GPSની મદદથી પોલીસે ફક્ત બે કલાકમાં મોબાઇલચોરને પકડ્યો

08 March, 2026 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઠાકુર્લી સ્ટેશન પાસે ટ્રેનમાંથી મોબાઇલ ચોરી કરતી ફટકા ગૅન્ગનો આરોપી પકડાયો: પોલીસે લોકોને ટ્રેનમાં પ્રવાસ દરમ્યાન મોબાઇલનું લોકેશન ચાલુ રાખવાની સલાહ આપી

પ્રતીકાત્મક તસવીર

ઠાકુર્લી રેલવે-સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં પ્રવાસીના હાથમાં લાકડીનો ફટકો મારીને આશરે ૭૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ સેરવી જનાર ૨૭ વર્ષના સુમિત સિંહની શુક્રવારે સાંજે ડોમ્બિવલીની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ધરપકડ કરી હતી. સુમિતે પોતાના ફોનમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ચાલુ રાખી હતી. ફોન ચોરી થયા બાદ પોલીસે GPSની મદદથી માત્ર બે કલાકમાં આરોપી સુધી પહોંચીને તેને તાબામાં લીધો હતો. આ પહેલાં પણ ચોરી થયેલા મોબાઇલ પાછા મેળવવામાં GPSએ સારી ભૂમિકા ભજવી હોવાથી GRPએ નાગરિકોને રેલવેમાં પ્રવાસ કરતી વખતે GPS ઑપ્શન ચાલુ રાખવાની વિનંતી કરી છે.

ડોમ્બિવલી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર બાબાસાહેબ થોરાતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઠાકુર્લી રેલવે-સ્ટેશન નજીક ટ્રેન ધીમી ગતિએ પસાર થઈ રહી હતી એ વખતે રેલવે-ટ્રૅક પાસે ઊભેલા ફટકા ગૅન્ગના એક સભ્યે દરવાજા પાસે ઊભેલા મુસાફરના હાથ પર લાકડીનો ફટકો મારીને તેનો મોબાઇલ નીચે પાડ્યો હતો અને એ લઈને ફરાર થઈ ગયો હતો. જોકે મોબાઇલમાં ચાલુ રહેલા GPSના આધારે અમારી ટીમે આરોપીને બે કલાકની અંદર પકડીને ૭૦,૦૦૦  રૂપિયાનો મોબાઇલ જપ્ત કર્યો હતો.’ 

GPS ટેક્નૉલૉજીથી મોબાઇલ-ચોરીના કેસમાં પોલીસને ઝડપથી મળે છે લીડ 

મોબાઇલમાં રહેલી GPS ટેક્નૉલૉજી પોલીસ માટે ચોરી થયેલા ફોન શોધવામાં ખૂબ મદદરૂપ બને છે. મોબાઇલમાં GPS ચાલુ હોય છે ત્યારે ફોન સતત મોબાઇલ નેટવર્ક ટાવર અને વાઇ-ફાઇ સિગ્નલથી કનેક્ટ થતો રહે છે. આ માહિતી ગૂગલમાં સેવ થતી હોય છે. ફોન ચોરી થયા બાદ માલિક પોતાના ગૂગલ અકાઉન્ટ અથવા Find My Device જેવી સર્વિસ દ્વારા મોબાઇલનું લાઇવ અથવા છેલ્લું લોકેશન જોઈ શકે છે. આ લોકેશનની માહિતી પોલીસને આપતાં તેઓ નકશામાં ચોક્કસ વિસ્તાર ઓળખી શકે છે અને એ વિસ્તારમાં તપાસ શરૂ કરે છે. કેટલીક વાર લોકેશનની ચોકસાઈ પાંચથી ૨૦ મીટર સુધી હોય છે જેને કારણે પોલીસને શંકાસ્પદ વ્યક્તિ સુધી પહોંચવું સરળ બને છે. આ ઉપરાંત મોબાઇલમાં ઇન્ટરનેટ ચાલુ હોય તો ફોનનું લાઇવ ટ્રૅકિંગ પણ શક્ય બને છે. તેથી પોલીસે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ પોતાના સ્માર્ટફોનમાં લોકેશન-સર્વિસ અને ટ્રૅકિંગ સુવિધા ચાલુ રાખે જેથી ચોરીની ઘટનામાં ફોન ઝડપથી શોધી શકાય.

mumbai news mumbai dombivli Crime News mumbai crime news mumbai police