ઘાટકોપરની યુવતીએ નોકરીની શોધમાં ૮ લાખ રૂપિયા ગુમાવ્યા

31 October, 2020 10:22 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઘાટકોપરની યુવતીએ નોકરીની શોધમાં ૮ લાખ રૂપિયા ગુમાવ્યા

ઑનલાઇન ફ્રૉડ કરતી ગૅન્ગ સાથે પંતનગર પોલીસ.

ઘાટકોપર (ઈસ્ટ)ની સિંગલ પેરન્ટ યુવતીએ વેબસાઇટ પરથી નોકરી શોધવા જતાં જીવનની બચાવેલી મૂડી ગુમાવી દીધી હોવાની આઘાતજનક ઘટના બની હતી. પંતનગર પોલીસને આ યુવતીની ફરિયાદ પછી સાઇબર ક્રાઇમ કરતી અને દિલ્હીમાં બોગસ કૉલ સેન્ટર ચલાવતી ઉત્તર પ્રદેશના એક શિક્ષક સહિતની એક ટોળકીને પકડવામાં સફળતા મળી હતી.
ઑનલાઇન ચીટિંગના આ બનાવની વિગત ખૂબ જ હૃદયદ્વાવક છે. ઘાટકોપરની વૈશાલી સચિન મહેતાનાં અમેરિકામાં લગ્ન થયા બાદ ત્રણ વર્ષ પહેલાં તેના પતિનું કૅન્સરમાં મૃત્યુ થયું હતું. આથી તેનાં બે સાવ નાનાં બાળકોને લઈને ઇન્ડિયામાં પાછી આવી ગઈ છે. અત્યારે તે તેના પિતા સાથે રહે છે.
બાળકોના ભવિષ્ય માટે નોકરી શોધી રહેલી આ યુવતીએ ઑગસ્ટ મહિનાના અંતમાં એક નોકરી મેળવા માટેની વેબસાઇટ www.shine.comની ઍપ પર પોતાનો રેઝ્યુમે અપલોડ કર્યો હતો. થોડા સમયમાં તેને વિરાજ નામના કોઈક યુવકનો www.shine.com પરથી બોલું છું એમ કહેતો ફોન આવ્યો હતો. નોકરીની આગલી પ્રોસેસ માટે વૈશાલીને ૧૦ રૂપિયા મોકલવા કહ્યું હતું. તેની મીઠીમાં વાતોમાં આવીને નોકરી શોધી રહેલી વૈશાલીએ તેનો બૅન્ક અકાઉન્ટ, ડેબિટ કાર્ડ અને ઓટીપી નંબર એ વ્યક્તિને આપી દીધો હતો, જેને પરિણામે ત્રણ જ દિવસમાં વૈશાલીએ ૮,૧૬,૫૯૬ રૂપિયા ગુમાવી દીધા હતા.
વૈશાલી મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમેરિકામાં મોટા ભાગના લોકો વેબસાઇટ પરથી નોકરી શોધતા હોય છે, પણ મેં ક્યારેય આમ કરતાં ફ્રૉડ થયો હોય એવું સાંભળ્યું નથી. ભારતમાં પહેલી જ વાર નોકરી શોધવા ગઈ અને મેં મારી અત્યાર સુધીની બચત ગુમાવી દીધી છે. મેં ભૂલથી મારી બધી અકાઉન્ટની વિગતો આપી દીધા બાદ પહેલાં તો મારા ખાતામાંથી દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ મને હમદર્દીનો ફોન આવ્યો હતો કે ભૂલથી દસ રૂપિયાને બદલે દસ હજાર રૂપિયા આવી ગયા છે તો અમે તમને એ રૂપિયા પાછા મોકલીએ છીએ. એમ કરીને મારી પાસેથી ઓટીપી નંબર પણ લઈ લીધો હતો. મને ખબર નહોતી કે હું કેમ તેમના સંકજામાં આવી ગઈ. તેમણે ૩૧ ઑગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધીમાં મારા ખાતામાંથી ૮,૧૬,૫૯૬ રૂપિયા કાઢી લીધા હતા. મારે બે નાનાં બાળકો છે. તેમના ભવિષ્ય માટે આ રૂપિયા બચાવ્યા હતા, જે ચીટરો ચીટિંગ કરીને ઉપાડી ગયા હતા. આથી મેં પંતનગર પોલીસ સ્ટેશનમાં મારી સાથે થયેલી ચીટિંગની ફરિયાદ કરી હતી.’
પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુહાસ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૈશાલી મહેતાની ફરિયાદ નોંધ્યા પછી અમે આરોપીનો મોબાઇલ નંબર ટ્રેસ કયો હતો. તેણે આપેલા પેટીએમની વિગતો પરથી આરોપીઓની શોધ આદરી હતી. તપાસમાં આખી યંત્રણા દિલ્હીથી થતી હોવાની માહિતી મળી હતી. આથી ઇન્સ્પેક્ટર અમોલ માળી અને ઇન્સ્પેક્ટર બાબાસાહેબ મિસાલની ટીમે દિલ્હીમાં ચાલી રહેલા બોગસ કૉલ સેન્ટર પર છાપો મારીને દિલ્હીના ૨૭ વર્ષના આશિક ઇકબાલ, કૉલ સેન્ટર ચલાવી રહેલા ૨૧ વર્ષના રાહુલ તિલકરાજ, ૨૪ વર્ષના રવિ હોકલા, ૨૩ વર્ષના દેવેશ સિંહ અને ઉત્તર પ્રદેશના શિક્ષક અને મની ટ્રાન્સફરનું કામ કરી રહેલા ૩૨ વર્ષના આદિત્ય સિંહની ધરપકડ કરી હતી.’
પંતનગર પોલીસે આરોપી પાસેથી કૉલ સેન્ટરમાંથી આઠ હાર્ડ ડિસ્ક, ૨૩ મોબાઇલ, ૪૭ સિમ-કાર્ડ, ૧૨ ડેબિટ કાર્ડ, ૧૧ પેટીએમ કાર્ડ, સાત ડોંગલ, ત્રણ સી.ડી., એક વાહનચાલક પરવાનો, બાવન સિમ-કાર્ડનાં કૅશ કવર, એક મોબાઇલ બૅટરી અને ૧,૭૪,૦૦૦ રૂપિયા રોકડા હસ્તગત કર્યા હતા.

mumbai mumbai news