કૉક્રૉચ જનતા પાર્ટીના અભિજિત દીપકેએ સ્કૂલ ઠીક કરો ઝુંબેશ શરૂ કરી

16 August, 2026 07:16 AM IST  |  Pimpri | Gujarati Mid-day Correspondent

પ્રાઇવેટ સ્કૂલોમાં ફીમર્યાદા નક્કી કરવાની માગણી કરી

ગઈ કાલે પોતાના ગામ સંતુક પિંપરીની સ્કૂલની હાલત બતાવી રહેલો અભિજિત દીપકે.

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના કન્વીનર અભિજિત દીપકેએ શનિવારે હિંગોલી જિલ્લાના તેના વતન સંતુક પિંપરીથી ‘સ્કૂલ ઠીક કરો’ ઝુંબેશ શરૂ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે સરકારની ઉપેક્ષાને કારણે ગરીબ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. તેણે એ સાથે જ ખાનગી સ્કૂલોની ફીમર્યાદા નક્કી કરવાની માગણી કરી હતી. CJP જાહેર હૉસ્પિટલોમાં ખરાબ આરોગ્ય-સ્થિતિ વિશે પણ આવી જ ચળવળ હાથ ધરશે એમ પણ તેણે જણાવ્યું હતું. અભિજિત દીપકેએ તેના ગામ સંતુક પિંપરીમાં સ્વતંત્રતાદિવસ નિમિત્તે ધ્વજવંદન સમારોહમાં હાજરી આપી હતી.
અભિજિત દીપકેએ જિલ્લા-પરિષદની સ્કૂલોની મુલાકાત લીધી હતી. ત્યાં મૂળભૂત સુવિધાઓની તપાસ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે શૌચાલયોમાં પાણીનો અભાવ છે. તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘જો ભારત સ્વતંત્ર થયાનાં ૮૦ વર્ષ પછી પણ સરકારી સ્કૂલોમાં પાણી જેવી મૂળભૂત બાબતોનો અભાવ છે તો દેશનો વિકાસ કેવી રીતે થશે? જો સ્કૂલોમાં પાણી ઉપલબ્ધ ન હોય તો શું વિદ્યાર્થીઓ શૌચાલયનો ઉપયોગ કરવા તેમના ઘરે જશે?’
અભિજિત દીપકેના આગમન પહેલાં જ શૌચાલય સાફ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘સ્કૂલની બારીઓ તૂટેલી છે અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનાં બૅનરોથી ઢંકાયેલી છે. આ આપણા દેશની વ્યવસ્થા પર વ્યંગ છે. સ્કૂલમાં બેન્ચ નથી. ફક્ત ૪ બેન્ચ છે, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. જો પ્રાઇવેટ સ્કૂલોમાં બેન્ચ હોય છે તો સરકારી સ્કૂલોમાં કેમ નહીં?’
અમારી પાસે એક ફૉર્મ છે જેમાં ચેકલિસ્ટ છે. એમાં સ્કૂલમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં એનો ઉલ્લેખ કરી શકાય છે એમ જણાવીને અભિજિત દીપકેએ વધુમાં કહ્યું હતું કે ‘અમે મહારાષ્ટ્રમાં અને દેશભરમાં આવેલી સ્કૂલોમાંથી ડેટા એકઠો કરીશું. પછી અમે ડેટા સંકલિત કરીશું. ‘સ્કૂલ ઠીક કરો’ ઝુંબેશના આગામી તબક્કામાં વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં એ તપાસવા માટે મહારાષ્ટ્રના અન્ય તાલુકાઓમાં સરકારી સ્કૂલોની મુલાકાત લઈશું.’ 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra abhijit dipake cockroach janata party