પોલીસ સ્ટેશનનો ત્રીજા ભાગનો સ્ટાફ કોરોના સંક્રમિત થયો

26 July, 2020 11:20 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

પોલીસ સ્ટેશનનો ત્રીજા ભાગનો સ્ટાફ કોરોના સંક્રમિત થયો

કોરાનાના ભરડામાં આવેલું મીરા રોડનું નયાનગર પોલીસ સ્ટેશન.

મીરા રોડમાં આવેલા નયાનગર પોલીસ સ્ટેશનમાં ૧૦૦ જેટલો સ્ટાફ છે. આમાંથી સિનિયર ઈન્સ્પેક્ટર સહિત ૩૫ પોલીસ કોરોના સંક્રમિત થઈ જવાથી હાહાકાર મચી ગયો છે. ત્રીજા ભાગના કર્મચારીઓ વિવિધ હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે અમુક રિકવર થઈને કામ પર પાછા ફર્યાં છે. પોલીસ સ્ટેશનનું કામકાજ ચાલું રાખવા માટે થાણેથી વધારાનો સ્ટાફ બોલાવવો પડ્યો છે. નયાનગર ખૂબ ગીચ વિસ્તાર હોવાની સાથે લોકો સોશ્યલ ડિસ્ટિન્સિંગ સહિતના નિયમનું પાલન ન કરતા હોવાથી કોરોના વાઈરસનો અહીં ઝડપથી ફેલાયો થવો હોવાની શક્યતા છે.
થાણે ગ્રામિણ પોલીસની અંદર મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ક્ષેત્રના છ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે, એમાંનું એક પોલીસ સ્ટેશન મીરા રોડનું નયાનગર છે. તાજેતરમાં જ નવી ઈમારતમાં શિફ્ટ કરાયેલું પોલીસ સ્ટેશન ગીચ વસતિની વચ્ચે આવેલું છે. મીરા રોડમાં સૌથી વધારે કોરોનાના કેસ આ જ વિસ્તારમાં નોંધાયા હોવાથી પોલીસ સ્ટેશનમાં પણ એ પગપેસારો કરવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સેનિટાઈઝર સહિતની સાવધાની રાખી હોવા છતાં વાઈરસનું આટલા મોટાપાયે સંક્રમણ થયું છે.
મળેલી માહિતી મુજબ મીરારોડમાં કોરોના વાઈરસના ફેલાવાની શરૂઆત થઈ હતી ત્યારે નયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવી રહેલા એકલ દોકલ કર્મચારીને સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. એ સમયે બધા ઠીક પણ થઈ ગયા હતા. લૉકડાઉન હોવા છતાં નયાનગર પોલીસ સ્ટેશનમાં દરરોજ અનેક લોકો ફરિયાદ લઈને આવતા હોવાથી તેમનામાંથી કોઈકનું ઈન્ફેક્શન લાગવાથી સિનિયર ઈન્સ્પેક્ટર કૈલાશ બર્વે સહિતના પાંચ અધિકારી અને ૩૦ જેટલા સ્ટાફ મુશ્કેલીમાં મૂકાયા છે.
મીરા રોડ એસડીપીઓ શાંતારામ વળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી આ વિસ્તાર હૉટસ્પૉટ બની ગયો છે. પોલીસ સ્ટેશન કે લૉકડાઉનની ડ્યુટી કરી રહેલા સ્ટાફ જાણ-અજાણ્યે કોઈકના સંપર્કમાં આવવાથી વાઈરસ નયાનગર પોલીસ સ્ટેશનમાં ફેલાયો હશે. ત્રીજા ભાગનો સ્ટાફ ટ્રીટમેન્ટ હેઠળ હોવાથી કામકાજ કરવા માટે થાણેથી વધારાનો સ્ટાફ બોલાવવો પડ્યો છે. તમામ સાવધાની રખાતી હોવા છતાં વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી માત્ર પોલીસ જ નહીં બધાએ ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે. પોલીસની મદદની જરૂર હોય તો પોલીસ સ્ટેશને પહોંચવાને બદલે ફોનથી પણ કામ ચલાવી શકાય છે.’

mumbai mumbai police coronavirus mumbai news covid19