હમ મેં ભી દમ હૈ

25 December, 2011 04:39 AM IST  | 

હમ મેં ભી દમ હૈ



સારી રીતે ચાલી પણ ન શકતાં, કોઈ વાતને જલદી સમજી ન શકતાં, સાંભળી ન શકતાં કે જોઈ ન શકતાં હોય એવાં બાળકો રનિંગ-રેસમાં દોડે; લૉન્ગ જમ્પ, પાસિંગ ધ રિંગ, પગ વચ્ચે દડો ભરાવી દોડવાની રેસ જેવી ઍથ્લેટિક ગેમ્સ રમે ત્યારે તેમના આ પ્રયાસો તો પ્રશંસાને પાત્ર છે જ; પણ એના કરતાંય વધુ બિરદાવવાનું મન તેમને અહીં સુધી લઈ આવનારા માટે થાય. નરસી મોનજી એજ્યુકેશન ટ્રસ્ટની વિલે પાર્લે (વેસ્ટ)માં આવેલી જમનાબાઈ નરસી સ્કૂલે સામે આવેલા ગ્રાઉન્ડમાં સ્પેશ્યલ (માનસિક અને શારીરિક રીતે અક્ષમ) બાળકો માટે ઍથ્લેટિક્સ સ્ર્પોટ્સ મીટ એટલે કે ઍથ્લેટિક રમતોનો મેળાવડો રાખ્યો હતો. ૨૩ ડિસેમ્બરે સવારે ૮ વાગ્યે આ રમતોત્સવ શરૂ થયો હતો. દાદરથી લઈને દહિસર સુધીની સ્કૂલોનાં ૫૧૦ સ્પેશ્યલ ચિલ્ડ્રન્સે એમાં ભાગ લીધો. પાર્ટિસિપન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે અભિષેક બચ્ચને એમાં હાજરી આપી હતી. કુલ ૨૮ ઇવેન્ટ્સ યોજાઈ જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મળીને બાળકોને ૮૪ મેડલ આપવામાં આવ્યા.

જમનાબાઈ નરસી સ્કૂલ છેલ્લાં ૧૦ વર્ષથી સ્પેશ્યલ બાળકો માટે રમતો યોજે છે. શરૂઆતમાં ૩૦૦ બાળકો ભાગ લેતાં હતાં, પણ આ વખતે ૫૧૦ બાળકો હતાં. સ્કૂલે ત્રણ મહિના પહેલાં સ્પેશ્યલ બાળકોની મુંબઈની સ્કૂલોને રમતોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યાં હતાં. રમતના દિવસે બાળકોને તેમની સ્કૂલમાંથી રમતના ગ્રાઉન્ડ પર લાવવાની અને રમતો પતે પછી તેમને સ્કૂલમાં મૂકવા માટે દરેક સ્કૂૂલે અલગ બસની વ્યવસ્થા કરી હતી એટલું જ નહીં; રમતમાં ભાગ લેનારાં બાળકો અને એ સ્કૂલના શિક્ષકો માટે સવારનો નાસ્તો, ચા અને લંચની વ્યવસ્થા નરસી મોનજી સ્કૂલ તરફથી કરવામાં આવી હતી. જોકે દર વરસે તેઓ આ વ્યવસ્થા કરે છે. રમતોત્સવમાં ભાગ લેનારા દરેક બાળકને તે ઉપયોગમાં લઈ શકે એવી ચીજની ગિફ્ટ આપવામાં આવે છે એની વાત કરતાં સુદેશણા ચૅટરજી કહે છે, ‘દર વર્ષે ક્રિસમસ નજીક હોય એવા સમયે આ સ્પોટ્ર્‍સ મીટ યોજાય છે એટલે અમે બાળકોને ક્રિસમસ ગિફ્ટ આપીએ છીએ. આ વરસે સ્ટીલનું લંચ-બૉક્સ છે, ગયા વરસે જમવા માટેની ડિશ અને ગ્લાસ હતાં.’