મલાડમાં વધુ એક રિઝર્વોયર

30 December, 2011 08:52 AM IST  | 

મલાડમાં વધુ એક રિઝર્વોયર



અતુલ શાહ

મુંબઈના પશ્ચિમી પરા મલાડમાં વધુ એક જળાશય ઊભું કરવાના પ્રસ્તાવને મુંબઈ સુધરાઈની સ્થાયી સમિતિએ મંજૂરી આપતાં મલાડ તથા ગોરેગામ-ઈસ્ટના વિસ્તારોના પાણીપુરવઠામાં નોંધપાત્ર વધારો થઈ શકશે. જોકે આ વિસ્તારના રહેવાસીઓએ ૫૦ મિલ્યન લિટર પાણીની ક્ષમતાવાળા નવા જળાશય માટે હજી ઓછાંમાં ઓછાં બે વર્ષ રાહ જોવી પડશે. નવા જળાશય માટે પ્રસ્તાવ આપનાર મલાડમાં આવેલા પુષ્પા પાર્કના બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના નગરસેવક ડૉ. રામ બારોટે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મલાડ-ગોરેગામના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને લાગીને આવેલા વિસ્તારોમાં છેલ્લાં દસ વર્ષમાં અનેક નવાં બાંધકામો ઊભાં થયાં છે. અહીં વસ્તી વધતાં પાણીની ડિમાન્ડમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્તમાન પુરવઠો ઘણો જ ઓછો પડે છે. જળાશયને મંજૂરી તો મળી ગઈ છે, પરંતુ સુધરાઈની ચૂંટણી નજીક હોવાથી એનું કામકાજ ક્યારે શરૂ થશે એ કહી શકાય એમ નથી.’

કામગીરી પૂરી કરવા માટે એક વર્ષથી વધુનો સમય લાગી શકે એમ છે. ચૂંટણીને કારણે કામ શરૂ થવામાં જ ઓછામાં ઓછા ચાર મહિના થાય એમ છે. આમ નવા જળાશય માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે. જળાશય માટે ૭૨ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

મુંબઈ સુધરાઈના પી-ઉત્તર વૉર્ડના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર મલાડ ઈસ્ટ-વેસ્ટના વિસ્તારો (મઢ-માલવણી છોડીને) તથા ગોરેગામ ઈસ્ટ-વેસ્ટના વિસ્તારોને મલાડ ટેકરીના હાલના જળાશય ક્રમાંક ૧ અને જળાશય ક્રમાંક ૨માંથી પાણીપુરવઠો કરવામાં આવતો હતો. આ બન્ને જળાશયની કુલ ક્ષમતા ૬૮.૨૦ મિલ્યન લિટર પાણીની છે. કુલ ૯૦.૨૦ મિલ્યન લિટર પાણીની ક્ષમતા ધરાવતા બોરીવલીના જળાશય ક્રમાંક ૧ અને જળાશય ક્રમાંક ૨માંથી કાંદિવલી, બોરીવલી અને દહિસર વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવતું હતું.

જોકે ૨૦૦૬માં કાર્યાન્વિત થયેલી ભાંડુપ-મલાડ-લિબર્ટી ગાર્ડન-ચારકોપ ટનલ મારફત ભાંડુપ કૉમ્પ્લેક્સથી ગોરેગામ, મલાડ, બોરીવલી તથા દહિસર-વેસ્ટના વિસ્તારોમાં પાણી પૂરું પાડવાનું શરૂ થયું છે; જ્યારે મલાડનાં જળાશયોમાંથી હાલમાં ગોરેગામ તથા મલાડ-ઈસ્ટના ભાગોને અને બોરીવલી જળાશયોમાંથી આર વૉર્ડના માત્ર ઈસ્ટના વિસ્તારોને પાણી પૂરું પાડવામાં આવે છે. ભાંડુપ-ચારકોપ ટનલ મારફત મલાડના જળાશયને પણ પાણી પૂરું પાડવામાં આવે છે. ટનલ મારફત જ્યારે લિબર્ટી ગાર્ડન કે ચારકોપમાં પાણીપુરવઠો ચાલુ હોય છે ત્યારે મલાડના જળાશયમાં ઓછા દબાણે પાણી પડે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને મલાડનાં વર્તમાન જળાશયોમાં પૂરતું પાણી પડતું નથી એટલું જ નહીં, પુરવઠા કરતાં ડિમાન્ડમાં થયેલા વધારાને કારણે વર્તમાન ક્ષમતા અપૂરતી પુરવાર થાય છે એટલે મલાડમાં ૫૦ મિલ્યન લિટર પાણીની ક્ષમતાવાળા વધુ એક જળાશયની શક્યતા ઊભી થઈ હતી. આ વિસ્તારમાં ૨૦૨૧ સુધી રહેનારી પાણીની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ નવા જળાશયની આવશ્યકતા ઊભી થઈ હતી.

મલાડમાં જળાશય ક્રમાંક ૩ બાંધવા માટે ડીબીએમ જિયોટેક્નિક્સ ઍન્ડ કન્સ્ટ્રક્શન નામની કંપની દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૭૨ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. સર્વેક્ષણના આધારે ૨૦૧૧ની ૨૭ જુલાઈએ ટેન્ડરો મગાવવામાં આવ્યાં હતાં, જેમાં ગુજરાતની પી. સી. સ્નેહલ કન્સ્ટ્રક્શન કંપનીનું ટેન્ડર સાનુકૂળ જણાયું હતું.