મુંબઈના રાજકીય નેતાનો ભત્રીજો ડ્રગ-રૅકેટમાં પકડાયો

08 June, 2017 04:23 AM IST  | 

મુંબઈના રાજકીય નેતાનો ભત્રીજો ડ્રગ-રૅકેટમાં પકડાયો



મુંબઈમાં આવીને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે મંગળવાર રાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટોળકીના રૅકેટના સૂત્રધારને ફાઇવસ્ટાર હોટેલમાંથી ઝડપી લીધો હતો. પોલીસે હોટેલમાં રેઇડ કરી એ સમયે આ આરોપી એક મહિલા સાથે હતો. આરોપી મુંબઈના એક રાજકીય નેતાનો ભત્રીજો હોવાનું બહાર આવ્યું છે.

દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આ ટોળકીના ચાર જણને ઝડપી લીધા હતા. ઝડપાયેલા ડ્રગની આંતરરાષ્ટ્રિય માર્કેટમાં કિમત ૪૦ કરોડ રૂપિયા છે. આ કેસમાં હજી વધુ ડ્રગ પેડલરો પકડાવાની શક્યતા છે.

તાજેતરમાં પોલીસને ટિપ મળી હતી કે અમિત અગ્રવાલ નામનો એક માણસ હરિયાણાના તેના સાગરીતો સાથે પ્રીમિયમ ડ્રગ એફેડ્રિન કે જે આઇસ તરીકે પણ ઓળખાતું ડ્રગ દેશનાં વિવિધ શહેરો દિલ્હી, મુંબઈ, ચંડીગઢ અને અન્ય સ્થળોએ મોકલવાની તૈયારીમાં છે. આ માહિતીને પગલે દિલ્હી પોલીસે એક ટીમની રચના કરી હતી.

ચાર જૂને સ્પેશ્યલ સેલને ચોક્કસ માહિતી મળી હતી કે અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં ડ્રગનું એક મોટું કન્સાઇનમેન્ટ મુંબ્ઈથી દિલ્હી રવાના કરવામાં આવ્યું છે. પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને આરોપીઓને ઝડપવા માટે વૉચ ગોઠવી હતી. વહેલી સવારે ૫.૫૦ વાગ્યે એક  યુવાન બ્લૅક અને રેડ કલરની બૅગ સાથે દિલ્હી-જયપુર હાઇવે તરફથી આવી રહ્યો હતો અને જયારે તે ટ્રાન્સપોર્ટ કેપનીની અંદર ગયો કે તરત જ પોલીસે આ ઑફિસ પર રેઇડ કરી હતી.

તેની પૂછપરછમાં તે મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલીનો અને દિલ્હીમાં રહેતો અવધેશકુમાર યાદવ હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસેથી પાંચ કિલો ડ્રગનું કન્સાઇમેન્ટ મળી આવ્યું હતું.

તેની પૂછપરછ બાદ અન્ય બે આરોપીની ઘરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીની પૂછપરછ કરીને ડ્રગ્સના બિઝનેસ સાથે સંકળાયેલો મુખ્ય સૂત્રધાર મુંબઈની એક રાજકીય પાર્ટીના નેતાનો ભત્રીજો હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે મંગળવારે મુંબઈની એક હોટેલમાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી.