પુત્રવધૂએ કરાવ્યાં સાસુજીનાં લગ્ન

29 November, 2012 02:58 AM IST  | 

પુત્રવધૂએ કરાવ્યાં સાસુજીનાં લગ્ન



શૈલેશ નાયક

અમદાવાદ, તા. ૨૯

સાસુ-વહુના સંબંધો આમ તો હંમેશાં તકરાર માટે જ જાણીતા હોય છે, પણ ક્યારેક આ રિલેશન  મા-દીકરીના સંબંધો જેવી ઊંચાઈ પણ મેળવતા હોય છે. અમદાવાદમાં ગઈ કાલે એક પરિવારની વહુએ વિધવા થયા બાદ એકલાં પડી ગયેલાં સાસુના જીવનમાં ફરી આનંદ-ઉલ્લાસ લાવવા માટે વાજતેગાજતે લગ્ન કરાવ્યાં હતાં. અમદાવાદના વાસણા વિસ્તારમાં સાસુ તારાબહેનનું મોં પેંડો ખવડાવીને મીઠું કરાવી મુંબઈની નેહા લાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૈં મમ્મી કા અકેલાપન દેખતી થી, She is very alone, ફિર ઇસ દૌરાન આમિર ખાન કા ટીવી પર ‘સત્યમેવ જયતે’ શો દેખા ઔર લગા કિ મૈં મમ્મી કી ફિર સે શાદી કરાઉં ઔર આજ દેખિએ મેરી માં જૈસી સાસ કા મૅરેજ ખુશી સે હુઆ.’

ભુજમાં રહેતાં બે દીકરાની માતા એવાં ૪૬ વર્ષનાં તારાબહેન ઝાલા અને અમદાવાદમાં રહેતા ત્રણ દીકરીઓ અને એક દીકરાના પિતા બાવન વર્ષના ધનજીભાઈ જાદવનો લગ્નપ્રસંગ તેમની ફૅમિલીની હાજરીમાં આનંદ-ઉત્સાહ સાથે સંપન્ન થયો. આ લગ્ન અમદાવાદમાં ‘વિનામૂલ્યે અમૂલ્ય સેવા’ સંસ્થા ચલાવતા નટુભાઈ પટેલના ઘરે થયાં હતાં. સાસુને પરણાવવા માટે મુંબઈના અંબરનાથમાં રહેતી વહુ નેહા અમદાવાદ આવી હતી. ગુજરાતમાં ભુજમાં નાના દીકરા સાથે રહેતાં ૪૬ વર્ષનાં તારાબહેન ઝાલાના પતિ મહેશભાઈ થોડાં વર્ષો પહેલાં ગુજરી ગયા હતા. તેમનો મોટો દીકરો સુશાંત ઝાલા મુંબઈ નજીક અંબરનાથમાં પત્ની નેહા સાથે રહે છે. નેહા લાલ મુળ બિહારની વતની છે.

નેહાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારાં લગ્ન પછી હું મમ્મીનું એકલવાયું જીવન જોતી હતી. આ દરમ્યાન આમિર ખાનનો ટીવી શો ‘સત્યમેવ જ્યતે’ જોયો, જેમાં નટુભાઈ પટેલને સિનિયર સિટિઝન્સ અને લિવ-ઇન રિલેશનશિપને પ્રમોટ કરી રહેલા જોયા. મને થયું કે સિનિયર સિટિઝન્સ તેમના સાથીને ગુમાવ્યા પછી ફરી મૅરેજ કરે છે તો મમ્મીનાં મૅરેજ કરાવી તેમને હું હેપ્પી જોઉં. આ વાત મારા હસબન્ડને કરી તેમ જ મમ્મીની એક ફ્રેન્ડ હેતલબહેનને આ વિશે ફોન ઉપર વાત કરી. મમ્મીને પણ ફરી લગ્ન કરવાં પ્રોત્સાહતિ કર્યા અને ટીવી શો વિશે વાત કરી.

