ગૂગલ પર ત્રાસ વગર આત્મહત્યા કઈ રીતે થઈ શકે એ શોધનાર યુવાનને સુસાઇડ કરે એ પહેલાં બચાવી લેવાયો

17 February, 2023 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુર્લામાં આવેલી એક આઇટી કંપનીમાં જૉબ કરતા ૨૫ વર્ષના આઇટી એન્જિનિયરે ગૂગલ પર ત્રાસ વગર કઈ રીતે જીવન ટૂંકાવી શકાય એ સર્ચ કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


મુંબઈ : કુર્લામાં આવેલી એક આઇટી કંપનીમાં જૉબ કરતા ૨૫ વર્ષના આઇટી એન્જિનિયરે ગૂગલ પર ત્રાસ વગર કઈ રીતે જીવન ટૂંકાવી શકાય એ સર્ચ કર્યું હતું. એથી ગૂગલ-યુએસ દ્વારા તરત જ આ વિશેની માહિતી ઇન્ટરપોલને આપવામાં આવી હતી. એ માહિતી ઝડપભેર મુંબઈ પોલીસને મળતાં આ યુવાન આત્મહત્યા કરે એ પહેલાં જ તેને બચાવી લેવાયો હતો અને તેનું કાઉન્સેલિંગ કરાયું હતું એમ મુંબઈ પોલીસે જણાવ્યું હતું.   
જોગેશ્વરીમાં રહેતા તે યુવાને ગૂગલ પર એ વિશે સર્ચ કરતાં ગુગલ-યુએસને એની ગંભીરતા સમજાતાં તરત જ ત્યાંની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીને એની જાણ કરી હતી અને તેનું આઇપી ઍડ્રેસ અને લોકેશન શૅર કર્યાં હતાં. એથી એ ઇન્ફર્મેન્શન ઇન્ટરપોલ સાથે શૅર કરાઈ હતી. એણે દિલ્હીમાં એ ઇન્ફર્મેશન આપી અને દિલ્હીથી મુંબઈ પોલીસને એ માહિતી શૅર કરવામાં આવી હતી. માહિતી મળતાં જ મુંબઈ પોલીસે ઝડપી પગલાં ભર્યાં હતાં અને આઇપી ઍડ્રેસ અને લોકેશનના આધારે કુર્લાની એ આઇટી કંપનીમાં પહોંચીને યુવાનને બચાવી લીધો હતો. એટલું જ નહીં, ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની ઑફિસે લઈ જઈને તેનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું અને પછી તેને તેનાં માતા-પિતાને સોંપ્યો હતો. 
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ યુવાને આઇટીનું ભણવા લોન લીધી હતી. ત્યાર બાદ હાઉસિંગ લોન અને અન્ય લોન પણ લીધી હતી જેના ઇન્સ્ટૉલમેન્ટ તે ભરી શકતો નહોતો અને એટલે તે હતાશામાં સરી પડ્યો હતો. એથી તેણે ગૂગલ પર આત્મહત્યા કરતી વખતે બહુ દુઃખ ન થાય એના પ્રકાર સર્ચ કરવા માંડ્યા હતા.   

mumbai news kurla suicide