૧૩ મિનિટનો લોહિયાળ ખેલ

02 August, 2021 08:21 AM IST  |  Mumbai | Diwakar Sharma

ટીવી પર ક્રાઇમ સિરિયલો અને હિંસક ક્રાઇમ વેબ-સિરીઝ જોવાનો શોખીન અનિલ દુબે એક મહિનાથી બૅન્ક લૂંટવાનો પ્લાન બનાવી રહ્યો હતો

વિરારની આઇસીઆઇસીઆઇ બૅન્કલૂંટ અને હત્યાનો આરોપી અનિલ દુબે

પોતાના ભૂતપૂર્વ કાર્યસ્થળે લૂંટ કરતાં પહેલાં સહકર્મીની હત્યા કરવા બદલ તથા અન્યને ગંભીર ઈજા પહોંચાડવા બદલ હાલમાં પોલીસ-કસ્ટડી ભોગવી રહેલા ઍક્સિસ બૅન્કના બરતરફ કરાયેલા મૅનેજર અનિલ દુબેએ તપાસકર્તા અધિકારીઓને જણાવ્યું હતું કે તે છેલ્લા એક મહિનાથી આ લૂંટ માટેની યોજના ઘડી રહ્યો હતો.

ગુરુવારે રાતે અપરાધ કર્યા બાદ તે ઘટનાસ્થળેથી ભાગી રહ્યો હતો ત્યારે લોકોએ તેને ઝડપી લીધો હતો. ત્યાર પછી તેનો મોબાઇલ ફોન ગુમ થઈ ગયો હતો. દુબે ટીવી પર ક્રાઇમ સિરિયલો અને ઓટીટી પ્લૅટફૉર્મ પર હિંસક ક્રાઇમ વેબસિરીઝ જોવાનો શોખીન હતો એમ તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું.

એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે તેનો મોબાઇલ ફોન શોધી રહ્યા છીએ. એ મળી જાય પછી આઇસીઆઇસીઆઇ બૅન્કમાં મહિલા બૅન્કરની હત્યા કરતાં પહેલાં દુબેએ ઇન્ટરનેટ પર કોઈ લેટેસ્ટ વિડિયો જોયો હતો કે કેમ એ જાણી શકાશે.’

ઉલ્લેખનીય છે કે દુબે નોકરી બદલવા અંગે મૅનેજર યોગિતા ચૌધરી સાથે ચર્ચા કરવાના બહાના હેઠળ ગુરુવારે સાંજે આઇસીઆઇસીઆઇ બૅન્કમાં પ્રવેશ્યો હતો. તે જાણતો હતો કે માત્ર બે મહિલા કર્મચારીઓ હાજર છે અને પ્રવેશદ્વાર પર કોઈ સિક્યૉરિટી ગાર્ડ નથી. તે બન્ને મહિલાઓની હત્યા કરવાના ઇરાદા સાથે બૅન્કમાં પ્રવેશ્યો હતો એમ તપાસકર્તા અધિકારી અને વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ વરદેએ જણાવ્યું હતું.

સીસીટીવી કૅમેરાનાં ફુટેજથી બચવા માટે તેણે ઢીલાં વસ્ત્રો, અત્યંત મોટો માસ્ક, ટાલને છુપાવવા કાળી પાઘડી અને લોહીના ડાઘ છુપાવવા કાળું ટી-શર્ટ પહેર્યું હતું એમ સુરેશ વરદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘તેણે ઘણા વ્યવસાયમાં અને શૅર-માર્કેટ વગેરેમાં નાણાં રોક્યાં હતાં અને ગુમાવ્યાં હતાં. વિવિધ વ્યવસાયોમાં અને શૅરમાર્કેટમાં નાણાં રોકવા દરમ્યાન દુબેએ વિચાર્યું હતું કે તેને સારો નફો મળશે, પણ સારા રિટર્નની આશાએ તે નાણાં ગુમાવતો ગયો. તે બૅન્ક લૂંટવા માટે સૉફ્ટ ટાર્ગેટ શોધી રહ્યો હતો. પોતાની બૅન્કમાં પકડાઈ જવાની બીકે તેણે અગાઉ જ્યાં કામ કર્યું હતું એ બૅન્કમાં લૂંટ કરવાની યોજના ઘડી અને મનવેલપાડાની આઇસીઆઇસીઆઇ બૅન્ક પર પસંદગી ઉતારી હતી.’

૧૩ મિનિટના લોહિયાળ ખેલ બાદ દુબે બૅકપૅકમાં સોનાનાં બિસ્કિટ અને કુલ ૩.૩૮ કરોડ રૂપિયા ભરેલી બે સ્ટીલની સ્કૂલબૅગ લઈને બૅન્કમાંથી બહાર નીકળ્યો હતો.

એક સાક્ષીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મેં બૅન્કનો કારનો દરવાજો ખોલીને લોહીથી ખરડાયેલી એક મહિલાને મદદ માટે બૂમો પાડતી-રડતી જોઈ. હું વળ્યો તો એક માણસને સ્ટીલની બૅગ સાથે બૅન્કની બાજુની ગલીમાં ભાગતો જોયો. હું તેની પાછળ દોડ્યો અને ગલીમાં ઊભેલા માણસોને તેને પકડી પાડવા ઇશારો કર્યો.’

દુબેને ઝડપનાર અન્ય એક સાક્ષીએ જણાવ્યું હતું કે ‘દુબે ગલીના છેડે પાર્ક કરેલી તેની કાર તરફ ભાગી રહ્યો હતો. અમે તેને પકડી લેતાં તે બોલ્યો કે મૈં બૅન્ક કા બડા સાહબ હું, મુઝે જાને દો. પછી અમે તેને બૅન્કમાં લઈ ગયા, જ્યાં લોહીના ખાબોચિયામાં પડેલી મહિલા માછલીની માફક તરફડતી હતી.’

બૅન્ક વિરાર રેલવે સ્ટેશનની સામે આવી હોવાથી ત્યાં સુધીમાં સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં એકઠા થયેલા ટોળાએ દુબેની મારઝૂડ કરી હતી અને આ દરમ્યાન દુબેનો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હતો.

mumbai mumbai news Crime News mumbai crime news virar diwakar sharma