25 February, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માણિકરાવ કોકાટે
મહારાષ્ટ્ર રાજ્યના કૃષિપ્રધાન માણિકરાવ કોકાટે અને તેમના ભાઈ સુનીલ કોકાટેને નાશિકની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગયા ગુરુવારે સરકારી ઘર મેળવવા માટે બોગસ ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવાના મામલામાં બે વર્ષની સજા ફટકારી હતી. ચૂંટાઈ આવેલા વ્યક્તિને કોર્ટ બે કે એનાથી વધુ વર્ષની સજા કરે ત્યારે લોકપ્રતિનિધિત્વના કાયદાની કલમ ૮(૩) મુજબ અયોગ્ય ઠેરવવામાં આવે છે. આ કાયદા મુજબ રાજ્યના કૃષિપ્રધાન માણિકરાવ કોકાટે સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે.
જોકે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે કોર્ટના ચુકાદાની કૉપી વિધાનસભાના સચિવાલયમાં પ્રાપ્ત થયા બાદ માણિકરાવ કોકાટેનું વિધાનસભ્ય રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગયા વર્ષે વિધાનસભ્ય સુનીલ કેદાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોવાથી કૉન્ગ્રેસે એવી જ રીતે માણિકરાવ કોકાટે સામે પગલાં લેવાની માગણી કરી છે.