06 March, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો કે શિંદેના કાર્યકાળમાં અનેક કૌભાંડ થયા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે પત્રકારોને સંબોધતા ઠાકરેએ આ મામલે કડક કાર્યવાહી કરવાની માગ કરી અને શિંદેને નાયબ મુખ્યમંત્રીના પદથી કાઢવા માટે મુખ્યમંત્રીને અપીલ કરી.
શિંદે સામે કૌભાંડના આક્ષેપ
આદિત્ય ઠાકરેએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું, "એકનાથ શિંદે દ્વારા ઘણા કૌભાંડ કરવામાં આવ્યા છે. એમએમઆરડીએ કૌભાંડ, બીએમસી કૌભાંડ અને રોડ કૌભાંડમાં શિંદે સંડોવાયેલા છે. મુખ્યમંત્રીએ તેમને તરત જ નાયબ મુખ્યમંત્રીના પદ પરથી દૂર કરવા જોઈએ." ઠાકરેએ કરેલા આ આક્ષેપો બાદ રાજ્યમાં રાજકીય હલચલ વધી ગઈ છે. વિરોધપક્ષે પણ આ મામલે તપાસની માગ ઉઠાવી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર શરૂ
એએનઆઈના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું છે અને તે 26 માર્ચ સુધી ચાલશે. આ સત્રમાં મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર વિવાદ, રોકાણ અને વિવિધ વિકાસ યોજનાઓ પર ચર્ચા થવાની છે. સત્ર દરમિયાન રાજ્યપાલે સરકારની નીતિઓ અને પ્રગતિ અંગે માહિતી આપી. તેમણે મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર વિવાદ અંગે સરકારની પ્રતિબદ્ધતા ફરી એકવાર જાહેર કરી. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં રાજ્યના હિતો માટે નિષ્ણાત વકીલોને નિમણૂંક કરશે. સરહદી વિસ્તારોમાં રહેતા મરાઠીભાષી લોકો માટે શિક્ષણ અને આરોગ્ય યોજનાઓ અમલ કરવામાં આવશે.
મહારાષ્ટ્રનો ઉદ્યોગિક વિકાસ અને રોકાણ
રાજ્યપાલે મહારાષ્ટ્રના ઉદ્યોગિક વિકાસ અંગે પણ માહિતી આપી. તેઓએ જણાવ્યું કે મહારાષ્ટ્ર ભારતના કુલ GDPમાં 14 ટકા યોગદાન આપે છે અને FDI માટે દેશનું પસંદગીનું રાજ્ય છે. એએનઆઈ અનુસાર, જાન્યુઆરી 2025માં દાવોસ ખાતે યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મહારાષ્ટ્ર સરકારે 63 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે 15.72 લાખ કરોડ રૂપિયાના MoU સાઇન કર્યા હતા. આ MoU મારફતે રાજ્યમાં 15 લાખથી વધુ રોજગારની તકો ઊભી થશે. ઉપરાંત, મહારાષ્ટ્ર સરકારે ઉદ્યોગોની પ્રગતિ માટે રોકાણ પ્રોત્સાહન સહાય તરીકે 5000 કરોડ રૂપિયા આપવાનો સંકલ્પ કર્યો છે. મહારાષ્ટ્ર ઉદ્યોગ વિકાસ નિગમ (MIDC) પણ 3,500 એકર ઉદ્યોગિક પ્લોટ નવા અને હાલના ઉદ્યોગો માટે ફાળવી રહ્યું છે. આ પગલાંઓ રાજ્યની આર્થિક વૃદ્ધિ અને રોજગાર નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મહારાષ્ટ્રનું બજેટ 10 માર્ચે રજૂ થશે
વર્ષ 2025-26 માટે મહારાષ્ટ્રનું રાજ્ય બજેટ 10 માર્ચે બંને સભાઓમાં રજૂ થશે. નાણાં અને આયોજન મંત્રી અજીત પવાર આ બજેટ રજૂ કરશે. અનોખા નિર્ણયમાં, વિધાનસભા 8 માર્ચ, જે એક જાહેર રજા છે, તે દિવસે પણ નીતિ-સંબંધી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે શરૂ રહશે.