ખાડા પુરવા સુધરાઈ ફરી ડામરના શરણે

03 August, 2022 11:35 AM IST  |  Mumbai | Sameer Surve

સુધરાઈના અધિકારીઓના મતે વરસતા વરસાદમાં પણ આ પદ્ધતિથી ખાડા પૂરી શકાય છે

સુધરાઈએ ૨૦૧૫માં ખાડા પૂરવા માટે રીઍક્ટિવ ડામરનો ઉપયોગ કર્યો હતો.

મુંબઈ : ખાડા પૂરવા માટે સુધરાઈએ જિયો-પૉલિમર અને ઝડપથી સખત થતા કૉન્ક્રીટ જેવી નવી પદ્ધતિ અપનાવ્યા બાદ જૂની ટેક્નૉલૉજી રીઍક્ટિવ ડામરને ફરીથી અપનાવવાનું નક્કી કર્યું છે, કારણ કે એનો ઉપયોગ વરસાદમાં પણ કરી શકાય છે. સુધરાઈએ ૨૦૧૫માં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. સુધરાઈએ રસ્તા પરના ખાડા રીઍક્ટિવ ડામર દ્વારા પૂરવા માટે બે કરોડ રૂપિયાના ખર્ચે ૧૫ મહિના માટે કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરવા ટેન્ડર બહાર પાડ્યાં છે. 
સુધરાઈના રોડ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ એન્જિનિયર શશાંક ભોરેએ કહ્યું હતું કે ‘અમે બિડ મગાવી છે. કૉન્ટ્રૅક્ટર ત્રણ વર્ષ સુધી ખાડાની દેખરેખ માટે જવાબદાર રહેશે. સુધરાઈએ ભૂતકાળમાં આ ટેક્નૉલૉજી અપનાવી હતી, પરંતુ એ ખર્ચાળ હોવાથી એનો ઉપયોગ બંધ કર્યો છે, પરંતુ ખાડા વિશે મળેલી અનેક ફરિયાદો બાદ ફરીથી આ ટેક્નિકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.’
સુધરાઈના એક અધિકારીએ કહ્યું કે ‘આ ડામર કોલ્ડ મિક્સ કરતાં ચારથી પાંચ ગણો મોંઘો છે. કોલ્ડ મિક્સનો ખર્ચ ૨૮ રૂપિયા કિલો છે અને રીઍક્ટિવ ડામર અંદાજે ૧૫૫ રૂપિયા કિલો છે. કોલ્ડ મિક્સનો ઉપયોગ માત્ર સૂકા સમય દરમ્યાન જ થઈ શકે, જ્યારે રીઍક્ટિવ ડામરનો ઉપયોગ ચાલુ વરસાદમાં પણ થઈ શકે છે.’ સિવિલ ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ કહ્યું કે ‘દર વર્ષે સુધરાઈ ખાડા ભરવા માટે નવા-નવા પ્રયોગ કરે છે, પરંતુ સારું કામ થતું નથી. સુધરાઈ દર વર્ષે નવા પ્રયોગ કરીને કરદાતાઓના પૈસા વેડફી રહી છે. મને આશા છે કે આ વખતે સુધરાઈને કાયમી ઉકેલ મળી જશે.’

mumbai news mumbai