ગુજરાતી ઠગભગત

07 January, 2021 08:19 AM IST  |  Mumbai | Mehul Jethva

ગુજરાતી ઠગભગત

સચિન શાહ

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક એવા ગુજરાતી ઠગની ધરપકડ કરી છે જે સ્ટેશનરી અને ડ્રાયફ્રૂટ્સના વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હતો. સચિન શાહ નામના આ ઠગભગતની કાર્યપ્રણાલિ ગજબની હતી. તે ગૂગલ પરથી આ વેપારીઓની માહિતી મેળવીને તેમને ત્યાં જઈને પોતે એક ટ્રસ્ટ ચલાવે છે અને આ ટ્રસ્ટ માટે તેમને પેન, બુક્સ અને ડ્રાયફ્રૂટ્સની જરૂર છે એવું કહીને સસ્તા ભાવે માલ લે છે. ત્યાર બાદ તે આ વેપારીઓને રોકડામાં પૈસા આપવાની ના પાડી દેતો હતો. એના માટે તે કારણ આપતો હતો કે મારું ટ્રસ્ટ હોવાથી અમે રોકડાનો વ્યવહાર નથી કરતા.

આને લીધે તેની વાતમાં આવીને વેપારીઓ ચેક લઈને તેને માલ આપતા હતા. જોકે તેના આ ચેક બાઉન્સ થઈ જતા હતા. નવાઈની વાત એ છે કે તેણે ફેક ટ્રસ્ટની સાથે બનાવટી ચેક પણ બનાવ્યા હતા. આ બધામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપી ચેક બાઉન્સ થવાનો હોય એના એક દિવસ પહેલાં પોતાના મોબાઇલમાં વૉટ્સઍપના ડીપી પર પોતાના પિતાજીને શ્રદ્ધાંજલિ આપતી ઇમેજ મૂકી દેતો હતો, જેથી કોઈ પણ વેપારી ચેક બાઉન્સ થયાનો ફોન કરે તો તે તેમને પપ્પા ગુજરી ગયા હોવાનું કહીને ૧૫-૨૦ દિવસનો સમય માગી લેતો હતો. આવી રીતે તેણે સોએક નાના વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે. તેની વિરુદ્ધ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશન ઉપરાંત કાંદિવલી, બોરીવલી, અંધેરી, બોઇસર સહિતનાં પોલીસ-સ્ટેશનમાં વેપારીઓએ લેખિત ફરિયાદ કરી છે. આરોપીના પિતાજીનું ૧૨ વર્ષ પહેલાં મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2માં આ કેસના ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસર અર્જુન જગદાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની સામે ઘણી ફરિયાદો છે. એલ. ટી. માર્ગ વિસ્તારના એક સ્ટેશનરીના વેપારીનો એક વર્ષ પહેલાં આરોપીએ સંપર્ક કર્યો હતો અને તેની પાસેથી ૪૩,૦૦૦ રૂપિયાની ૯૦૦ પેન ખરીદી હતી. તેણે વેપારીને કહ્યું હતું કે પાલઘરમાં મારું ટ્રસ્ટ ચાલે છે અને મારે ગરીબોને આ પેન આપવી છે. એક વખત પેનની ડિલિવરી લીધા બાદ તેણે આપેલો ચેક બાઉન્સ થતાં વેપારીને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. જોકે છેતરપિંડીની રકમ નાની હોવાથી બહુ ઓછા લોકોએ ફરિયાદ નોંધાવી છે. આ બધી વસ્તુ તે માર્કેટમાં વેચીને પૈસા બનાવતો હતો. મોબાઇલના લોકેશનને આધારે તેની મલાડથી ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તે પત્ની સાથે વિરારમાં રહેતો હતો. અમે તેની વધુ પૂછપરછ કરીને માહિતી મેળવી રહ્યા છીએ.’

mumbai mumbai news Crime News mumbai crime news malad mehul jethva