ઢોબળે જેવી જ કાર્યવાહી કરતા ACP ફિરોઝ પટેલ કેમ અજાણ?

01 August, 2012 02:58 AM IST  | 

ઢોબળે જેવી જ કાર્યવાહી કરતા ACP ફિરોઝ પટેલ કેમ અજાણ?

ભૂપેન પટેલ

મુંબઈ, તા. ૧

અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) વસંત ઢોબળેથી તો સૌ કોઈ પરિચિત છે, પરંતુ તેમના જ સહકર્મચારી ફિરોઝ પટેલનું નામ કોઈએ ભાગ્યે જ સાંભળ્યું હશે. તેઓ પણ છૂપી રીતે વેશ્યાગૃહો પર રેઇડ પાડે છે, બાળમજૂરોને મુક્તિ અપાવે છે તેમ જ રસ્તે રઝળતાં બાળકોનું તેમના પરિવાર સાથે પુન: મિલન પણ કરાવે છે. ૧૯૮૧ની બૅચના ઑફિસર ફિરોઝ પટેલ માર્ચ ૨૦૧૧થી એન્ર્ફોસમેન્ટ વિભાગના એસીપી તરીકે કાર્યરત છે. પોતાના એક વર્ષના કાર્યકાળ દરમ્યાન તેમણે ૧૨ જેટલા લેડીઝ બાર તથા વેશ્યાગૃહોમાં રેઇડ પાડી છે. શહેરની નાઇટલાઇફ પર અંકુશ મૂકવાનું કામ કરવા ઉપરાંત તેમની ટીમે ઉત્તર પ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ તથા દેશના અન્ય ભાગમાંથી લાવવામાં આવેલાં બાળકોનું તેમના પરિવારજનો સાથે પુન: મિલન પણ કરાવી આપ્યું હતું. તેમની અધ્યક્ષતામાં ચાલતા કાઉન્સેલિંગ સેલે વર્ષ ૨૦૧૧માં ૪૩૬ લગ્નવિચ્છેદ થતાં રોક્યા હતા, જ્યારે આ વર્ષના જૂન સુધીમાં તેમના કાઉન્સેલિંગ સેલ દ્વારા ૨૨૬ યુગલોને સલાહ આપવામાં આવી છે.’

આટલો સારો ટ્રૅક રેકૉર્ડ હોવા છતાં તેઓ મિડિયાની ચમકથી દૂર રહ્યા છે. રેકૉર્ડ મુજબ આજદિન સુધી તેમણે પોતાના સહકર્મચારીઓ સાથે ૬૦ જેટલી વિવિધ કાર્યવાહીઓ હાથ ધરી છે, જ્યારે તેમના પ્રોફાઇલ વિશે પૂછવામાં આવતાં ફિરોઝ પટેલે કહ્યું કે ‘તે મારા ફરજના ભાગરૂપે હતું. લગ્નના વિવાદોનું સમાધાન તેમ જ બાળકોને તેમના પરિવારજનો સાથે પુન: ભેટો કરાવવાના કામને કારણે મને જૉબ-સૅટિસ્ફૅક્શન મળે છે. મારા ઉપરી અધિકારીઓના આદેશનું હું પાલન કરું છું તેમ જ માહિતી મળતાં જ રેઇડ પાડું છું’

સોમવારે રાત્રે સાયન કોલીવાડામાં આવેલા મદહોશ બારમાં તેમણે રેઇડ પાડી હતી ત્યારે પ્રથમ વાર તેમની ટીમે કરેલી કાર્યવાહી વિશે મિડિયાને જાણકારી મળી હતી. આ બારમાંથી ૧૨ યુવતીઓને છોડાવવામાં આવી હતી. પોતાના માથાભારે અભિગમને કારણે સમાચારમાં ચમકતા રહેતા વસંત ઢોબળેથી તદ્દન વિરુદ્ધ ફિરોઝ પટેલે તમામ કાર્યવાહી ખૂબ જ શાંતિપૂર્વક પાર પાડી હતી. બારમાં પ્રવેશી તેમની ટીમે પોલીસ હોવાની ઓળખાણ આપી હતી. કોઈ પણ જાતની તકરાર કે દલીલમાં પડ્યા વગર વધુ કાર્યવાહી માટે યુવતીઓને વૅનમાં બેસી જવા માટે કહેવામાં આવ્યું હતું.

છેલ્લા એક વર્ષમાં દેશભરના મિડિયામાં પોતાના માથાભારે અભિગમને કારણે વસંત ઢોબળે મિડિયામાં ચમક્યા હતા. હોટેલના કર્મચારીઓને હોકી સ્ટિક વડે મારતા વસંત ઢોબળેએ ભારે વિવાદોને જન્મ આપ્યો હતો. વધતા જતા વિવાદોને કારણે જ તાજેતરમાં પોલીસ-કમિશનરે લોકલ પોલીસ-સ્ટેશનોને બારમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ પર અંકુશ રાખવા માટેનો સક્યુર્લર પાઠવ્યો હતો.  

બન્નેની સરખામણી જુઓ

નામ : ફિરોઝ પટેલ

બૅચ : ૧૯૮૧

ઉંમર : ૫૪

પદભાર : એસીપી, એન્ર્ફોસમેન્ટ

અગાઉનો પદભાર : સિનિયર

પોલીસ-ઇન્સ્પેક્ટર, ક્રાઇમ બ્રાન્ચ યુનિટ નંબર-૧૧

વિવાદો : એક પણ નહીં

 

નામ : વસંત ઢોબળે

ઉંમર: ૫૬

પદભાર : એસીપી, સોશ્યલ સર્વિસ બ્રાન્ચ

અગાઉનો પદભાર : વિધાનસભા (સિક્યૉરિટી)    

વિવાદો

સસ્પેન્ડ (૧૯૮૯) : પુણેમાં લાંચ લેવા બદલ

સજા (૧૯૯૪) : કથિત ટૉર્ચરને કારણે અબ્દુલ ગફાર ખાનના કસ્ટડી દરમ્યાન થયેલા મોતને કારણે તેમને સાત વર્ષની કેદ તથા એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો (૧૯૯૬માં બૉમ્બે હાઈ ર્કોટે જેલની સજા રદબાતલ કરી હતી.)

ડિસમિસ (૧૯૯૪) : અબ્દુલ ગફાર ખાનના કસ્ટડીમાં થયેલા મોત માટે  (ફેરનિમણૂક ૧૯૯૬)

પેન્ડિંગ : ગફાર ખાનના કસ્ટડીમાં થયેલા મોત માટેની વિભાગીય તપાસ  (સુપ્રીમ ર્કોટના આદેશ પછી)

જવાબદાર :    માફિયા ડૉન દાઉદ ઇબ્રાહિમસંબધી ૧૨ જેટલાં ડોઝિયર ગુમ થવા બાબત.