નવા જમાનામાં ઇન્ટરનેટ માટે મજબૂત કાયદાની જરૂર

21 November, 2022 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાએ શ્રદ્ધા વાલકરની હત્યા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે કરવામાં આવી હોવાનું કહ્યું

બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા

વસઈની શ્રદ્ધા વાલકરની હત્યા તેના પ્રેમી આફતાબ પૂનાવાલાએ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ક્રાઇમ સીન જોઈને કરી હોવાનું જણાઈ આવ્યું છે. ઇન્ટરનેટ પર ક્રાઇમની માહિતી સહજતાથી ઉપલબ્ધ હોવાથી ગુનેગારોમાં વધારો થયો છે એટલે ઇન્ટરનેટ સંબંધી મજબૂત કાયદા બનાવવાની જરૂર હોવાનું બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું છે.

પુણેમાં શનિવારે આયોજિત કાર્યક્રમમાં બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાએ દેશભરમાં સતત વધી રહેલા સાઇબરના ગુના સંબંધે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે શ્રદ્ધા વાલકરની હત્યાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘ઇન્ટરનેટ પર તમામ પ્રકારની માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ છે એનાં ગંભીર પરિણામો આવી રહ્યાં છે. શ્રદ્ધાની હત્યા આનું જ પરિણામ છે. ક્રાઇમને રોકવા માટે સખત કાયદાની જરૂર છે.’

ચીફ જસ્ટિસે આગળ કહ્યું હતું કે ‘નવા યુગમાં નવાં-નવાં ઉપકરણો શોધાઈ રહ્યાં છે. ૧૮૮૯માં આપણી પાસે મોબાઇલ નહોતા. બાદનાં બે-ત્રણ વર્ષમાં પેજર આવેલાં. એ સમયે આપણે મોટોરોલાનો મોટો મોબાઇલ વાપરતા હતા, જે અત્યારે ટચૂકડો બની ગયો છે. આજના જમાનાના આ ફોનમાં કલ્પના પણ ન કરી હોય એવી માહિતીઓ ઉપલબ્ધ છે. આ ફોન કોઈ પણ હૅક કરી શકે છે, જેથી આપણી પ્રાઇવસી પર આક્રમણ શક્ય છે. ઇન્ટરનેટ પર તમામ પ્રકારના ગુનાઓની માહિતી સરળતાથી મળે છે જેનું પરિણામ શ્રદ્ધા વાલકર અને આફતાબ વચ્ચે મુંબઈમાં પ્રેમ થયો હતો અને દિલ્હીમાં તેની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી એ છે. આવા ગુનાને રોકવા માટે સખતમાં સખત કાયદા બનાવવા પડશે.’

mumbai mumbai news bombay high court