મીરા રોડમાં વેપારી પાણી લેવા ગયો, તેની કારના કાચ તોડી ૩ લાખની ચોરી

18 September, 2020 11:53 AM IST  |  Mumbai | Mumbai correspondent

મીરા રોડમાં વેપારી પાણી લેવા ગયો, તેની કારના કાચ તોડી ૩ લાખની ચોરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઃ (મિડ-ડે પ્રતિનિધિ) મીરા રોડમાં રહેતા એક વેપારીને એન્જિનિયરિંગ યુનિટ માટેનો કાચો માલ ખરીદવા માટે પૈસાની જરૂર હતી, જેના માટે તેણે તેની મિલકતનાં કાગળિયાં ગીરવી રાખીને લોન મેળવી હતી, પરંતુ જ્યારે તેઓ મુંબઈ માલ ખરીદવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે પૂનમ ગાર્ડન પાસે મેડિકલ સ્ટોરમાંથી પીવા માટે પાણી લેવા કાર ઊભી રાખી હતી. તેઓ જ્યારે પાણી લઈને પાછા ફર્યા એટલી વારમાં તેમના પૈસા કારમાંથી ચોરાઈ ગયા હતા.
પાર્ક કરેલી કારને ટાર્ગેટ બનાવનારા તોડફોડ અને લૂંટફાટ નરતા ચોરોની કુખ્યાત ગૅન્ગ ફરી એક વાર શહેરમાં સક્રિય થઈ ગઈ છે. બુધવારે બપોરે મીરા રોડમાં રહેતા ૫૧ વર્ષના ફૂલચંદ્ર પટેલ સાંજે ચાર વાગ્યે પોતાના વ્યવસાયને લાગતો સામાન ખરીદવા માટે મુંબઈ તરફ જવા નીકળ્યા હતા, પરંતુ સફરમાં પાણી પીવા માટે પૂનમ ગાર્ડન પાસેના એક મેડિકલ સ્ટોર પાસે કાર ઊભી કરી હતી. જ્યારે તેઓ પાણીની બૉટલ લઈ પાછા ફર્યા ત્યારે તેમની કારનો એક કાચ તોડીને લંૂટારાઓ કારમાં સામાન માટે રાખેલા પૈસા ચોરીને નાસી ગયા હતા, જેની તેમણે મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મીરા રોડના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘કારમાં પૈસાની બૅગ સાથે તેમનું રૅશનકાર્ડ, આધાર કાર્ડ, પૅન કાર્ડ અને ચેકબુક સહિતના મહત્ત્વના દસ્તાવેજો હતા. આ ઘટના બાદ એ વિસ્તારના તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસાઈ રહ્યાં છે.’

mumbai mumbai news mira road