એક્સપ્રેસવે પર આડેધડ થતાં પાર્કિંગને કારણે થઈ રહ્યા છે અકસ્માત : અભ્યાસ

28 October, 2019 12:22 PM IST  |  મુંબઈ

એક્સપ્રેસવે પર આડેધડ થતાં પાર્કિંગને કારણે થઈ રહ્યા છે અકસ્માત : અભ્યાસ

આડેધડ પાર્કિંગના કારણે થાય છે અકસ્માત

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર વાહનોનાં આડેધડ રીતે પાર્કિંગ થતાં હોય છે. આડેધડ કરાતાં પાર્કિંગને કારણે ઘણી વાર પૂરપાટવેગે આવતાં વાહન પાર્ક કરાયેલાં વાહન સાથે અથડાતાં હોય છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આવા પ્રકારના અકસ્માતને કારણે ૧૦૬ જણનાં મૃત્યુ થયાં હોવાની માહિતી સેવ લાઈફ ફાઉન્ડેશને કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર હાલમાં પાર્કિંગ કરાયેલી ટ્રક અને પાછળથી આવતી બસની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ત્રણ જણનાં મોત થયાં હતાં. ત્યાર બાદ સેવ લાઈફ ફાઉન્ડેશને ૨૦૧૮ અને ૨૦૧૯માં કરેલા અભ્યાસમાં એવું જાણવા મ‍ળ્યું હતું કે એક્સપ્રેસવે પર પાર્ક કરવામાં આવતાં વાહનને કારણે થતા અકસ્માતમાં ૧૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ અકસ્માત પાછળનું મહત્ત્વનું કારણ હતું આડેધડ રીતે પાર્ક કરવામાં આવતાં વાહનો. આ ઉપરાંત ઓવરટેક કરવા માટે ઇમર્જન્સી લેનનો વપરાશ, વાહનોની વધારે પડતી સ્પીડ અને ડ્રાઈવરની ભૂલ પણ અકસ્માતને નોતરું આપતા હોય છે.
એમએસઆરડીસીના ઉપાધ્યક્ષ રાધેશામ મોપલવારે જણાવ્યું હતું કે વિવિધ ઉપક્રમો હાથ ધરીને રોડ-અકસ્માતમાં થતાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માર્ગમાં વાહનો ઊભાં કરવાને કારણે જે અકસ્માતો થઈ રહ્યા છે તેને ઘટાડવા માટે પ્રવાસીઓએ પણ સહકાર આપવો એટલો જ જરૂરી છે. નાગરિકોએ પૂરપાટવેગે વાહનોને હંકારવા નહીં તેમ જ વાહન ચલાવતાં પૂર્વે પૂરતો વિશ્રામ લઈ લેવો.

mumbai