લોઅર પરેલમાં ચાની ટપરી પર થયેલી નાની બોલાચાલી પહોંચી મર્ડર સુધી

21 July, 2021 03:21 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

ચાનો સ્ટૉલ ચલાવતા ગુજરાતી અને તેના સાથીએ ચાકુના ઘા કરીને ગ્રાહકને પતાવી દીધો. જોકે ગુનો કરીને ભાગી રહેલા આરોપીઓને ત્યાંથી પસાર થઈ રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરે હિંમતભેર પકડી લીધા

ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ ડૉ. નામેશ્વરના હસ્તે બહાદુરી દેખાડનાર એન. એમ. જોષી માર્ગ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર શરદ વિચારેને સન્માનિત કરવામાં આવ્યા હતા.

લોઅર પરેલમાં સેનાપતિ બાપટ માર્ગ પર એક ગુજરાતી યુવાન અને તેનો સાથીદાર ૨૦ વર્ષના પ્રતીક મયેકર નામના યુવકની છાતીમાં ચાકુ મારીને હત્યા કરીને નાસી રહ્યા હતા. એ વખતે ત્યાંથી પસાર થઈ રહેલા એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર શરદ વિચારેએ સમયસૂચકતા અને અલર્ટનેસ દાખવીને મર્ડર કરીને ભાગી રહેલા બે યુવાનને પકડવામાં સફળતા મેળવી હતી. મર્ડરકેસના આરોપીઓને પકડીને બહાદુરી દેખાડનાર પોલીસ અધિકારીને પોલીસ વિભાગ દ્વારા સન્માનિત સુધ્ધાં કરાયો છે.
લોઅર પરેલમાં આવેલા સેનાપતિ બાપટ માર્ગ પર એમ્પાયર હાઉસ પાસે આવેલા બ્રેડી ગ્લેડીઝ પ્લાઝા ગેટ સામે આ બનાવ બન્યો હતો. પ્રતીક મયેકર એલ્ફિન્સ્ટન પાસે રહે છે. સેનાપતિ બાપટ માર્ગ પર મુકેશ પટણીએ રસ્તા પર એક નાનીએવી પાનની ટપરી ઊભી કરી હતી અને સંતોષ હરિજન તેની સાથે ત્યાં કામ કરે છે. આ બન્નેને પ્રતીક સારી રીતે ઓળખતો હતો. એથી પ્રતીક અને તેના મિત્રો તેની ટપરી પર ગયા હતા. તેમણે ટપરી પર અમુક વસ્તુ માગી, પરંતુ ટપરી બંધ થઈ ગઈ છે એમ કહેતાં તે લોકો વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. મુકેશ, સંતોષ બન્નેની પ્રતીક સાથેની બોલાચાલી મારઝૂડ સુધી પહોંચી હતી. એ દરમિયાન મુકેશે રોષે ભરાઈને ચાકુથી પ્રતીકની છાતીના ભાગમાં વાર કરતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. પ્રતીકની હાલત જોઈને તેના મિત્રો તો ત્યાંથી જતા રહ્યા, પણ વાર કરીને બન્ને આરોપીઓ મુકેશ અને સંતોષ ભાગી રહ્યા હતા એ જ વખતે પોલીસ અધિકારી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. 
મારી આંખ સામે ત્યાં મારામારી થઈ રહી હતી એમ કહેતાં એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર શરદ વિચારેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહોલ્લા કમિટીની મીટિંગ હતી અને એમાં જોડાયેલા રહેવાસીઓને હું મોટી ગાડીમાં મૂકવા જઈ રહ્યો હતો. અમુક લોકોને મૂક્યા બાદ રસ્તામાં મને મારામારી થઈ રહેલી જોવા મળી હતી. એથી મેં તરત ગાડી ઊભી રખાવી અને ભાગીને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પહેલાં તો જમીન પર લોહીલુહાણ અવસ્થામાં પડેલા પ્રતીકને ઉપાડીને ગાડીમાં નાખીને નાયર હૉસ્પિટલ મોકલાવ્યો હતો, પરંતુ હૉસ્પિટલના ગેટ પાસે પહોંચતાં જ તે મૃત્યુ પામ્યો હતો. ડૉક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ ઘટનાસ્થળેથી ભાગી રહેલા બન્ને આરોપીઓ મુકેશ અને સંતોષને પકડવા હું થોડો ભાગ્યો હતો અને તેમને પકડી લીધા હતા. તે લોકો ત્યારે હાથ ન આવ્યા હોત તો ક્યાંય જઈને છુપાઈ ગયા હોત. ઘટનાસ્થળેથી બે ચાકુ પણ મળી આવ્યાં હતાં.’
ડ્યુટી પર હોઈએ ત્યારે બીજું કંઈ દેખાય નહીં એમ જણાવીને પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘પહેલાં મને એવું લાગ્યું કે તેમના હાથમાં કોઈ હથિયાર હશે, પરંતુ તે લોકો નાસી ન જાય એટલે કોઈ પણ વિચાર કર્યા વગર જ તેમની પાસે જઈને તેમને પકડી પાડ્યા હતા. ઘટનાસ્થળે લોકોની ભીડ ખૂબ થઈ ગઈ હતી એટલે આરોપીઓ ડરના માર્યા કોઈના પર વાર કરે એ પણ ચિંતા હતી. પોલીસ વિભાગે મેં દેખાડેલી આ બહાદુરી બદલ મને સન્માનિત કર્યો હોવાથી ખૂબ પ્રોત્સાહન મળ્યું છે.’    
આ મામલે પોલીસ અધિકારી શરદ વિચારેની ફરિયાદ પરથી પોલીસે બન્ને આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. બન્ને આરોપીઓને ભોઈવાડામાં લોકલ કોર્ટે પોલીસ-કસ્ટડીનો આદેશ આપ્યો હોવાથી પોલીસ કેસની આગળની તપાસ કરી રહી છે. 

preeti khuman-thakur Mumbai mumbai news