આવજો અરવિંદભાઈ

30 January, 2021 08:25 AM IST  |  Mumbai | Rashmin Shah

આવજો અરવિંદભાઈ

ગઇકાલે પિતા અરવિંદ જોષીની અંતિમક્રિયા વખતે સ્મશાનમાં હાજર રહેલા શર્મન જોષી અને માનષી જોષી રૉય. (તસવીરઃ અનુરાગ આહિરે)

ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર, ડિરેક્ટર અને રાઇટર અરવિંદ જોષીનું ગઈ કાલે સવારે ૮૪ વર્ષની વયે પાર્લાની નાણાવટી હૉસ્પિટલમાં નિદ્રાધીન અવસ્થામાં જ નિધન થયું હતું. અરવિંદભાઈ છેલ્લાં સાતેક વર્ષથી બીમાર હતા અને વ્હીલચૅર પર જ અવરજવર કરતા હતા. જોકે નાદુરસ્ત તબિયત વચ્ચે પણ તેમણે ગુજરાતી રંગભૂમિ સાથેનો નાતો પોતાનો અકબંધ રાખ્યો હતો અને લૉકડાઉન શરૂ થાય એ પહેલાં સુધી તે નિયિમ‌ત રીતે નાટકો જોવા માટે જતા.

અરવિંદ જોશી ઇન્ડિયન નૅશનલ થિયેટરના ડિરેક્ટર પ્રવીણ જોશીના નાના ભાઈ અને પદ્મશ્રી સરિતા જોશીના દિયર. તેઓ હિન્દી ફિલ્મોના જાણીતા વિલન પ્રેમ ચોપડાના વેવાઈ અને રોહિત રૉયના સસરા થાય. પ્રેમ ચોપડાની દીકરી પ્રેરણા સાથે શર્મને લવ મૅરેજ કર્યાં છે તો અરવિંદભાઈની દીકરી માનસીએ ફિલ્મ ઍક્ટર રોહિત રૉય સાથે મૅરેજ કર્યાં છે.

પચાસથી વધુ ગુજરાતી નાટકો અને વીસથી વધુ ગુજરાતી ફિલ્મો કરનારા અરવિંદભાઈને છેલ્લા થોડા સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જબરદસ્ત આશા બંધાઈ હતી. અરવિંદભાઈએ કહ્યું હતું, ‘ગુજરાતી ફિલ્મોનો હવે સુવર્ણ કાળ શરૂ થયો છે. વર્ષો પહેલાં ગામડાંઓના બૅકડ્રૉપમાં કે પછી ધાર્મિક બૅકડ્રૉપમાં જ ફિલ્મ બનતી, પણ હવે એવું નથી રહ્યું જે ખરેખર પ્રશંસનીય છે. ગુજરાતી ફિલ્મમેકિંગમાં યંગ લોકો વિશેષ રસ લઈ રહ્યા છે, જેને પણ હું ખૂબ જ હકારાત્મક પાસું માનું છું.’

અરવિંદભાઈના જ આગ્રહથી શર્મને પણ પોતાના હોમ પ્રોડક્શનમાં ગુજરાતી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કર્યું અને એનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું હતું. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામના કમાયા પછી દીકરો ગુજરાતી ‌ફિલ્મ બનાવશે એ વાત ખુદ અરવિંદભાઈ રાજી થઈને મિત્રોને કરતા. જોકે નસીબની બલિહારી ગણો કે પછી કિસ્મતની ક્રૂરતા, દીકરાની પહેલી ગુજરાતી ફિલ્મ બને એ પહેલાં જ અરવિંદભાઈએ જીવ છોડી દીધો.

ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે અરવિંદભાઈના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતી રંગભૂમિ અને હિન્દી િફ‌લ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા લોકો જોડાયા હતા.

mumbai mumbai news vile parle pawan hans sharman joshi Rashmin Shah