એસી લોકલ સસ્તી ને ફર્સ્ટ ક્લાસે સસ્તો

30 April, 2022 08:49 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

હા, પણ માત્ર ટિકિટ સસ્તી, પાસ નહીં : રેલવે પ્રધાન રાવસાહેબ દાનવેએ કરી જાહેરાત, પણ આ નિર્ણય ક્યારથી અમલી એની કોઈ સ્પષ્ટતા નથી કરી

ભાયખલા સ્ટેશને ગઈ કાલે રાવસાહેબ દાનવે, દેવેન્દ્ર ફડણવીસ. પ્રદીપ ધિવાર

રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન રાવસાહેબ દાનવેએ ગઈ કાલે એસી લોકલ ટ્રેનની સિંગલ જર્નીની ટિકિટનાં ભાડાંમાં ૫૦ ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. જોકે આ ફેરફાર માસિક પાસના દરોને લાગુ પડતો નથી. આ જાહેરાત પછી રેલવેએ તરત જ કહ્યું હતું કે હવે ફર્સ્ટ ક્લાસનાં ભાડાં પણ ઘટાડવામાં આવશે જે એસી લોકલ કરતાં ઓછાં હશે.
નવા દર અમલમાં મુકાયા બાદ ફર્સ્ટ ક્લાસના મુસાફરો એસી લોકલમાં પ્રવાસ કરી શકશે, પરંતુ એસી લોકલના પ્રવાસીઓ ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ નહીં કરી શકે. રેગ્યુલર ફર્સ્ટ ક્લાસની ટિકિટના ભાવ ઊંચા હોવાથી એસી લોકલ ટ્રેનની સિંગલ ટિકિટ ધરાવતા મુસાફરો તેમની ટિકિટ સાથે ફર્સ્ટ ક્લાસની મુસાફરી કરી શકશે નહીં એમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 
વાસ્તવમાં એસી લોકલના દરમાં ઘટાડો ક્યારથી અમલી બનશે એવા પ્રશ્નના ઉત્તરમાં રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે તેમણે માત્ર જાહેરાત કરી છે. હવે આ પ્રસ્તાવની ઔપચારિક રજૂઆત માટે તેઓ દિલ્હી જશે, જ્યાં એના પર ચર્ચા કરાશે અને ત્યાર બાદ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ભાયખલા સ્ટેશન બિલ્ડિંગની પુન: સ્થાપનાના પ્રસંગે યોજાયેલા પ્રસંગે બોલતાં તેમણે ઉપરોક્ત માહિતી આપી હતી. રેગ્યુલર ફર્સ્ટ ક્લાસની ટિકિટના દર ૫૦ રૂપિયા છે, જ્યારે એસી લોકલની સિંગલ જર્નીનું નવું ઘટાડેલું ભાડું ૩૦ રૂપિયા થશે. 
આ બાબતે વધુ સ્પષ્ટતા માટે ઔપચારિક નોટિફિકેશનની રાહ જોવી રહી એમ જણાવતાં રેલવેના વરિષ્ઠ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે આ નોટિફિકેશનમાં તમામ મૂંઝવણો પરની સ્પષ્ટતા મળી રહેશે. 
એસી ટ્રેનોની વધારાની સર્વિસ વિશે પૂછવામાં આવતાં રાવસાહેબ દાનવેએ જણાવ્યું હતું કે મધ્ય રેલવે પર હાલની સર્વિસમાં વધુ સર્વિસ ઉમેરવાનું વિચારતાં પહેલાં પૂરતા પ્રતિસાદની જરૂર છે. મહારાષ્ટ્ર સરકારે રેલવે પ્રોજેક્ટ્સને ફન્ડિંગ આપવાનું બંધ કર્યું હોવાની વાતનું પણ તેમણે સમર્થન કર્યું હતું. 
બીજેપીના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘રાજ્યને પોતાની ભૂલનો અહેસાસ થયો છે અને એણે ભંડોળ પુનઃ સ્થાપિત કરવાનું શરૂ કર્યું છે. જોકે નુકસાન પહેલેથી જ થઈ ગયું છે અને તમામ પ્રોજેક્ટ્સ માટે થોડાં વર્ષોનો બૅકલૉગ બનાવ્યો છે.’ 

રિસ્પૉન્સના આધારે સર્વિસ વધશે
અત્યારે સેન્ટ્રલ રેલવેમાં એસી લોકલની ૬૦ સર્વિસ દોડે છે, જ્યારે વેસ્ટર્નમાં ૨૦ સર્વિસ દોડે છે. એમ એસી લોકલની કુલ ૮૦ સર્વિસ દોડે છે. એસીની લોકલ ટિકિટના ભાવમાં ઘટાડાની જાહેરાત બાદ પ્રવાસીઓનો પ્રતિસાદ મળશે તો મુંબઈમાં એસી લોકલ ટ્રેનોની સર્વિસમાં વધારો થવાની શક્યતા છે. 

