બપોરે કામ સિવાય બહાર નહીં નીકળતા

16 April, 2024 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ૩૯ ડિગ્રી સુધી પહોંચી શકે છે પારોઃ થાણેમાં ગઈ કાલે ૪૧ ડિગ્રી તાપમાન હતું: મહારાષ્ટ્રમાં સોમવારે સૌથી વધુ ૪૩.૨ ડિગ્રી તાપમાન મુરડમાં

આકરી ગરમીથી બચવા માહિમ બીચ પર દરિયામાં નાહવા પડેલા કેટલાક છોકરાઓને ગઈ કાલે પોલીસે લાઠી ફટકારીને તગેડ્યા હતા. (શાદાબ ખાન)

મોસમ વિભાગના જણાવ્યા અનુસાર ગઈ કાલની જેમ આજે પણ મુંબઈમાં હીટવેવની શક્યતા છે અને પારો ૩૯ ડિગ્રી સુધી પહોંચી શકે છે. મોસમ વિભાગના મુંબઈ વિભાગનાં ડિરેક્ટર ડૉ. સુષ્મા નાયરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ સમુદ્ર પરથી આવતો પવન ડીલે થઈ રહ્યો છે અને પૂર્વ તરફથી ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે પારો વધી રહ્યો છે. આજે સાંતાક્રુઝનું તાપમાન અંદાજે ૩૯ ડિગ્રી સુધી જઈ શકે છે. બે દિવસ પછી ફરી એક વાર પવનોની દિશા પલટાશે ત્યારે તાપમાનમાં ફરક જોવા મળશે.’

વેધશાળાએ સાંતાક્રુઝ વેધર સ્ટેશનના આધારે તાપમાન ૩૯ ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરી છે, પણ બોરીવલી અને મુલુંડ જેવા વેસ્ટર્ન અને ઈસ્ટર્ન સબર્બ્સમાં વેધર સ્ટેશન ન હોવાથી અહીંનું તાપમાન એકથી બે ડિગ્રી વધારે હોઈ શકે છે. દરમ્યાન થાણહીટ-સ્ટ્રોકેમાં ગઈ કાલે ઑલરેડી હીટવેવની અસર જોવા મળી હતી અને ગઈ કાલે પારો ૪૧ ડિગ્રી પહોંચી 
ગયો હતો.

કુર્લા-વેસ્ટમાં કરિયાણાની દુકાન ધરાવતા ધ બૉમ્બે ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ રમણીક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે રોજ નવી મુંબઈ ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટમાં જવું પડતું હોય છે. જોકે ગઈ કાલે બહુ જ વધારે ગરમી લાગી હતી. પહેલાં કુર્લાથી ટ્રેનમાં APMC ગયો હતો, પણ ત્યાં જતાં-જતાં જ ગરમીથી હાલત ખરાબ થઈ ગઈ. ત્યાંનુ કામ અડધું જ મૂકીને નીકળી ગયો. આમ તો મારો ટ્રેનનો ફર્સ્ટ ક્લાસનો પાસ છે, પણ ભયંકર ગરમીને લીધે ત્યાંથી મ​સ્જિદ બંદર જવા માટે ટ્રેનમાં ન જતાં મારે ઓલા કરવી પડી હતી.’

રોજ જ ટ્રેનમાં થાણેથી બાંદરા સર્વિસ પર આવતા મૂળરાજ પુરેચાએ કહ્યું હતું કે ‘ગઈ કાલે ગરમી બહુ જ હતી. ઊભા-ઊભા જ મુસાફરી કરવાની હોય એમાં ટ્રેનમાં ગરદી અને ગરમીને કારણે પરસેવાના રેલા ઊતરતા હોય છે. વળી ગરમીમાંથી સીધા ઑફિસમાં એસીમાં જઈએ એટલે પણ શરીર પર એની માઠી અસર પડતી હોય છે.’

ગરમીની વચ્ચે વરસાદ
ગઈ કાલે બપોર પછી મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર વરસાદ પડ્યો હતો. ભરગરમીમાં વરસાદ પડતાં વાતાવરણમાં થોડી વાર માટે ઠંડક પ્રસરી ગઈ હતી. વાહનચાલકોએ વરસાદને પગલે વાહનો ધીમાં અને સંભાળીને ચલાવવાનું શરૂ કરી દીધું હતું. પુણેમાં પણ વાતાવરણ વાદળિયું થઈ ગયું હતું. 

mumbai news mumbai Weather Update mumbai weather indian meteorological department mulund kurla santacruz