ગૌવંશ વધ પ્રતિબંધ બિલના અમલ માટે કાલે વિશાળ રૅલી

03 November, 2012 09:59 PM IST  | 

ગૌવંશ વધ પ્રતિબંધ બિલના અમલ માટે કાલે વિશાળ રૅલી



ગૌવંશની હત્યાને રોકવા તથા મહારાષ્ટ્રમાંથી માંસની થતી નિકાસને રોકવા માટે ગૌવંશ વધ પ્રતિબંધ બિલને અમલમાં લાવવાની માગણી અહિંસાપ્રેમીઓ કરી રહ્યા છે અને આ જ માગણીના સંદર્ભમાં આવતી કાલે રાષ્ટ્રીય ગૌવંશ રક્ષા સમિતિએ એક વિશાળ રૅલીનું આયોજન કર્યું છે. આ માગણી સાથે જ શુક્રવારથી રાષ્ટ્રીય ગૌવંશ રક્ષા સમિતિ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓના કાર્યકરો આઝાદ મેદાનમાં ઉપવાસ પર ઊતરી ગયા છે. આઝાદ મેદાન પર ઉપવાસ પર બેઠેલા રાષ્ટ્રીય ગૌવંશ રક્ષા સમિતિના સંસ્થાપક ભગવાન કોકરેએ

‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આંદોલનમાં અત્યાર સુધીમાં લગભગ ૩૦થી વધુ ગૌવંશ સમિતિએ અમને સહકાર આપ્યો છે. અમે ઉપવાસ પર બેઠા છીએ ત્યારથી સેંકડોની સંખ્યામાં લોકો અહીં આવીને અમારી ચળવળને બિરદાવી રહ્યા છે અને આવતી કાલની રૅલીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી ગયા છે. મહારાષ્ટ્રમાં રોજ કપાતા ૫૦,૦૦૦ ગૌવંશનો પ્રાણ બચાવવાનો અમારો ઉદ્દેશ છે. ૩૦ નવેમ્બર સુધીમાં અમે સંપૂર્ણ ગૌવંશ હત્યા બંધ કરાવીશું એ અમારી જીદ છે. આ માટે અમારે કંઈ પણ કરવું પડે તો અમે કરીશું.’

મહારૅલીના રૂટમાં ફેરફાર

રાષ્ટ્રીય ગૌવંશ રક્ષા સમિતિ દ્વારા સોમવારે યોજવામાં આવેલી શાંત-અહિંસક મહારૅલીના રૂટમાં એક મામૂલી ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ રૅલી ગિરગામ ચોપાટી પર આવેલી રેસ્ટોરાં ક્રીમ સેન્ટરથી શરૂ થઈને આઝાદ મેદાન પહોંચવાની હતી, પણ એને બદલે હવે એ ઑપેરા હાઉસમાં આવેલા પંચરત્ન બિલ્ડિંગ પાસેથી શરૂ થશે. રાષ્ટ્રીય ગૌવંશ રક્ષા સમિતિના નેજા હેઠળ સોમવારે યોજાઈ રહેલી રૅલીનું આયોજન કરવામાં મુખ્ય ભાગ ભજવનારા અખિલ ભારત કૃષિ ગૌસેવા સંઘના અધ્યક્ષ કેસરીચંદ મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગિરગામ ચોપાટી સાઇલન્સ ઝોનમાં આવતી હોવાથી હાઈ ર્કોટના આદેશ અનુસાર અમને અહીંથી રૅલી શરૂ કરવા માટે મંજૂરી મળી નથી એટલે મહારૅલીના રૂટમાં મામૂલી ફેરફાર કરવામાં આવ્યો છે. ગિરગામ ચોપાટીને બદલે હવે પંચરત્ન બિલ્ડિંગથી આ રૅલી બપોરે ૧૨.૩૯ વાગ્યે શરૂ થશે અને ત્રણ વાગ્યે આઝાદ મેદાન પહોંચશે, જ્યાં એ વિરાટ સભામાં ફેરવાઈ જશે. આ રૅલી પંચરત્ન બિલ્ડિંગથી શરૂ થઈને ચર્ની રોડ પહોંચશે. ત્યાંથી પોટુર્ગીઝ ચર્ચ, ગાયવાડી, ઠાકુરદ્વાર, ચીરાબજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, મેટ્રો થઈને સુધરાઈના મુખ્યાલય સામેથી આઝાદ મેદાન પહોંચશે. આ દરમ્યાન રસ્તામાં લોકો અમારી સાથે જોડાતા જશે. હીરાબજારના તમામ વેપારીઓ પંચરત્ન બિલ્ડિંગ પાસેથી જ અમારી સાથે જોડાશે તો બોલબેરિંગબજારના વેપારીઓ મરીન લાઇન્સથી અમારી સાથે જોડાશે.’

આ રૅલીનું આયોજન રાષ્ટ્રીય ગૌવંશ રક્ષા સમિતિની સાથે મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાયના કોકરેજી મહારાજ તેમ જ પ્રકાશ મહારાજ જવંજળની સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ રૅલીમાં મહત્વનો ભાગ ભજવનારા કોકરેજી મહારાજે વધુ ને વધુ અહિંસાપ્રેમીઓને આ રૅલીમાં જોડાવાની અપીલ કરતાં કહ્યું હતું કે ‘મરેલો માણસ ચાર માણસને સાથે લઈ આવે છે ત્યારે તમે તો જીવતા માણસ છો. તમે આ રૅલીમાં કેટલા માણસોને લઈ આવશો?’

રૅલીમાં કોણ જોડાશે?

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની સાથે જ મુંબઈનાં સમગ્ર યુવા મંડળો, જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ, મુંબઈ ડાયમન્ડ માર્કેટ, મલાડ ડાયમન્ડ માર્કેટ, દહિસર ડાયમન્ડ માર્કેટ, સ્ટીલ માર્કેટ, કાપડ માર્કેટ સહિત અનેક માર્કેટના વેપારીઓ આ રૅલીમાં જોડાવાના છે. હીરાબજાર સોમવારે ૧૨ વાગ્યા પછી બંધ રહેવાનું છે તો મેટલ માર્કેટ, સ્વદેશી કાપડ માર્કેટ, મંગલદાસ માર્કેટ, બૉલબેરિંગ બજારના વેપારીઓ પણ આ રૅલીમાં જોડાવાના છે.