સાળાની તરફેણ કરવા ગયેલા એસીપી જ પોલીસના સાણસામાં

11 December, 2012 07:33 AM IST  | 

સાળાની તરફેણ કરવા ગયેલા એસીપી જ પોલીસના સાણસામાં




માટુંગા ડિવિઝનના અસિસ્ટન્ટ  પોલીસ-કમિશનર રવીન્દ્ર ખંડાગળે તેના સાળાની તરફદારી કરીને મુલુંડના એક ભાડૂતને ધમકાવવા બદલ પોલીસની નજરમાં આવી ગયા છે. ગઈ કાલે મુલુંડ પોલીસે રવીન્દ્ર ખંડાગળેના સાળા દિલીપ તાંબેની મુલુંડમાં એક ફ્લૅટમાં રહેતા પરિવારને ધમકાવીને પૂરી દેવા બદલ ધરપકડ કરી છે અને આ ઘટનામાં તેઓ રવીન્દ્ર ખંડાગળેના રોલ વિશે તપાસ કરી રહ્યા છે.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે ગઈ કાલે સવારે ૯ વાગ્યે બનેલી આ ઘટનામાં દિલીપ મહિલા સહિત તેના ૭ સાથીદારો સાથે મુલુંડમાં આવેલા પારિજાત બિલ્ડિંગના સાતમા માળે ગયો હતો. ત્યાં રહેતા વિજય કક્કડના ઘરની બેલ મારી હતી. તેણે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે દિલીપ જબરદસ્તીથી ઘરમાં ઘૂસી ગયો હતો અને વિજય તથા તેની પત્ની ભાવનાને હડસેલીને અંદરની એક રૂમમાં પૂરી દીધાં હતાં તથા ઘરના માલસામાનને નુકસાન પહોંચાડ્યું હતું. ત્રણ કલાક પછી બાથરૂમ જવાના બહાને યેનકેનપ્રકારે વિજય બહાર આવ્યો હતો અને પછી નીચે જઈને સાળા મંગલ અંજારિયાને આ ઘટનાની જાણ કરતાં તેણે પોલીસને માહિતી આપી હતી. પોલીસ આ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં દિલીપના સાગરીતો ભાગી ગયા હતા, પણ પોલીસે ઘટનાસ્થળથી દિલીપની ધરપકડ કરી હતી.

રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા વિજયે ૨૦૦૮માં ૨૮.૫ લાખ રૂપિયામાં ગુજરાતી સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી પત્ની ભાવનાના નામે મુલુંડમાં ૪૨૦ ચોરસ ફૂટનો એ ફ્લૅટ ખરીદ્યો હતો. આ ડીલ માટે વિજયે ૧૦ લાખ રૂપિયા રોકડા અને એક લાખ રૂપિયા ચેકથી ચૂકવ્યા હતા. જોકે પછી સોસાયટીએ તેને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ ન આપતાં તેણે બાકીનું પેમેન્ટ અટકાવી દીધું હતું. આ ફ્લૅટના મૂળ માલિક દિલીપના આ બિલ્ડિંગમાં ચાર ફ્લૅટ છે, જે તમામ કથિત રીતે વિવાદિત છે. દિલીપે જે ફ્લૅટ વિજયને વેચ્યો હતો એ જ ફ્લૅટ બે મહિના પહેલાં કોઈક બીજી વ્યક્તિને ૬૦ લાખ રૂપિયામાં વેચી દીધો હતો. ત્યાર બાદ દિલીપ તેના બનેવી રવીન્દ્રને નામે ધમકી આપીને ફ્લૅટ ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે મુલુંડ પોલીસને સાધવાની કોશિશ કરી હતી, પણ એમાં તે નિષ્ફળ ગયો હતો. ૨૭ નવેમ્બરે દિલીપે વિજયને ધમકી આપી હતી કે તે કોઈ પણ હિસાબે ફ્લૅટ ખાલી કરાવીને જ રહેશે. આ મામલામાં રવીન્દ્રે પણ ફોન કરીને વિજયને ધમકાવ્યો હતો અને અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર તેનો ઓળખીતો હોવાનો રોબ બતાવીને ફ્લૅટ ખાલી કરવા માટે ધમકી આપી હતી. આ મામલામાં પછી દિલીપ વિરુદ્ધ વિજયે પોલીસ-સ્ટેશનમાં અદખલપાત્ર ગુનો નોંધાવ્યો હતો. દિલીપે પણ મુલુંડ પોલીસનો સંપર્ક કરીને કહ્યું હતું કે તે તાળું તોડવાનો છે અને તેને પોલીસ-પ્રોટેક્શન જોઈએ છે. જોકે પોલીસે આ મામલામાં મદદ કરવાની ના પાડી દીધી હતી.

આ વિશે વાત કરતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જે. જે. જાધવે કહ્યું હતું કે આ મામલામાં અમે દિલીપ તાંબે અને બીજી સાત વ્યક્તિની કાયદાની અલગ-અલગ કલમો અંતર્ગત ધરપકડ કરી છે.