અપમાનનો બદલો લેવા મોટરસાઇકલો સળગાવી

30 September, 2011 08:38 PM IST  | 

અપમાનનો બદલો લેવા મોટરસાઇકલો સળગાવી


આ કેસમાં સમતાનગરપોલીસે ડ્રગ્સની લત ધરાવનારા માણસની ધરપકડ કરી હતી. ઘટનાના આગલા દિવસે અપમાન થતાં બદલો લેવા આવું કૃત્ય આરોપીએ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

સમતાનગરપોલીસે ૨૦ વર્ષના સંદીપ ઉર્ફે‍ મુસઈ યાદવની ધરપકડ કરી છે. સંદીપને ડ્રગ્સનું સેવન કરવાની લત છે. સંદીપ નહીં પણ ‘લુખ્ખા ટપોરી’ના નામે લોકો તેને બોલાવે છે એમ તે જાણે છે. રવિવારે સાંજે સંદીપ બાઇક પર બેઠો હતો ત્યારે તેને અપમાન કરીને ભગાડી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે આવું કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ વિશે સમતાનગરના સિનિયર ઇન્સ્પેક્ટર અનંત કેંજળેએ કહ્યું હતું કે ‘અજાણ્યા માણસો વિરુદ્ધ કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો. બાઇક બાળવા પાછળનું કારણ શું હતું એની તપાસ પોલીસ કરી રહી હતી ત્યારે પોલીસને જાણ થઈ હતી કે સંદીપ રવિવારે સાંજે બાઇક પર બેઠો હતો ત્યારે કોઈએ તેને ત્યાંથી અપમાન કરીને ભગાડી દીધો હતો. ત્યાર બાદ રવિવારે મોડી રાતના તેણે બાઇકના ફ્યુઅલનો પાઇપ કાપી નાખ્યો હતો અને દીવાસળી ચાંપીને આગ લગાવી હતી.’

સમતાનગરપોલીસને રાતના અઢી વાગ્યે ફોન આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે ફાયરબ્રિગેડને ઇન્ફૉર્મ કરતાં એણે બાઇક પર લાગેલી આગ બુઝાવી હતી. જોકે ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં સાત વાર બાઇક બાળી નાખવાની ઘટના બની છે. પોલીસ-સ્ટેશનથી નજીક આવેલા હનુમાનનગરમાં દુકાનની બહાર રહેવાસીઓએ પોતાની બાઇક પાર્ક કરેલી હતી.