મીઠાના અગરની જમીનના કમર્શિયલ વપરાશ સામે આદિત્ય ઠાકરે, જિતેન્દ્ર આવ્હાડનો વિરોધ

22 January, 2022 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમએમઆરડીએએ શહેરના સૉલ્ટ પૅનની જમીન પર પોસાય એવા ભાવમાં આવાસ ઊભા કરવાનો પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક માટેની બિડ મેળવી ત્યાર પછી આ વિરોધ સપાટી પર આવ્યો હતો

આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્રના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરે અને હાઉસિંગ મિનિસ્ટર જિતેન્દ્ર આવ્હાડે મુંબઈમાં ૫૫૦૦ એકરથી વધુ ફેલાયેલા મીઠાના અગરની જમીન રહેણાક અને વ્યાવસાયિક વિકાસ માટે ઉપયોગમાં લેવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ શહેરના સૉલ્ટ પૅનની જમીન પર પોસાય એવા ભાવમાં આવાસ ઊભા કરવાનો પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક માટેની બિડ મેળવી ત્યાર પછી આ વિરોધ સપાટી પર આવ્યો હતો. મુંબઈમાં મુખ્યત્વે સેન્ટ્રલ મુંબઈમાં વડાલા, ઈસ્ટર્ન સબર્બ્સ તુર્ભે, કાંજુરમાર્ગ, ભાંડુપ, નાહુર, મુલુંડ અને વેસ્ટર્ન સબર્બ્સ માલવણી, દહિસર અને પાલઘર જિલ્લામાં આવેલા વિરાર તથા મીરા-ભાઈંદર ખાતે મીઠાના અગર આવેલા છે.
આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું હતું કે ‘મીઠાના અગરની જમીન પર રહેણાક કે વ્યાવસાયિક બાંધકામ કરવાના મુદ્દે હું ફરીથી જણાવું છું કે મીઠાના અગરની જમીનો પર કોઈ આવાસ કે વ્યાવસાયિક બાંધકામ કરવા નહીં દેવાય. આ જમીન સિવાય બાંધકામ માટે બીજી જમીનો પૂરતી છે.’
જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું કે ‘મીઠાના અગરની જમીન રહેણાક કે વ્યાવસાયિક હેતુના બાંધકામ માટે આપવી મુંબઈ માટે વિનાશક બની રહેશે. મીઠાના અગરની જમીન કેન્દ્ર સરકાર હસ્તક છે, પણ એના પરના વિકાસકાર્ય માટે મુંબઈ કૉર્પોરેશન અને રાજ્યના હાઉસિંગ વિભાગની પરવાનગી લેવી પડશે. મેં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરે સાથે ચર્ચા કરી હતી અને આ જમીનને બચાવવાનો અને એના પર બાંધકામની દરખાસ્ત નામંજૂર કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.’

mumbai mumbai news aaditya thackeray