મીરા રોડના જાણીતા ઝવેરીને ત્યાં ગન પૉઇન્ટ પર દિલધડક લૂંટ

08 January, 2021 10:44 AM IST  |  Mumbai | Mumbai correspondent

મીરા રોડના જાણીતા ઝવેરીને ત્યાં ગન પૉઇન્ટ પર દિલધડક લૂંટ

મીરા રોડના જાણીતા ઝવેરીને ત્યાં ગન પૉઇન્ટ પર દિલધડક લૂંટ

મીરા રોડના સેક્ટર-4 શાંતિનગરમાં આવેલી એસ. કુમાર ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડ નામની જ્વેલરીની દુકાન પર ગઈ કાલે ધોળે દિવસે બપોરે ૨.૨૦ વાગ્યે લૂંટારાઓ ત્રાટક્યા હતા અને ગન પૉઇન્ટ પર લૂંટ ચલાવીને નાસી ગયા હતા. જોકે બે બાઇક પર આવેલા ૪ લૂંટારાઓએ એક બાઇક ત્યાં જ છોડીને ભાગવું પડ્યું હતું. બે લૂંટારાઓ બાઇક પર નાસી ગયા હતા, જ્યારે એક લૂંટારો રેલવે-સ્ટેશન તરફ ભાગી ગયો હતો અને અન્ય એક લૂંટારો ઘરેણાંની બૅગ લઈને બીજી તરફ ભાગી ગયો હતો. કુલ કેટલા રૂપિયાની લૂંટ થઈ છે એની ગણતરી મોડી રાત સુધી ચાલી રહી હતી.
નયા નગર પોલીસ-સ્ટેશનની હદમાં બનેલી ઘટનાની જાણ પોલીસને થતાં હાલમાં નવી જ બનેલી મીરા-ભાઈંદર પોલીસ કમિશનર કચેરીના ડીસીપી અમિત કાળે, એસીપી શશિકાંત ભોસલે, એસીપી વિલાસ સાનપ જેવા ઉચ્ચ પોલીસ-અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મળ્યાં છે જેમાં ચાર લૂંટારાઓએ માસ્ક પહેર્યા છે અને પિસ્તોલ દેખાડીને શોરૂમના કર્મચારીઓને ધમકાવ્યા બાદ બહુ શાંતિથી લૂંટ ચલાવી હતી.
વિડિયો-ફુટેજમાં લૂંટારાઓ શાંતિથી તેમને જે દાગીના જોઈતા હતા એની ટ્રે ચૉઇસ કરતા હતા અને ચોક્કસ ટ્રે હૅન્ડબૅગમાં ઠાલવતા હતા.

શોરૂમની સામે આવેલી એક નાની દુકાનના કર્મચારીઓએ જોયું હતું કે બે બાઇક પર આવેલા માસ્ક પહેરેલા ૪ જણ શોરૂમમાં ગયા હતા. થોડી વાર બાદ નજર પાછી શોરૂમ પર પડતાં તેમણે જોયું કે તેઓમાંના બે જણ એક બૅગ લઈને બહાર આવ્યા અને બાઇક પર બેસીને ચાલ્યા ગયા. થોડું ધ્યાનથી જોતાં કાચની પેલે પાર દુકાનનો એક કર્મચારી જે દરરોજ તેમને ત્યાં આવતો હતો તે સામેવાળા માણસ સામે હાથ જોડીને ઊભો હતો એથી એમને અંદાજ આવી ગયો કે લૂંટ ચાલી રહી છે એટલે તેઓ શોરૂમ તરફ દોડ્યા હતા અને ત્યારે જ બૅગ લઈને બહાર આવેલા બન્ને જણને તેમણે રોકવાની કોશિશ કરી હતી, પણ એમાંના એક જણે તેમની સામે ગન તાકતાં તેમણે અટકી જવું પડ્યું હતું. જોકે પછી તેમણે બાઇક ત્યાં જ છોડી દીધી હતી અને અલગ-અલગ દિશામાં ભાગી ગયા હતા.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કૅમેરા ફુટેજ પણ મેળવ્યાં હતાં. એ ઉપરાંત લૂંટારાઓની બાઇકની ચેસિસ-નંબરના આધારે પણ તપાસ શરૂ કરાઈ છે. શોરૂમના કર્મચારીઓનાં સ્ટેટમેન્ટ પણ લેવામાં આવી રહ્યાં છે અને લૂંટારાઓ વિશે બારીકમાં બારીક વિગતો એકઠી કરાઈ રહી છે.

mumbai mumbai news Crime News mumbai crime news