કિ.મી. ૧, ખાડા ૭૪

27 September, 2022 09:28 AM IST  |  Mumbai | Sameer Surve

મુંબઈનો કદાચ સૌથી ખરાબ રસ્તાે ગણાતા આરે કૉલોનીના ૪.૭ કિલોમીટરના રોડ પર ૩૪૯ ખાડા

આરેનાે રસ્તાે ક્યાં છે? : નાગરિકોનો સવાલ (તસવીર : અતુલ કાંબળે)

ઝડપથી નક્કર થઈ જતી કૉન્ક્રીટ સાથે આ ચોમાસામાં શહેરના અનેક ખાડા પૂર્યા હોવાનો બીએમસીનો દાવો ફરી એક વાર પોકળ સાબિત થયો છે. ‘મિડ-ડે’એ ખાડાની ગણતરી કરતાં જાણ થઈ હતી કે આરે કૉલોનીના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બ્સને જોડતા માર્ગ પર લગભગ દર કિલોમીટર પર સરેરાશ ૭૪ ખાડા પડેલા છે. શહીદ તુકારામ ઓમ્બળે ગાર્ડનથી પિકનિક પૉઇન્ટ સુધીના ૪.૭ કિલોમીટર લાંબા સ્ટ્રેચ પરની ટેસ્ટ-ડ્રાઇવ પર ‘મિડ-ડે’એ ૩૪૯ ખાડાની ગણતરી કરી હતી.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી આરેમાં પ્રવેશતાંવેંત થોડા જ મીટરના અંતરે ઉબડખાબડ રસ્તા શરૂ થઈ જાય છે. મહારાષ્ટ્ર કૃષિ ઉદ્યોગ બેસ્ટ બસ-સ્ટૉપ નજીક ‘મિડ-ડે’એ ૧૨ ખાડા નોંધ્યા હતા.
યુનિટ-પાંચથી યુનિટ-૬ સુધી દોઢ કિલોમીટરનો ડાયવર્ઝન પૅચ છે અને ત્યાંથી રસ્તો વધુ ને વધુ બદતર થતો જાય છે. અહીં લગભગ ૮૬ જેટલા ખાડા આવેલા છે.

સ્થાનિક રહેવાસી સંદીપ ગંધાવે કહ્યું હતું કે ‘રોડવર્ક ચાલુ હોવાથી અમે આ ડાયવર્ઝનનો ઉપયોગ કરીએ છીએ. સ્ટુડન્ટ્સે રોજ ગોરેગામ થઈને સ્કૂલમાં જવું પડે છે, જેને કારણે તેમના બે કલાક બગડે છે. જો રોડની ક્વૉલિટી સુધરે તો મુસાફરીનો સમય અડધો થઈ જાય.’

અન્ય એક મુસાફર ઇશ્તિયાક ખાને કહ્યું હતું કે ‘કેટલીક જગ્યાએ તો એવું લાગે છે કે જાણે રોડ છે જ નહીં. જો રોડ સારો હોય તો ૧૫થી ૨૦ મિનિટમાં આખો રસ્તો પસાર થઈ જાય, પણ અત્યારે એક કલાક લાગે છે.’

બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગોરેગામથી પવઈ સુધીના રસ્તાનું રિપેરિંગ થઈ રહ્યું છે અને ખાડા પૂરવાની જવાબદારી કૉન્ટ્રૅક્ટરની છે. કૉન્ટ્રૅક્ટરે પહેલાં ખાડા રિપેર કર્યા હતા, પણ અંદરના રોડમાંથી ડાયવર્ઝન પરના ખાડા રિપેર કરવાની જવાબદાર કૉન્ટ્રૅક્ટરની નથી. એ વિસ્તાર આરે સીઈઓના નિયંત્રણમાં આવે છે. આ રોડને કૉન્ક્રીટનો બનાવવાનું નક્કી કરાયું છે. અમે આશરે સાત કિલોમીટર રોડને કૉન્ક્રીટ વડે બનાવીશું. ૩૦૦થી ૪૦૦ મીટરનો રસ્તો કૉન્ક્રીટનો બનાવી દેવાયો છે.’

mumbai mumbai news mumbai potholes brihanmumbai municipal corporation goregaon