જૂના રેકૉર્ડ નહીં તપાસે.