ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજને સાંભળવા ગોરેગામ પહોંચી જાવ

20 November, 2021 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાહેબજીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જવાહરનગરમાં ‘સિદ્ધાંત દિવાકર ભવ્ય આર્ટ ગૅલરી’નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેમની હાઇપર રિયલિસ્ટિક પ્રતિમા મૂકવામાં આવી છે તેમ જ તેમના મુખેથી ધર્મલાભ પણ સાંભળવા મળશે

પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના હાથે રજોહરણના આશીર્વાદ લેતી થ્રી-ડી ફોટોગ્રાફી

મુંબઈના ગોરેગામ-વેસ્ટના જવાહરનગર જૈન સંઘમાં મુંબઈમાં પ્રથમ વાર ભુવનભાનુસૂરિ સમુદાયના પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર, સુવિશાલ ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ‘સિદ્ધાંત દિવાકર ભવ્ય આર્ટ ગૅલરી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આર્ટ ગૅલરીમાં જિનશાસનમાં સૌપ્રથમ વાર ક્યારેય ન જોયેલી, ક્યારેય ન કલ્પેલી અદ્ભુત, અલૌકિક દિવ્ય હાઇપર રિયલિસ્ટિક શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાની આબેહૂબ પ્રતિમા મૂકવામાં આવી છે, જે પ્રતિમાનાં સાક્ષાત્ દર્શનની સાથે તેમના મુખેથી ‘ધર્મલાભ’ સાંભળવા મળશે. આ સિવાય આ આર્ટ ગૅલરીમાં થ્રીડી ફોટોગ્રાફી, ઑગ્મેન્ટેડ રિયલિટી ટેકનૉલૉજી દ્વારા સિંહાસન પર પૂજ્ય ગુરુદેવનાં સાક્ષાત્ દર્શન, વિવિધ ધાર્મિક પ્રશ્નોના જવાબ ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાના અવાજમાં સાંભળવા મળે છે. વધુમાં ગચ્છાધિપતિના અવાજમાં હિતશિક્ષા, બાળકો માટે ઍનિમેશન ફિલ્મ અને ધાર્મિક ગેમ્સ પણ આકર્ષણનું કેન્દ્ર છે. 
શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા આગમની મોબાઇલ લાઇબ્રેરી તરીકે પ્રખ્યાત છે. સકળ શ્રી સંઘની એકતા તેમનું મુખ્ય લક્ષ્ય હતું. તેઓ જિનશાસનના અનેકાંતવાદને ખૂબ જ સરસ રીતે જાણતા હતા. તેઓ તેમના જીવંત પર્યંત શ્રી સંઘને લોકોના આત્મકલ્યાણ માટે માર્ગદર્શન અને સલાહ આપતા હતા. 
‘સિદ્ધાંત દિવાકર ભવ્ય આર્ટ ગૅલરી’નું સમગ્ર આયોજન પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના આશીર્વાદથી હાલમાં અમદાવાદમાં બિરાજમાન શ્રી રત્નભાનુવિજયજી મહારાજસાહેબના માર્ગદર્શનથી જવાહરનગરમાં ચાતુર્માસ માટે બિરાજમાન પરમ પૂજ્ય પંન્યાસ શ્રી કૃપાબિંદુ મહારાજસાહેબની ‌‌‌નિશ્રામાં થયું છે. 
ગઈ કાલે કાર્તિકી પૂનમથી લોકાર્પણ કરવામાં આવેલી આ ‘સિદ્ધાંત દિવાકર ભવ્ય આર્ટ ગૅલરી’ જોવાનો લાભ લોકો રવિવાર રાતે ૧૦ વાગ્યા સુધી લઈ શકશે. આ બાબતે આર્ટ ગૅલરીની વિશેષતાની માહિતી આપતાં ગચ્છાધિપતિ શ્રી આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના નિકટના અનુયાયી સત્યેન અરવિંદ શાહે કહ્યું હતું કે ‘આ આર્ટ ગૅલરીમાં શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા ક્યાં જઈને વસ્યા છે એ ઑટોગ્રાફ સિંહાસનને પોતાના મોબાઇલમાં સ્કૅન કરીને પૂજ્યશ્રીનાં પ્રત્યક્ષ દર્શન કરી શકશે. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના હાથે રજોહરણના આશીર્વાદ લેતી થ્રીડી ફોટોગ્રાફી માણી શકાશે. પૂજ્ય ગુરુદેવ હંમેશાં કોઈના પણ મનમાં મૂંઝવતા સવાલના જવાબ આપતા હતા. આ આર્ટ ગૅલરીમાં જઈને લોકો તેમના મનને મૂંઝવતા પ્રશ્નો પૂછીને સ્વયં પૂજ્ય ગચ્છાધિપતિશ્રી પાસેથી એનો જવાબ મેળવી શકશે. ગૅલરીમાં પ્રત્યેક ફોટોમાં ગચ્છાધિપતિ જીવંત છે અને લોકોને હિતશિક્ષા ફરમાવતા જોવા મળશે. એટલું જ નહીં, ગચ્છાધિપતિશ્રીના ૧૦૦થી વધુ જીવનપ્રસંગો અને ૫૦થી વધુ ઉપકરણોનાં દર્શન કરાવતો ભવ્ય જીવનગ્રંથ પણ ઉપલબ્ધ છે. ચિલ્ડ્રન સ્ટોરી અને ગેમિંગ ઝોનમાં ગચ્છાધિપતિશ્રીને ગમતાં બાળકો માટે મહાપુરુષોની  ઍનિમેશન ફિલ્મ+જૈનિઝમ ગેમ્સ મૂકવામાં આવી છે. એ સિવાય પણ ઘણું બધું છે.’ 
સત્યેન શાહે આયોજન વિશે વધુમાં કહ્યું હતું કે ‘લોકો આ આર્ટ ગૅલેરી નિહાળવાનો લાભ બે દિવસ સુધી રોજ સવારે ૯થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી અને સાંજે ૪થી રાતે ૧૦ વાગ્યા સુધી શ્રી જવાહરનગર જૈન સંઘ, ગુંદેચા આરાધના ભવન, પ્લૉટ નંબર-૯૫, સાધ્વીજી મહારાજસાહેબના ઉપાશ્રય, જવાહરનગર રોડ નંબર-પાંચ, ગોરેગામ-વેસ્ટમાં લઈ શકશે. 

મંગળવારથી આર્ટ ગૅલરી ઘાટકોપરમાં

‘સિદ્ધાંત દિવાકર ભવ્ય આર્ટ ગૅલરી’નું પ્રથમ વાર અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મુંબઈમાં પ્રથમ વાર ગોરેગામમાં ગઈ કાલથી લોકોની આર્ટ ગૅલરી જોવા ભીડ જામી છે. ગોરેગામમાં રવિવાર રાતે ૧૦ વાગ્યા સુધી લોકો ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાનાં આબેહૂબ દર્શન કરી શકશે. મંગળવાર ૨૩ નવેમ્બરથી આ આર્ટ ગૅલરીનું આયોજન ઘાટકોપરમાં ચાતુર્માસ માટે બિરાજમાન પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વવરજી મહારાજસાહેબની નિશ્રામાં સંઘાણી એસ્ટેટના જૈન ઉપાશ્રયમાં કરવામાં આવશે. 

Mumbai mumbai news