65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને શૂટિંગમાં જવાની છૂટ અપાવાની શક્યતા

30 July, 2020 07:20 AM IST  |  Mumbai | Agencies

65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને શૂટિંગમાં જવાની છૂટ અપાવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

કોરોના રોગચાળાના લૉકડાઉનનાં નિયંત્રણોમાં ફિલ્મો, ટીવી-સિરિયલ્સ અને ઍડ્વર્ટાઇઝમેન્ટ્સના શૂટિંગમાં 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોનો સમાવેશ નહીં કરવાની જોગવાઈ કાયમી નહીં હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. મુંબઈ વડી અદાલતમાં ન્યાયમૂર્તિ એસ. જે. કાથાવાલા અને ન્યાયમૂર્તિ આર. આઇ. ચાગલાની બેન્ચ સમક્ષ 69 વર્ષના કલાકાર પ્રમોદ પાન્ડે તથા ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશન (IMPPA)ની અરજીઓની સુનાવણીમાં રાજ્ય સરકારનાં વકીલ પૂર્ણિમા કંથારિયાએ લૉકડાઉનનાં નિયંત્રણો સિનિયર સિટિઝન્સનાં હિતો જાળવવા માટે હોવાનું જણાવ્યું હતું.

પૂર્ણિમા કંથારિયાએ બેન્ચને જણાવ્યું હતું કે 1 ઑગસ્ટે બહાર પાડવામાં આવનારી લૉકડાઉન સંબંધી નવી માર્ગદર્શક સૂચનાઓમાં સિનિયર સિટિઝન કલાકારો સંબંધી જોગવાઈમાં સુધારો કરવાની શક્યતા છે. સુનાવણી દરમ્યાન બેન્ચે 65 વર્ષથી વધારે ઉંમરના ફિલ્મ અને ટીવી-કલાકારોને શૂટિંગમાં સામેલ નહીં કરવાની જાહેરાતનો ગવર્નમેન્ટ રેઝલ્યુશન (GR) પ્રતિબંધાત્મક છે કે ભલામણના રૂપમાં છે એની સ્પષ્ટતા માગી હતી. એના જવાબમાં પૂર્ણિમા કંથારિયાએ બેન્ચને જણાવ્યું હતું કે ‘સિનિયર સિટિઝન્સને કોરોનાનો ચેપ લાગવાની વધારે શક્યતાઓ ધ્યાનમાં રાખતાં 65 વર્ષથી વધારે ઉંમરના કલાકારોને સામેલ નહીં કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એ કાયમી જોગવાઈ નથી. રોગચાળાની સ્થિતિમાં થતા ફેરફારો અનુસાર લૉકડાઉનના નવા નિયમોમાં સિનિયર સિટિઝન કલાકારો સંબંધી જોગવાઈમાં સુધારાની શક્યતા છે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown