એસી લોકલની કૂલ જર્ની હવે ફુલ

06 May, 2022 09:45 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

એસી લોકલની ટિકિટનાં ભાડાંમાં થયેલા ૫૦ ટકા ઘટાડાના પહેલા દિવસે પ્રવાસીઓમાં ઉત્સાહ દેખાયો : જોકે ફ્રીક્વન્સીમાં ક્યારે વધારો થાય છે એની રાહ જુએ છે પ્રવાસીઓ

વેસ્ટર્ન રેલવેની બપોરની એસી લોકલની જર્ની હવે ફુલ થયેલી જોવા મળે છે

ઉપનગરીય એસી લોકલ સર્વિસ પહેલી વાર મુંબઈમાં વેસ્ટર્ન રેલવેમાં ડિસેમ્બર ૨૦૧૭માં શરૂ કરવામાં આવી હતી. એસી લોકલ જાન્યુઆરી ૨૦૨૦થી સેન્ટ્રલ રેલવેમાં શરૂ થઈ હતી. મુંબઈમાં સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના રૂટ પર દરરોજ લગભગ ૮૦ એસી લોકલ ટ્રેન-સર્વિસ ચલાવવામાં આવે છે.

મુંબઈની લોકલ એસી ટ્રેનમાં મુસાફરી કરવા માટે પ્રવાસીઓએ ગઈ કાલથી ૫૦ ટકા ઓછા પૈસા ચૂકવવા પડી રહ્યા છે. પ્રવાસીઓને આ સુવિધા મળી હોવાથી તેમનામાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને એસી લોકલની કૂલ-કૂલ જર્નીની મજા તેમણે માણી હતી. હવે પ્રવાસીઓની માગણી છે કે ટિકિટનાં ભાડાં ઓછા કરવાની સાથે એસી લોકલની ફ્રીક્વન્સી વધારવામાં આવે. 
ગયા અઠવાડિયે કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન રાવસાહેબ દાનવેએ જાહેરાત કરી હતી કે મુંબઈમાં એસી લોકલ ટ્રેનોનાં ભાડાંમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે લાંબા સમયથી પેન્ડિંગ માગણીને પગલે એસી ટ્રેનો માટે પાંચ કિલોમીટરના અંતર માટે ૬૫ રૂપિયાનું વર્તમાન લઘુતમ ભાડું ઘટાડીને ૩૦ રૂપિયા કરવામાં આવશે. ગઈ કાલથી એની અમલબજાવણી કરવામાં આવી હતી.  

ગરમીમાં આરામદાયી સફર
ઇન્ડિયન રેલવેને ખરા દિલથી ધન્યવાદ કહેવા જોઈએ એમ જણાવીને ગઈ કાલે એસી લોકલની ટિકિટ લઈને ભાઈંદરથી ચર્ચગેટ મુસાફરી કરનાર ભરત કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એસી લોકલની ટિકિટ પહેલાં ૨૦૦ રૂપિયાથી વધુમાં મળતી હતી એ હવે સીધા ૧૦૦ રૂપિયામાં મળવા લાગી છે. પ્રાઇવેટ વાહન કરીને ચર્ચગેટ જઈએ તો ૮૦૦ રૂપિયા થાય છે અને બે કલાકનો સમય વેડફવો પડે છે. એથી મેં ગઈ કાલે બપોરના સમયે એસી લોકલ પકડી હોવાથી ખૂબ જ આરામદાયી સફર થઈ હતી. ઠંડા વાતાવરણમાં મરીન લાઇન્સ ક્યારે આવી ગયું ખબર જ ન પડી. આમ તો બપોરની આ ટ્રેનમાં ભીડ જોવા મળતી નથી, પરંતુ ગઈ કાલે ખાસ્સીએવી ભીડ એસી લોકલમાં જોવા મળી હતી.’

પહેલા જ દિવસે ભીડ
ભાડાં ઓછાં થયાં એના પહેલા જ દિવસે એસી લોકલમાં ભીડ જોવા મળી હતી એમ જણાવીને વેસ્ટર્ન રેલવેના પ્રવાસી અને ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય રવિ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરવા કરતાં પણ એસી લોકલમાં પ્રવાસ કરવાથી આરામદાયક પ્રવાસ થાય છે. ભાડાં ઓછાં થવાથી ગઈ કાલે મેં પણ ટિકિટ લઈને પ્રવાસ કર્યો હતો. જોકે સામાન્ય કરતાં ગઈ કાલે વધુ ભીડ જોવા મળી હતી. પ્રવાસીઓને બેસવા માટે જગ્યા નહોતી. મને છેક દાદરથી બેસવાની જગ્યા મળી હતી.’

રવિવારે પણ ચાલુ રાખો 
રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવેએ એસી લોકલ ટિકિટનાં ભાડાં ઓછાં કર્યાં એ સારી વાત છે અને પ્રવાસીઓ એનો લાભ લઈ રહ્યા છે. જોકે ડિમાન્ડને પહોંચી વળવા રેલવેએ હવે એની ફ્રીક્વન્સી પર ધ્યાન આપવું જોઈએ. એસી લોકલની સર્વિસમાં વધારો કરવો ખૂબ જરૂરી થઈ ગયો છે. વેસ્ટર્નમાં તો ખૂબ ઓછા પ્રમાણમાં એસી લોકલ ચાલી રહી છે, જ્યારે સેન્ટ્રલમાં પણ એસી લોકલ મર્યાદિત છે. એમાંય ખાસ કરીને પીક અવર્સમાં એસી લોકલના પ્રવાસીઓની ખરી પરીક્ષા થતી હોય છે.’

પહેલા દિવસે કેવો રિસ્પૉન્સ મળ્યો? (આ આંકડો ફક્ત ૧૪ કલાકનો જ છે)

સેન્ટ્રલ રેલવે એસી લોકલ – ૨૫૪૩ પ્રવાસીઓ
ફર્સ્ટ ક્લાસ  - ૨૮૮૦ પ્રવાસીઓ

વેર્સ્ટન રેલવે એસી લોકલ – ૨૬૮૧ પ્રવાસીઓ    
ફર્સ્ટ ક્લાસ – ૩૮૭૪ પ્રવાસીઓ

mumbai mumbai news mumbai local train preeti khuman-thakur