ટ્રેનના પાટા પર પડતું મૂકનાર સિનિયર સિટિઝનને બચાવી લેવાયા

19 July, 2021 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેનની આગળની જાળી તેમના પરથી પસાર થઈ ગઈ હતી, પણ નસીબજોગે તેમને કોઈ ઈજા થઈ નહોતી. ટ્રેન ઊભી રહી ત્યાર બાદ તેમને બહુ જ સંભાળીને બહાર કાઢવામાં આવ્યા હતા.

ટ્રેન સામે પડતું મૂકનાર હરિપ્રસાદને મોટરમૅને બ્રેક મારીને બચાવી લીધા હતા.

કલ્યાણ રેલવે સ્ટેશન પાસેથી ગઈ કાલે મહાનગરી એક્સપ્રેસ પસાર થઈ રહી હતી ત્યારે ૮૬ વર્ષના હરિપ્રસાદ શંકર કર્ણે એની સામે પડતું મૂક્યું હતું, પણ ટ્રેનના મોટરમૅન (લોકોમોટિવ પાઇલટ) એસ. કે. પ્રધાન અને અસિસ્ટન્ટ લોકોમોટિવ પાઇલટ રવિશંકરે તેમને એમ કરતા જોઈ લીધા હતા એથી તરત જ બ્રેક મારી હતી અને છેક છેલ્લી ઘડીએ તેમને બચાવી લેવાયા હતા. ટ્રેનની આગળની જાળી તેમના પરથી પસાર થઈ ગઈ હતી, પણ નસીબજોગે તેમને કોઈ ઈજા થઈ નહોતી. ટ્રેન ઊભી રહી ત્યાર બાદ તેમને બહુ જ સંભાળીને બહાર કાઢવામાં આવ્યા હતા. એ પછી કલ્યાણ જીઆરપીએ તેમના પરિવારનો સંપર્ક સાધીને તેમની સોંપણી કરી હતી. રેલવેએ તેમને બચાવી લેનાર બન્ને લોકોમોટિવ પાઇલટ અને તેમને મદદ કરનાર રેલવેના ચીફ પર્મનન્ટ ઇન્સ્પેક્ટર સંતોષકુમારને તેમની કામગીરી માટે બિરદાવ્યા હતા અને દરેકને ૨૦૦૦ રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું. જાણવા મળ્યા મુજબ એ વૃદ્ધને તેમને પરિવારમાં કોણ સંભાળશે એની ચિંતા હતી એથી ઘરના કંકાસથી કંટાળીને ટ્રેન સામે પડતું મૂક્યું હતું.  

Mumbai mumbai news kalyan