પ્રવાસીઓનું શું કહેવું છે?
ટ્રેનોમાં ગિરદી ઓછી થશે 
વસઈથી ચર્ચગેટ ઑફિસે જતા ભરત શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવે ટ્રાન્સપોર્ટનું એક એવું માધ્યમ છે જે સૌકોઈને પરવડે એમ છે. એવામાં હવે એસી લોકલ ટ્રેનનાં ભાડાંમાં ઘટાડો થતાં પ્રવાસીઓને વધુ રાહત મળી છે. એસી લોકલની ટિકિટના ભાવ ઓછા થશે તો લોકો એમાં વધુ પ્રવાસ કરવા લાગશે અને નૉન-એસી લોકલમાં પણ પ્રવાસીઓની ભીડ ઓછી થશે. ગિરદી ડિવાઇડ થઈ જશે તો પ્રવાસીઓને બેસવાની સુવિધા મળશે. એસી લોકલમાં પ્રવાસ કરવાથી એકદમ ફ્રેશ થઈને પ્રવાસી ટ્રેનની બહાર નીકળે છે.’

એસીની ફ્રીક્વન્સી વધારવાની જરૂર 
મુલુંડમાં રહેતા અને મજિસ્દ બંદર જતા એસી લોકલના પ્રવાસી રુષભ કેનિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એસી લોકલની ટિકિટના ભાવ ઓછા થતાં સામાન્ય લોકો એમાં ચોક્કસ પ્રવાસ કરશે. જોકે એની સામે ટ્રેનની ફ્રીક્વન્સી ખૂબ ઓછી છે એટલે એ વધારવાની જરૂર છે. સેન્ટ્રલ લાઇનમાં સવારે મુલુંડ-ડોમ્બિવલીથી સીએસએમટી જવા માટે સવારના સમયે ફક્ત ચાર જ એસી લોકલ છે અને એની સામે પ્રવાસીઓ ચારગણા છે. જો ટ્રેન વધારવામાં નહીં આવી તો ટિકિટના ભાવઘટાડાનો લાભ લોકો લઈ શકશે નહીં.’

 ભાયખલા સ્ટેશનની પુન: સ્થાપનાનું કાર્ય પૂરું થયું
શહેરનાં પાંચ લિસ્ટેડ હેરિટેજ સ્ટેશનમાંથી એક ૧૨૫ વર્ષ જૂના ભાયખલા રેલવે સ્ટેશનની પુનઃ સ્થાપનાનું કામ હવે પૂરું થયું છે. આ પ્રોજેક્ટની શરૂઆત આઇ લવ મુંબઈ ફાઉન્ડેશન દ્વારા બજાજ ટ્રસ્ટ જૂથો અને આભા નારિયન લામ્બા અસોસિએટ્સ દ્વારા તેમની સીએસઆર પહેલના ભાગરૂપે મધ્ય રેલવેના માર્ગદર્શન અને સહકારથી કરવામાં આવી હતી.
સમગ્ર આયોજન અને અમલીકરણનું કાર્ય પૂરું થઈ ગયું છે અને હવે ભાયખલા રેલવે સ્ટેશનને એના મૂળ, પ્રાચીન, હેરિટેજ આર્કિટેક્ચરમાં શ્રેષ્ઠતા સાથે પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ૧૮ મહિનામાં પૂરો કરવાનો હતો, પરંતુ રોગચાળાને કારણે એને ત્રણ વર્ષ લાગ્યાં હતાં. 

નવાં ભાડાંનો ચાર્ટ 
સિંગલ જર્ની રેગ્યુલર ફર્સ્ટ ક્લાસ
મુંબઈ સીએસએમટી - થાણે : ૧૪૦ રૂપિયા
મુંબઈ સીએસએમટી - કલ્યાણ : ૧૬૫ રૂપિયા
મુંબઈ સીએસએમટી - પનવેલ : ૧૬૫ રૂપિયા
ચર્ચગેટ - બોરીવલી : ૧૪૦ રૂપિયા 
ચર્ચગેટ - વિરાર : ૧૭૦ રૂપિયા 
 
સિંગલ જર્ની એસી લોકલ (નવી જાહેરાત મુજબ)
મુંબઈ સીએસએમટી - થાણે : ૯૦ રૂપિયા
મુંબઈ સીએસએમટી - કલ્યાણ : ૧૦૫ રૂપિયા
મુંબઈ સીએસએમટી - પનવેલ : ૧૦૫ રૂપિયા
ચર્ચગેટ - બોરીવલી : ૯૦ રૂપિયા 
ચર્ચગેટ - વિરાર : ૧૧૦ રૂપિયા 

mumbai news Mumbai rajendra aklekar preeti khuman-thakur