આ કારમાં બેઠેલા લોકોની શું હાલત થઈ હશે એવા વિચારથી જ કમકમાં છૂટે છે

19 October, 2021 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા ગોઝારા અકસ્માતમાં ૬ વાહનો એકબીજાં સાથે અથડાયાં : મરઘા લઈ જતા ટેમ્પો અને પાછળ આવી રહેલા ટૅન્કર વચ્ચે કાર કચડાઈ ગઈ : ત્રણનાં મોત, પાંચ ઘાયલ

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં ચગદાઈ ગયેલી કાર

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલી એક્ઝિટ બોરઘાટ પાસે ગઈ કાલે પરોઢિયે ૫.૩૦ વાગ્યે જોરદાર અકસ્માત થયો હતો. એ અકસ્માતમાં ૬ વાહનો એકબીજાં સાથે અથડાયાં હતાં. આ અકસ્માતમાં ત્રણ જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે બીજા પાંચ લોકોને નાની-મોટી ઈજા થઈ હતી.

ખોપોલી પોલીસના જણાવ્યા અનુસાર ખોપોલી એક્ઝિટ પાસેના ઢોળાવ પર આઇશર ટેમ્પો (એમએચ૪૬-બીબી-૨૦૬૨)ના ડ્રાઇવર અકરમ ખાને પૂરઝડપે જઈ રહેલા ટેમ્પો પર કન્ટ્રોલ ન કરી શકતાં ટેમ્પો આગળ જઈ રહેલા શાકભાજીના ટેમ્પો સાથે અથડાયો હતો. એ શાકભાજીનો ટેમ્પો આગળ જઈ રહેલી કાર સાથે અથડાતાં એ કાર આગળ જઈ રહેલી વૈભવ ટ્રાવેલ્સની લક્ઝરી બસ સાથે અથડાઈ હતી. એ વખતે અન્ય એક કાર મરઘા લઈ જતા ટેમ્પો પાછળ આવી ગઈ હતી અને એને અચાનક બ્રેક મારવી પડી હોવાથી પાછળથી આવી રહેલા ટૅન્કરે એને ઠોકી દીધી હતી. એ કાર હૉન્ડા અમેઝ (એમએચ૦૨-એફઈ-૪૩૧૧)માં પ્રવાસ કરી રહેલા મુંબઈના રોનક ઘનશ્યામ મોરદાની અને ઇર્શાદ સિદ્દીકીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ ઉપરાંત આઇશર ટેમ્પો ચલાવી રહેલા ઍન્ટૉપ હિલના અકરમ ખાનનું પણ મોત થયું હતું, જ્યારે અન્ય ૬ જણને નાની-મોટી ઈજા થઈ હતી.

અકસ્માતમાં મૃત્યુ પામેલા રોનક ઘનશ્યામ મોરદાની (ઉપર) અને ઇર્શાદ સિદ્દીકી (નીચે)

આ અકસ્માતને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવેની મુંબઈ તરફની લાઇન પર વાહનોની કતાર લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ હાઇવે પોલીસ, આઇઆરબી કંપનીના કર્મચારીઓ, ડેલ્ટા ફોર્સના જવાનો અને દેવદૂત આપાતકાલીન પથકના સ્વયંસેવકો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. એ પછી ક્રેઇન બોલાવી અકસ્માતનાં વાહનોને બાજુ પર કરતાં બેથી અઢી કલાક લાગ્યા હતા. એ પછી ધીમે-ધીમે વાહનવ્યવહાર પૂર્વવત્ થયો હતો.

mumbai mumbai news pune pune news pune-mumbai expressway mumbai-pune expressway mumbai pune expressway