બીએમસીના વૉર્ડનું સીમાંકન રદ કરો

03 August, 2022 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પક્ષને જ ફાયદો થાય એવી રીતે કરવામાં આવેલું સીમાંકન ગેરકાયદે હોવાનો દાવો કરીને કૉન્ગ્રેસના નેતા મિલિંદ દેવરાએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને માગણી કરી

બીએમસી ઓફિસ


મુંબઈ ઃ કૉન્ગ્રેસના પ્રતિનિધિમંડળે ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી અને મુંબઈ બીએમસીના વૉર્ડનું કરવામાં આવેલું સીમાંકન રદ કરવાની માગણી કરી હતી. એક જ પક્ષને ફાયદો થાય એવી રીતે સીમાંકન અને વૉર્ડમાં વધારો કરવામાં આવ્યો હોવાથી એ ગેરકાયદે છે એટલે એ રદ કરવામાં આવે એમ તેમણે કહ્યું હતું.
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાની આગેવાનીનું પ્રતિન‌િધિમંડળ ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યું હતું. મિલિંદ દેવરાએ કહ્યું હતું કે મુંબઈ બીએમસીનું તાજેતરમાં કરવામાં આવેલું સીમાંકન અને જે રીતે વૉર્ડ વધારવામાં આવ્યા છે એ અનૈતિક અને ગેરબંધારણીય છે. શિવસેનાનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે એક જ પક્ષને ફાયદો થાય એવી રીતે સીમાંકન કરવામાં આવ્યું છે એટલે એ રદ કરવામાં આવે.
મુંબઈ બીએમસીના અત્યારના ૨૨૭ વૉર્ડમાં ૯નો વધારો કરીને ૨૩૬ વૉર્ડ કરવામાં આવ્યા છે. નવેસરથી રચના કરવામાં આવેલા વૉર્ડ અને સીમાંકનમાં સૌથી મોટું નુકસાન કૉન્ગ્રેસને થયું હોવાની ફરિયાદ પહેલેથી જ કરવામાં આવી છે. હવે ઓબીસી આરક્ષણ મામલાનો નિકાલ પણ આવી ગયો છે એટલે આગામી અઠવાડિયે મુંબઈ બીએમસી વૉર્ડની લૉટરી જાહેર થશે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કર્યા બાદ મિલિંદ દેવરાએ પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘મુંબઈ બીએમસીની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય એ માટે અમે દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ માગણી કરી છે કે મુંબઈ બીએમસીના વૉર્ડની રચના સીમાંકન રદ કરવામાં આવે.’
કૉન્ગ્રેસના પ્રતિનિધિમંડળમાં મિલિંદ દેવરાની સાથે વિધાનસભ્યો અમીન પટેલ, ઝિશાન અહમદ સિદ્દીકી 
અને મુંબઈ બીએમસીના વિરોધ પક્ષના નેતા રવિ રાજા સહિત કેટલાક નગરસેવકો હતા.

mumbai news mumbai brihanmumbai municipal corporation