સુશાંત ઝાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જીવનસાથી ના હોય અને જીવન જીવવાનું હોય તો તેની અસર સ્વભાવમાં દેખાતી હોય છે. મારા પિતાજીના મૃત્યુ પછી મારી મમ્મીના સ્વભાવમાં ચેન્જ થયેલો એ મારી વાઇફના ધ્યાનમાં આવ્યું. પહેલાં તો મમ્મીએ ના પાડી, પણ બે મહિના બાદ મમ્મીએ હા પાડી. દરમ્યાન મમ્મીની ફ્રેન્ડ હેતલબહેન થ્રૂ નટુભાઈ પટેલને મળવાનું થયું અને અમદાવાદમાં રહેતા ધનજીભાઈ કે જેઓ ઓએનજીસીમાં સર્વિસ કરે છે તેમની વાત આવી. તેમની સાથે મમ્મીની મુલાકાત ગોઠવાઈ. એકબીજાના ફૅમિલી સાથે વાતચીત થઈ અને છેવટે બન્ને પક્ષે અનુકૂળતા જણાતાં તેમનાં લગ્ન કરવાનું નક્કી કર્યું.

ધનજીભાઈની દીકરી કવિતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે પિતાજીના ફરી વાર મૅરેજથી બહુ જ ખુશ છીએ. મારાં મમ્મી મંજુલાબહેન અટૅકમાં મૃત્યુ પામ્યાં એ પછી પપ્પા એકલા પડી ગયા હતા, પણ હવે મમ્મી આવી જતાં પપ્પાને વાંધો નહીં આવે.

ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈ કાલે ધનજીભાઈની ત્રણ દીકરીઓ અને દીકરો, જમાઈ કુટુંબીજનો તેમ જ દીકરીનાં સાસરિયાંઓ પણ લગ્નપ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.



વહુને મારી ચિંતા થતી

અમદાવાદમાં ગઈ કાલે ધનજીભાઈ સાથે પ્રભુતામાં પગલાં માંડનાર તારાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારી વહુએ મારો વિચાર કર્યો, બાકી ઘણી વહુઓ સાસુનો ક્યાં વિચાર કરે છે, મારી વહુએ મારા માટે વિચાર્યું એટલે હું ખુશ છું. મુંબઈમાં રહેતી વહુ નેહાએ ‘સત્યમેવ જ્યતે’નો એપિસોડ જોયા બાદ હિંમત બતાવીને ફરી વાર સાસુનાં લગ્ન કરાવવાની હામ ભીડી તેનાથી સાસુમા તારાબહેન તેનો આત્મવિશ્વાસ જોઈ ખુશ થઈ ગયાં. તારાબહેને તેમનાં આ બીજાં લગ્ન વિશે કહ્યું હતું કે આમાં કંઈ ખોટું નથી. જોકે પહેલાં મારી ફ્રેન્ડે મને આ વાત કરી ત્યારે મેં પણ વાત હસીમાં ઉડાવી દીધી હતી.

મંદિરના પગથિયે મળ્યો શુભ સંકેત

તારાબહેને એમ પણ કહ્યું હતું કે ભુજમાં અક્ષરપુરુષોત્તમ મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જતાં મંદિરનાં પગથિયાં ચઢતી હતી અને નટુભાઈનો ફોન આવ્યો એટલે ત્યારે જ મેં મૅરેજ કરવાનું નક્કી કરી દીધું, કેમ કે મંદિરમાં દર્શન કરવા જતી ફોન આવ્યો એ મારા માટે શુભ સંકેત હોવાનું મને લાગ્યું.

એકમેકને સપોર્ટ મળે એટલે કર્યા લગ્ન

અમદાવાદ : ત્રણ દીકરી અને એક દીકરાના બાવન વર્ષના પિતા એવા અમદાવાદના વેદ મંદિર રોડ, કાંકરિયા વિસ્તારમાં રહેતા ધનજીભાઈ જાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પહેલી મુલાકાતમાં જ મેં મારા ઘરની બધી સ્થિતિ સમજાવી દીધી હતી અને કહ્યું હતું કે ફરી વાર લગ્ન મોજશોખ માટે નથી કરવાં પણ સહારાની જરૂર છે.

બી.એ. સાથે ગ્રૅજ્યુએટ થઈ ઇલેક્ટ્રિલ એન્જિનિયરનો અભ્યાસ કરનાર ધનજીભાઈએ કહ્યું હતું કે મારાં પત્ની મૃત્યુ પામ્યાં છે. ફાધરને અટૅક આવ્યો છે, મધર બીમાર છે અને ઘરની જવાબદારી પણ છે. તેમને (તારાબહેન) આ તમામ હકીકતોથી વાકેફ કરવામાં આવ્યાં હતાં અને મેં પણ તેમની તમામ હકીકતો જાણી હતી. તેમણે કહ્યું હતું કે મારાં લગ્ન બાબતે પરિવારને પણ જાણ કરી હતી અને ફાધર-મધર અને વડીલોના આશીર્વાદથી આ લગ્ન સંપન્ન થયાં છે.